Movies Review

કાલા

સુપરહ્યુમન રજનીકાંત

Rating: 3.0 Star

કાલા રજનીકાંતની અન્ય ફિલ્મો કરતા પ્રમાણમાં કન્ટ્રોલ્ડ ફિલ્મ છે. અર્થાત ટિપીકલ મસાલા સાઉથ મૂવી Kaala-Movie-Posterકરતા થોડી અલગ છે. વાર્તા સરળ છે પણ નરેશન થોડું વિક છે. 166 મિનિટની ફિલ્મમાં પચીસેક મિનિટ કંટાળો આવશે એવું વિચારીને જશો તો વાંધો નહીં આવે! રજની સરના ફૅન્સ લોકોને મજા પડશે.   

‘રોબો ટૂ’ની ઠેલાઈ રહેલી રિલિઝ અને રાજકારણમાં પ્રવેશની વાત-વાયદા અને કર્ણાટક-તમિલનાડુનો કાવેરી નદી વિવાદ આ બધા વચ્ચે થલાઇવા એટલે કે રજનીકાંત એટલે કે કાલા આવી ચૂક્યા છે.(ધારો: બૅકગ્રાઉન્ડમાં કાન ફાડી નાખતું લાઉડ મ્યૂઝિક!) આ વખતે બૅકડ્રોપ તમિલનાડુ કે સાઉથનું નહીં બલ્કે મુંબઈનું છે. મુંબઈની, રાધર એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં તમિલનાડુથી વર્ષો પૂર્વે સ્થાળાંતરિત થયેલા લોકોની વાત છે. તેમની જગ્યા, ઘરો, ઝુંપડીઓને નષ્ટ કરી દુષ્ટ રાજકારણી અને જમીન માફીયાઓને ત્યાં બિલ્ડિંગો ઊભી કરવી છે. પણ ધારાવીમાં રહેતા લોકોને તે મંજૂર નથી. તેઓ વિરોધ કરે છે. બળવો પોકારે છે. તેમણે મનથી માની લીધેલો, પદારુઢ થયા વિનાનો રાજા છે, ધારાવીનો રાજા! નામઃ કાલા કલિકારન. કાલા પોતાની વસ્તી બચાવવા આખી સિસ્ટમ સામે લડે છે.

બે વર્ષ પહેલા રજનીસાહેબની ‘કબાલી’(વાંચો: કબ્બાલી!) આવી હતી, જે પ્રમાણમાં નબળી હતી. તેના જ રાઇટર-ડિરેક્ટર પા. રંજિત ‘કાલા’ લઈને આવ્યા છે. અહીં ‘કલાબી’ કરતા થોડું ઓછું હિરોઇઝમ છે. હા, રજનીકાંતની આકર્ષક પર્સનાલિટી અને ચાર્મ બરકરાર છે.

આવોને, ડિટેઇલમાં જોઇએ.

ધારાવી કા રાજા!

ધારાવીની વસ્તીમાં કાલા કરિકાલન (રજનીકાંત;કહેવાની જરૂર હતી?) તેની પત્ની સેલ્વી(ઇશ્વરી રાઓ) અને ત્રણ પુત્રો તથા પુત્રવધુ સાથે રહે છે. પૌત્ર-પૌત્રી પણ છે. ઇન શોર્ટ, રજનીકાંતનો આ રોલ પણ ‘કબાલી’ની જેમ તેની ઉંમર પ્રમાણે બંધબેસતો છે. આ પરિવાર સહીત ધારાવીના અન્ય લોકો તમિલનાડુના તીરુનલવેલીથી માઇગ્રેટ થઈને અહીં આવ્યા છે. તે ટાઇટલ ક્રેડિટ્સ સાથે ચંદ મીનીટોમાં એનિમેશન દ્વારા દર્શાવવામાં આવે છે. બધું બરાબર ચાલતું હોય છે ત્યાં યુનિયન મિનિસ્ટર હરીદેવ અભ્યંકર અકા હરી દાદા(નાના પાટેકર) વસાહતના લાકોને બહાર કાઢવા અને તેમની જમીન હડપાવાના પ્રયત્નો આદરે છે. હરી દાદાએ અગાઉ પણ ધારાવીમાં દંગા, એટૅક કરાવ્યા છે. ઓબ્વિઅસ્લી કાલા તેનો વિરોધ કરે છે. વાર્તા ખરેખર આટલી જ છે પણ ફિલ્મ થોડી લાંબી બને અને આપણા કંટાળામાં વધારો થાય એ માટે ઝવેરી(હુમા કુરેશી)નો સબ પ્લૉટ ઘુસાડવામાં આવ્યો છે. ઝવેરી ધારાવીમાં જ મોટી થઈ છે અને આફ્રિકામાં અભ્યાસ કરીને કન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટિવ બનીને પાછી આવી છે. તેની ઈચ્છા અહીં રહેતા લોકોનું જીવન-ધોરણ સુધારવાની છે. મહત્વની વાત એ છે કે તે કાલાનો લવ ઇન્ટરેસ્ટ છે! યસ, બેઉ એક સમયે એકબીજાના પ્રેમમાં હતા.

