‘ફિલ્મ સાથે જોડાયેલા મોટાભાગના મેમ્બર્સની ઉંમર ૩૪ વર્ષથી નાની હતી. એમાં પણ હું તો પહેલી વાર ફૂલ ફિચર-ફિલ્મ ડિરેક્ટ કરતો હતો. આ પહેલા કોઈને આસિસ્ટ પણ નથી કર્યા મેં, છતાંય નસીર સરે પોતાના સ્ટારડમનો ભાર સાથે રાખ્યા વિના અમારી સાથે સરસ રીતે કૉ-ઓપરેટ કર્યું.’
-મનીષ સૈની
-‘મધ્યાંતર’ કૉલમ
(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)
બે મહિના પહેલા, ટુ બી પ્રિસાઇસ, ૧૩મી એપ્રિલે ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર થયા, જેમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ એ રિજનલ લેન્ગવેજમાં બેસ્ટ ફિચર ફિલ્મ ઇન ગુજરાતીનો એવોર્ડ મેળવ્યો છે. ‘ઢ’ ફિલ્મના ડિરેક્ટરનું નામ છે મનીષ સૈની.
ફિલ્મની વાર્તા ત્રણ એવા બાળકોની ઈર્દગીર્દ ફરે છે જેમને ભણવામાં લગીરેય રસ નથી. તેઓ એક દિવસ સ્કુલથી ભાગીને જાદુનો શો જોવા જાય છે. જાદુગરને માણસનું ધડ અલગ કરી દેતો, વસ્તુઓ ગાયબ કરી દેતો અને અવનવા કરતબ કરતો ત્રણે જણ અચંબાથી જૂએ છે. છોકરાઓ બીજા દિવસે સ્કુલ જાય છે ત્યારે સમાચાર મળે છે કે, તેમનું રિઝલ્ટ આવી ગયું છે અને તેઓ લગભગ તમામ વિષયોમાં નાપાસ છે! શિક્ષકોની ફિટકાર વરસે છે. એક શિક્ષક તો કહી દે છે કે, તમને હવે કોઈ જાદુ જ પાસ કરી શકે એમ છે! છોકરાઓને પેલો જાદુગર યાદ આવે છે. તેઓ જાદુગરને ચિઠ્ઠી લખવાનું શરુ કરે છે. ચિઠ્ઠીમાં વાર્તાલાપ શરુ થાય છે કે અમે સ્કુલમાં પાસ થવા શું કરીએ?! જાદુગરનો એક દિવસ જવાબ આવે છે. આ રીતે ત્રણેય વિદ્યાર્થી અકા છોકરાઓ કઈ રીતે બૅક બેન્ચરમાંથી આગળ આવે છે, બધું શીખતા-સમજતા થાય છે, તે આ ફિલ્મનો સેન્ટર આઇડિયા છે.
ફિલ્મના ડાયરેક્ટર મનીષ સૈની આટલી વાર્તા જણાવીને કહે છે કે, ‘જાદુ એ કોઈ ચમત્કાર નથી. કહી શકાય કે હાથની સફાઈ છે. આ વાત જાદુગર પેલા છોકરાઓને સમજાવે છે. શીખવે છે.’
ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં જાદુગરનું પાત્ર ભારતના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ભજવ્યું છે. એ વિશે વાત કરતા મનીષ સૈની કહે છે કે, ‘મેં નસીરુદ્દીન સરને ત્રણેક વખત અપ્રોચ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તું સ્ક્રિપ્ટ તો મોકલ! હું જોઈને તને કહીશ.’ મેં ૧૨૦ પાનાઓની સ્ક્રિપ્ટ મોકલી અને એક અઠવાડિયામાં તેમનો જવાબ આવી ગયો કે, ‘હા હું ફિલ્મ કરું છું!’ મારે એ વખતે ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ હતો. તો નસીર સરે સામેથી કહ્યું કે, ‘કંઈ વાંધો નહીં. તારે આ ફિલ્મ બનાવવી જોઈએ. હું તેમાં છું અને તારી સાથે છું!’

આટલું કહીને મનીષ સૈની ઉમેરે છે કે, ‘સામાન્ય રીતે એવું કહેવાય છે કે મુંબઈમાં જલ્દી કોઈને તક મળતી નથી. ઓળખીતા-પાળખીતા જ પહેલા ફાવી જતા હોય છે. પરંતુ મારા માટે આ પોઝીટીવ અનુભવ રહ્યો. જ્યાં સુધી નસીર સર જેવા વ્યક્તિઓ ઇન્ડસ્ટ્રીમાં હશે ત્યાં સુધી આપણને સારું અને હેલ્ધી કન્ટેન્ટ મળતું રહેશે. નસીર સરે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે.
મનીષ સૈની આગળ કહે છેઃ ‘ફિલ્મ સાથે જોડાયેલા મોટાભાગના મેમ્બર્સની ઉંમર ૩૪ વર્ષથી નાની હતી. એમાં પણ હું તો પહેલી વાર ફૂલ ફિચર-ફિલ્મ ડિરેક્ટ કરતો હતો. આ પહેલા કોઈને આસિસ્ટ પણ નથી કર્યા મેં, છતાંય નસીર સરે પોતાના સ્ટારડમનો ભાર સાથે રાખ્યા વિના અમારી સાથે સરસ રીતે કૉ-ઓપરેટ કર્યું.’
‘ઢ’ ફિલ્મ હજુ રિલીઝ નથી થઈ. આવતા અઠવાડિયે તેની રિલીઝ ડેટ જાહેર કરાશે. ઢ ફિલ્મનું લેખન કાર્ય મનીષ સૈની તથા આદિત્ય વિક્રમ સેનગુપ્તાએ કર્યું છે. મનીષ સૈનીનો આગામી પ્રોજેક્ટ પણ એજ્યુકેશન રિલેટેડ હશે અને તે પણ ‘ઢ’ની જેમ લાઇટ હાર્ટેડ અને હેલ્ધી વિષય વસ્તુવાળી હશે. તેઓ ગુજરાતી ફિલ્મો વિશે કહે છેઃ ‘અમે જ્યારે આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા ત્યારે રોમ-કોમ અને ફૂલી કોમેડી ફિલ્મો જ આવી રહી હતી. કોઈ આ પ્રકારની ફિલ્મ વિશે વિચારતું જ નહોતું. અમે શરૂઆત કરી ત્યારે ડાઉટ હતો પણ પછી ટોરેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ તથા યૂ.કે. એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ અને લોકોએ તેને વધાવી. ત્યાર ખ્યાલ આવ્યો કે દર્શકોને નવું અને પ્યોર કન્ટેન્ટ આપવામાં આવે તો તેઓ વધાવે જ છે.’
મનીષ સૈનીએ નોંધવા જેવી વાત કરી કે, ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીનો હાલ રિ-બર્થ થયો છે તેમ કહી શકાય. પહેલા જન્મ અને ડાઉન ફૉલ બાદ તે ફરી પાછી જન્મી છે! સો, ડાયરેક્ટર્સ કેરફૂલ રહે અને સારું કન્ટેન્ટ આપવાની કોશિશ કરતા રહેશે તો ગુજરાતી સિનેમા ખૂબ આગળ વધશે. લોકો હેલ્ધી ખાસે તો હેલ્ધી બૉડી બનશે!
‘ઢ’ ફિલ્મના ડાયરેક્ટર: મનીષ સૈની

મનીષ સૈની મૂળ હરિયાણાના છે. તેઓ વર્ષ ૨૦૦૪માં અમદાવાદ આવ્યા હતા. એનઆઈડી(નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન)માં એડમિશન લીધું અને વર્ષ ૨૦૦૮ સુધી-ચાર વર્ષનો ‘ફિલ્મ એન્ડ વિડીયો કોમ્યુનિકેશન’નો કોર્સ કર્યો. ત્યાર બાદ અહીં-ગુજરાતમાં જ વિવિધ ડૉક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ ફિલ્મ્સ બનાવતા રહ્યા. તેઓ કહે છે કે, ‘સ્કુલમાં ક્યારેક ક્યારેક નાટકો કરતા એ સિવાય હરિયાણામાં એવું કોઈ કલ્ચર નહોતું. પેરેન્ટ્સ પણ કહેતા, ‘આ શું કરો છો?’ મને એક્સપ્લોરેસન અહીં-ગુજરાતમાં મળ્યું. એનએસડીમાંથી બહાર આવ્યા બાદ ખબર પડી કે આ રીતે પણ ફિલ્મ બનાવી શકાય છે. ફિલ્મ મેકિંગના જુદા-જુદા પાસાઓ સમજાયા. ’
મનીષ સૈની ગુજરાતી સમજી શકે છે, થોરા થોરા બોલી પણ શકે છે!
પેક અપઃ
નાના હતા ત્યારે થતું કે કોઈ એવો જાદુ તો હશે કે જેનાથી સ્કુલ બંધ થઈ જાય! સ્કુલમાં છૂટ્ટી પડી જાય! આપણને ભણવાનું બધું જ આવડી જાય! આ બધી બાળપણ સાથે જોડાયેલી યાદોં તમને ‘ઢ’ જોતી વખતે યાદ આવી જશે! –મનીષ સૈની
@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)
Date: 08-06-2018

0 comments on “નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘ઢ’ વિશે થોડું…”