હવે છેલ્લે સુધી નાના પાટેકર એટલે કે હરિ દાદા ઝુંપડપટ્ટીની જમીન મેળવવા માટે કેવા કાવાદાવા અને સોંગઠાબાજી કરે છે તે અને તે જમીન બચાવવા રજનીકાંત એટલે કે કાલા પોતાની લાર્જર ધેન લાઇફ પર્સનાલિટી અને જાતજાતના સ્વેગ સાથે કઈ રીતે તેની સામે લડતો રહે છે તે ચાલ્યા કરે છે. થોડી થોડી વારે એન્ટરટેઇન થવાય છે અને વચ્ચે વચ્ચે કંટાળાના એટૅક આવે છે. આવો ને, એ પણ ડિટેઇલ્ડમાં જોઈએ!

નો વન કૅન, ઓન્લી રજની કૅન!      

Kaala Shooting Spot Photos (2)_0
ડાયરેક્ટર પા. રંજિત ‘કાલા’ના સેટ પર થલૈવા રજનીકાંત સાથે

       સૌથી પહેલી વાત તો એ કે આ આઉટ એન્ડ આઉટ રજનીકાંતની ફિલ્મ નથી. સતત તેને જ મસીહા કે હિરો બનીને અહીં દર્શાવવામાં આવ્યો નથી. પા.રંજિતની ગત ફિલ્મ ‘કબાલી’ કરતા પણ હળવી અને શાંત એન્ટ્રી અહીં રજનીકાંતે મારી છે! વેરી સિમ્પલ! કોઈ પણ સ્ટાઈલ, મ્યુઝીક કે એટિટ્યુડ વિના(હાઉ સ્ટ્રેન્જ!). માત્ર રજનીનો અવાજ સંભળાય છે અને બાદમાં બેટ લઈને ઊભો દેખાય છે. છોકરો દડો નાખે છે અને આપણને એમ થાય કે ભાઈ હમણાં સિક્સ ફટકારશે, પણ ના, તે આઉટ થઈ જાય છે! ધેટ્સ એન્ટ્રી. અહીંથી જ તમને આ સામાન્ય માણસ ‘કાલા’ ગમતો થઈ જાય છે. આ ફિલ્મ રજનીકાંતની ઓછી અને પા.રંજિતની વધારે હોય તેવું લાગે છે. જોકે, રજનીના ફૅન લોકો જેના માટે તરસ્યા છે તે સ્લૉ-મોશન વૉક, 360 ડિગ્રી શૉટ્સ અને ક્લોઝ-અપ એન્ગલ શૉટ્સ, વગેરે બધું અહી છે જ. ઇવન, પ્રો-ઇન્ટરવલ ટિપિકલ મસાલા સ્ટન્ટ સિક્વન્સ મુંબઈના ફ્લાય ઑવર પર બતાવાઈ છે, જેમાં રજની છત્રી વડે ગુંડાઓનો ખોત્મો બોલાવે છે. (રજની કા વેપન!) આ અને અન્ય અમુક સિન્સ રજનીના આશિકો માટે સિટીમાર જલ્સો છે. જોકે, સાહેબની ઉંમર ન દેખાય તે માટે, ખાસ તો એક્શન સિક્વન્સિસમાં, કેમેરા ફટાફટ ઇન એન્ડ આઉટ કરાયા છે. એક્શન દ્રશ્યોમાં VFXનો સારો એવો ઉપયોગ કરાયો છે. સેટ્સના રિઆલિસ્ટિક લૂક માટે જેટલા અભિનંદન કેમેરા વર્કને આપીએ એટલા જ અભિનંદન અદભૂત ઇમ્પેક્ટ માટે સંગીતકાર સંતોષ નારાયણને આપવા ઘટે. રજનીકાંતની ગોગલ્સ પહેરવાની, પાછળ ફરીને બોલાવાની, નાચવાની, ચાલવાની, આંખ ઊંચી કરીને- મોં ઊંચુ કરીને ખડખડાટ હસવાની, આ બધી સ્ટાઇલ લા-જવાબ કેપ્ચર થઈ છે અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિકથી સજી છે. રણજીત બહાદુરે ટ્રાન્સલેટ કરેલા ડાયલૉગ્સ હિન્દીમાં થોડા ઓછા જચે છે.(મૂળ તમિલમાં વધુ મજા પડતી હશે.) રજીનીકાંતનો ડબિંગ વૉઇસ હિન્દીમાં મયૂર વ્યાસે આપ્યો છે, એ જસ્ટ નોંધ માટે.

કબાલીમાં જેમ તમિલનાડુમાં થતા દલિત પૉલિટિક્સનો ઑલ્ટરનેટિવ ઇતિહાસ અને તેમનું મલેશિયામાં થયેલું માઇગ્રેશન, આ મુદ્દા દર્શાવાયા હતા તેમ અહીં પણ ઝુંપડપટ્ટીમાં રહેતા દલિતો પર થતું દમન, ઝુલમ અને અન્યાય દર્શાવવામાં આવ્યો છે. એક જગ્યાએ જ્યાં દલિતોના હકની, તેમના જીવન-ધોરણની વાત ચાલે છે ત્યાં દિવાલ પર આંબેડકરનું પોસ્ટર જોવા મળે છે. એક જગ્યાએ ‘જય ભીમ’ના નારા પણ સાંભળવા મળે છે. પરંતુ કોઈપણ પ્રકારની લાઉડનેસ વિના. પા.રંજિતે અહીં સિફતપૂર્વક કબાલીની જેમ જ કાસ્ટિઝમનો મુદ્દો વણી લીધો છે. એક સિનમાં સફેદ કપડા પહેરેલો હરિ દાદા ધારાવીમાં રહેતા કાલાના ઘરનું પાણી પીવાની ના પાડી દે છે. અહીં ‘કાલા’ મોટાભાગે કાળા કપડામાં પહેરેલો જ દેખાય છે અને મણીરત્નમની ‘રાવણ’ની જેમ અહીં રામ રાવણને મારે છે તે રીતે મેતાફોરીકલ દર્શાવાયું છે. નાના પાટેકર, રજનીને દસ માથાવાળો રાવણ કહીને તેને મારવાની વાત કરે છે.

ફિલ્મનો અન્ય પ્લસ પૉઇન્ટ તેના સેટ્સ છે. શરૂઆતની પંદરેક મિનિટમાં જ તમે ઝુંપડપટ્ટીની વસાહતના સેટ સાથે સેટ થઈ જાઓ છો. બારી વિનાના ઘરો અને સાંકડી ગલીઓવાળી વસાહત સિનેમેટોગ્રાફર મુરલીએ સ-રસ રીતે કેપ્ચર કરી છે. નોંધનીય વાત એ છે કે, આ ધારાવી જેવો અદ્દલ સેટ ચેન્નઈમાં ઊભો કરાયો છે! ફિલ્મનો ક્લાઇમેક્સ અન્ય રજનીકાંતની ફિલ્મો કરતા અલગ છે. તેમાં કાળા, બ્લ્યુ અને લાલ રંગનો સ-રસ ઉપયોગ કરાયો છે. પ્લસમાં ‘કાલા’ ટાઇટલ સૉન્ગ તમિલ અને હિન્દીમાં પણ સરસ કમ્પોઝ થયું છે.

Rajinikanth Kaala Movie Posters_4
રજનીકાંત સાથે જેણે એકપણ શબ્દ બોલ્યા વિના સૌથી વધુ સ્ક્રિન શેર કર્યા છે તે કુતરાનું નામ મણિ છે. 30 ડૉગ્સના સ્ક્રિન ટેસ્ટ બાદ આ ‘મણિ’ની પસંદગી થઈ હતી. ‘કાલા’ બાદ ડોગ બ્રિડર્સ તેના માટે બે કરોડ રૂપિયા જેટલી રકમ આપવા તૈયાર છે. મણિનો માલિક અને ટ્રેઈનર સિમોન તે કોઈને આપવા તૈયાર નથી.

કાલાની ભડભડીયાણી અને વાચાળ પત્ની સેલ્વીના રોલમાં ઇશ્વરી રાઓનું પરફૉર્મન્સ સુપર્બ છે. તેના અને રજનીકાંત વચ્ચેના સિન્સ એડોરેબલ છે. રજનીના પુત્ર સેલ્વમ(દીલીપન) અને લેનીન(મનીકન્દમ)નું કામ સારું છે. ત્રીજો પુત્ર બનતો નીતીશ વીરા લેખેલા સિન્સમાં જ દેખાય છે. અહીં બોલિવૂડના કલાકારોમાં હુમા કુરેશી ઉપરાંત અંજલિ પાટિલ, પંકજ ત્રિપાઠી, સયાજી સિંદે, રવિ કાલે, નાના પાટેકર સહિતના કલાકારો છે. નાના અને રજનીના આમને-સામનેના સિન્સ અફલાતૂન ફિલ્માવાયા છે. માફ કરે થલૈવા પણ અમુક જગ્યાએ નાના રિતસરના રજની પર ભારે પડે છે. એક સિનમાં નાના અને રજની મરાઠી-હિન્દી અને તમિલ ત્રણેય ભાષામાં વાત કરે છે. સાઉથના ટેલેન્ટેડ એક્ટર્સ સંપથ રાજ અને કાલાના પરમેનેન્ટલી પિયક્કડ મિત્ર વલીયંપાના પાત્રમાં સમુધીરકાની પણ છે. અહીં છેલ્લે ગુજરાતી ફિલ્મ ‘રેવા’માં દેખાયેલા દમદાર મરાઠી એક્ટર અતુલ કર્યેકર પણ છે. (અહીં પણ તેઓ પંડિતના પાત્રમાં જ છે!)

મિસ્ટેક હો ગઈ થલૈવા! 

ફિલ્મનું એડિટિંગ ઘણું નબળું છે. ફિલ્મ આરામથી 20થી 25 મિનિટ ટૂંકી થઈ શકી હોત. અંતમાં આવતા ટાઇટલ સિવાયના ગીતો ફિલ્મને અને આપણને ભયંકર નડે છે. હુમા કુરેશીનું પાત્ર નબળા કેરેક્ટરાઇઝેશનનો ઉત્તમ નમૂનો છે. તે રજનીકાંતની પૂર્વપ્રેમિકાના પાત્રમાં છે, જે કોઈ એન્ગલથી લાગતી નથી. માથામાં સફેદ લિસોટા કરી દેવાથી પાત્ર મોટું તો ન લાગે ને! અને સામે રજનીકાંત ખરેખર કેટલો મો..ટો લાગે છે! (માફ કરજો થલૈવા!) એક સિનમાં તો રજનીકાંત પોતે હુમાને પૂછી બેસે છે, તુમ ઐસી જવાન કૈસે દીખતી હો?(અમારોય આ જ પ્રશ્ન છે સર!) તેના અને રજનીકાંતના સિન્સ ફોર્સફૂલી ફિલ્માવાયા છે. એ સિન્સ જાણે ‘કબાલી’ ફિલ્મના રજની-રાધિકાના એક્સટેન્શન હોય તેવા લાગે છે. સમય બગાડે છે. એન્ડ સુધી પહોંચતા ફિલ્મ રિપિટેટિવ અને પ્રેડિક્ટેબલ થઈ જાય છે. અમુક જગ્યાએ ભયંકર લાઉડ મ્યૂઝિક અને વણજોઈતા ગીતોના કારણે નેરેટિવ પાંગળુ થઈ ગયું છે. સાઉથની ફિલ્મો વિશે વાત કરતી વખતે લૉજિકની વાત આમ તો કરવી જ ન જોઈએ. પણ વચ્ચે વચ્ચે (છે તો) જાગી ગયેલા મગજે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા. એમાનો એક એ કે, આટલું બધું થઈ રહ્યું છે પણ ઢંગનું મિડીયા કવરેજ, ઓપોઝિશન પાર્ટી, સેન્ટર્લ ગવર્મેન્ટ જેવું કંઈક છે નહીં મુંબઈમાં! સરકારમાં ઓન્લી નાના અને બાકી રજની! ઓન્લી રજની કેન!

જોવી કે નહીં?

વેલ, કહ્યું તેમ રજનીની અન્ય ફિલ્મો કરતા પ્રમાણમાં કન્ટ્રોલ્ડ ફિલ્મ છે. અહીં સુપરમેન રજનીકાંત નથી પણ સુપરહ્યુમન રજનીકાંત છે. તેના જમાઈ ધનુષે પ્રોડ્યુસ કરી છે એટલે કદાચ તેણે પણ સસરાને બહુ લાઉડ થવા નહીં દીધા હોય!(આઈ એમ જસ્ટ જૉકિંગ. સૌજન્યઃ ચંકી પાંડે) એટલે ટિપીકલ મસાલા સાઉથ મૂવી કરતા થોડી અલગ છે. વાર્તા સરળ છે પણ નરેશન થોડું વિક છે. 166 મિનિટની ફિલ્મમાં પચીસેક મિનિટ કંટાળો આવશે એવું વિચારીને જશો તો વાંધો નહીં આવે! રજનીકાંતની સ્ટાઇલ, થોડી ફાઇટ અને હિરો-વિલનની તકરાર જોવા માટે જઈ શકો છો. છુટુંછવાયું મનોરંજન ઘણું છે!

બાકી, રજનીના ફૅન લોકો… ડૉન્ટ મિસ ધ ચેન્સ!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 09 June 2018)

Kaala 09-06
Mid-day, Mumbai. Page No. 27, Date: 09-06-2018

0 comments on “કાલા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: