Literature

પરિક્ષાનું પરિણામ આવ્યું છે, જિંદગીનું નહીં

પરિણામ નબળું આવ્યું હોય તો નોટ ફિકર! મજ્જા કરો. ફરી પ્રયત્ન કરો. અને દસમા પછી આંધળુકિયા કરીને સાયન્સ અને કોમર્સમાં જવાની જરૂર નથી. આર્ટ્સને પ્રેમ કરતા હો તો લગ્ન તેની સાથે જ કરવા.   

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

કેન્યા નાઇજીરીયાથી બે કલાક આગળ છે. પણ તેનો અર્થ એ નથી કે નાઇજીરીયા પાછળ છે. એનો અર્થ એ પણ નથી કે કેન્યા નાઇજીરીયાથી આગળ અથવા તો ઝડપથી ચાલે છે. બેઉ દેશ પોતાના ટાઇમ ઝોન પ્રમાણે ચાલી રહ્યા છે.

કોઈ હજું સિંગલ છે. અપરિણીત છે. કોઈ પરણી ગયું તેને દસ વર્ષ થઈ ચૂક્યા છે અને બાળકની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ કોઈ એવું પણ છે જેમને એક વર્ષમાં જ બાળક આવી ગયું છે.

કોઈએ ૨૨ વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને તેને પાંચ વર્ષ લાગ્યા છે જોબ મેળવતા. બીજી બાજુ કોઈ એવું પણ છે જે ૨૭ વર્ષે ગ્રેજ્યુએટ થયું છે અને તરત જ જોબ મળી ગઈ છે. તેનું ભવિષ્ય સિક્યોર થઈ ચૂક્યું છે. દરેક પોતાના ટાઈમ ઝોન પ્રમાણે કામ કરે છે…

કોઈ ૨૫ વર્ષની ઉંમરે કંપનીનો CEO બની જાય છે અને ૫૦ વર્ષની ઉંમરે તે દુનિયામાંથી વિદાય લઈ લે છે. સામે કોઈ ૫૦ વર્ષની ઉંમરે CEO પદ પર બેસે છે અને ૯૦ વર્ષ સુધી દમામથી જીવે છે! દરેક વ્યક્તિ પોતાના ટાઈમ ઝોન પ્રમાણે જીવે છે. અમુક વ્યક્તિ પાસે બધું જ હોય છે. તેમનું કામ સરળતાથી થઈ જાય છે. આપણે તેવા નથી, તો કોઈ વાંધો નહીં. આપણો ટાઈમ ઝોન નક્કી જ છે!

તમારી સાથે કામ કરતા કલિગ્સ, મિત્રો, સગા-સંબંધીઓ ઘણી વખત તમારાથી આગળ વધી ગયા હોય એવું લાગે છે પણ એવું હોતું નથી! તેમની ઈર્ષ્યા કે અદેખાઈ કરવાની જરૂર નથી. તેઓ તેમની રીતે કામ કરી રહ્યા છે. ઈશ્વર કે કોઈ અગમ્ય શક્તિએ દરેક વ્યક્તિ માટે અલાયદો પ્લાન ઘડ્યો છે. ફરક માત્ર સમયનો છે! ઓબામા ૫૫ વર્ષે રીટાયર્ડ થાય છે અને એ જ હોદ્દા પર ટ્રમ્પ ૭૦ વર્ષે શરૂઆત કરે છે. સો, તમે વહેલા પણ નથી અને મોડા પણ નથી. તમે સમયસર છો…

આ ‘ટાઇમ ઝોન’ની પ્રેરણાત્મક વાત બે વર્ષ પહેલા એક બ્લોગ પર લખાઈ છે. તે ઈન્ટરનેટના દરિયામાંથી તારવી છે. આ વાત યાદ કરાવનાર મિત્ર પૂજન જાની છે, જેણે સોશિયલ મીડિયા પર તે નૉટ ગુજરાતીમાં શેર કરી હતી.

***

જિંદગી જીવવાના બે નિયમ છે. પહેલો, નેવર ક્વિટ. ક્યારેય હાર ન માનો. પાછળ ડગલા ભરવા પડે તો ભરો પણ 3તેના કારણે હારી ન જાઓ. ફરી ઊભા થાઓ. અને બીજો નિયમ છે, કોઈપણ સંજોગો અને પરિસ્થિતિમાં પહેલો નિયમ યાદ રાખો! આ અને ઉપરોક્ત ‘ટાઈમ ઝોન’વાળી વાત દસમા-બારમા ધોરણમાં ઓછા માર્ક્સ લાવનાર તથા આવનારા પરિણામ-ધારક વિદ્યાર્થીઓને કહેવી છે. રિઝલ્ટ સારું આવ્યું, અપેક્ષા કરતા વધુ આવ્યું તો ‘બહોત અચ્છે’ પણ નબળું આવ્યું તો ‘નોટ ફિકર’! કશો જ વાંધો નહીં.

માર્ક્સ એ તમારી દસમા કે બારમા ધોરણની પરિક્ષાનું પ્રમાણપત્ર છે, જિંદગીનું પ્રમાણપત્ર નથી એ વાત યાદ રાખવી. વિદ્યાર્થીઓ કરતા વાલીઓએ આ વાત યાદ રાખવાની વધારે જરૂર લાગે છે. આજે હાલાત એવા છે કે દરેક પેરેન્ટ પોતાના દીકરા-દીકરીના રિઝલ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ઘણા મિત્રો મજાકમાં એવી કૉમેન્ટ પણ કરે છે કે, સારું થયું અમારા વખતે ફેસબુક નહોતું નહીંતર અમારા બાપા શું કરક?

વેલ, દસમાનું કે બારમાનું રિઝલ્ટ સારું ન આવ્યું એટલે કે બહુ નબળું આવ્યું, તમે ફેઈલ થયા તો યાદ રાખજો કે બીજી ટ્રાય આપવાની આપણે ત્યાં જોગવાઈ છે. અને જરૂરી નથી કે પહેલી વાર ઓછા ગુણ આવે તો બીજી વાર માંડ માંડ પાસ થવાય. પરિશ્રમ અને મહેનતનો કોઈ વિકલ્પ નથી. પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડને એક વખત કહ્યું હતું કે, ‘હું મારી જિંદગીમાં એકધારો અને સતત નિષ્ફળ ગયો છું. ઊભો થયો છું ફરી પાછો નિષ્ફળ ગયો છું! અને આ કારણે જ હું એક દિવસ સફળ થયો છું!’ અને આમ પણ ફેઈલ્યોર એ નવેસરથી શરૂઆત કરવા માટેની એક સોનેરી તક જ છે.

***

હવે, દસમા અને બારમા ધોરણ પછી શું કરવું તેની થોડીક વાત કરી લઈએ. પ્રમાણમાં જેને વધારે ટકા કહેવાય તે આવ્યા હોય તો સાયન્સ, મિડીયમ હોય તો કોમર્સ અને તેનાથી ઓછા આવ્યા હોય તો આર્ટ્સ આવો એક અદ્રશ્ય નિયમ આપણી શિક્ષણ પ્રથામાં જાણે ગોઠવાઈ ગયો છે. તે મગજમાંથી કાઢી નાખજો. તમે દસમામાં સારા માર્ક્સે પાસ થયા હો પણ કળામાં રસ પડતો હોય એટલે કે છાપાની પૂર્તિઓમાં આવતી કૉલમો વાંચવી ગમતી હોય, ગઝલ-કવિતા નજીક લાગતી હોય, શેક્સપિયર અને જયંત ખત્રી શું છે તે જાણવાની ઈચ્છા થતી હોય, નવલકથા વાંચવામાં અને નાટકો જોવામાં મજા પડતી હોય, લેખકોના લેક્ચર્સ સાંભળવા ગમતા હોય તો કોઈ બહેનપણી કે ભાઈબંધ કે સગા-વ્હાલાનું સાંભળ્યા વગર આર્ટ્સમાં એડમિશન લઈ લેજો. દેખાદેખી કે અજાણ્યામાં કોમર્સ કે સાયન્સમાં એડમિશન લેશો તો એમાં પણ તમે સફળ જ થશો; કેમ કે, તમે હોશિયાર જ છો પરંતુ કૉલેજના ત્રણ વર્ષ પછી થશે કે, સાલું મજા તો આમાં આવે છે! આ અનુભવ છે એટલે કહું છું.

1
The past cannot be changed. The future is yet in your power– Unknown

 

ઘણા એવા મિત્રો છે જેઓ સફળ સીએ અને એન્જિનિયર થઈ ગયા છે અને હવે એક્સટર્નલ આર્ટ્સમાં ફોર્મ ભરે છે. કેમ, તો કે ગમતા પુસ્તકો વાંચવા! ‘3 ઇડિઅટ્સ’ના રેન્ચોએ કહ્યું હતું એમ તમારી પ્રેમિકા આર્ટ્સ હોય તો મહેરબાની કરીને લગ્ન કોમર્સ કે સાયન્સ સાથે ન કરી લેતા. તેને બેવફાઈ કહેવાય! આ વાત વિદ્યાર્થીઓના વાલીઓએ પણ નોંધવી. છોકરાને અભ્યાસ બહારના પુસ્તકો વાંચવામાં રસ પડતો હોય, તે ગામની લાયબ્રેરીના આંટા મારતો હોય, ગિટાર-તબલા-હાર્મોનિયમ વગાડવાનો શોખ હોય તો તેને અત્યારથી જ આર્ટ્સમાં એડમિશન અપાવડાવજો. ભવિષ્યમાં તમારું નામ વધુ રોશન કરશે! (આમ પણ તે કોઈપણ પ્રવાહમાં હશે, પોતાનો શોખ તો થોડો થોડો પૂરો કરવાનો જ છે!)

દસમા કે બારમા પછી સારા માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ ડૉક્ટર કે એન્જિનિયર થવાની વાત કરે છે. પાયલોટ અને સી.એ. તથા અન્ય કોઈ ક્ષેત્રે આગળ વધવાની વાત કરે છે. પણ કોઈ એમ નથી કહેતું કે મારે પત્રકાર બનવું છે! આવી મીઠી રમૂજભરી વાત એક પત્રકાર મિત્રે વચ્ચે કરી હતી.

Children at school classroom
સારી મહેનત અનિવાર્ય છે. પણ સારું પરિણામ અનિવાર્ય નથી.

વાત તો સાચી છે! વિગતવાર વાત તો ફરી ક્યારેક કરીશું પણ તમારે જો પત્રકાર બનવું હોય, કોઈ છાપા, મેગેઝિન કે ટીવી ચેનલમાં કામ કરવું હોય અથવા હવે તો ડિજિટલ મીડિયા ધમધમી રહ્યા છે તેમાં કામ કરવું હોય તો તમે ગ્રેજ્યુએશન પછી પત્રકારત્વનો કોર્સ કરી શકો છો. અને એ માટે આર્ટ્સ પ્રવાહ રાખ્યું હશે તો વધારે સરળતા રહેશે. આ પ્રકારના ઘણા કોર્સિસ છે જે તમે ગ્રેજ્યુઅશન અને અમુક બારમા ધોરણ પછી પણ કરી શકો છો. દસમા અને બારમા ધોરણ પછી અન્ય વિધવિધ કયા કયા કોર્સિસ કરી શકાય એ વિશેની જાહેરાતો ચાલુ થઈ જ ગઈ છે અને ટૂંક સમયમાં તે વધશે પણ ખરી. પોતે ઈન્ટરનેટ થોડું ફંફોસવું, કંઈક નવું મળશે.

ઈન શોર્ટ, ઓછા કે સાવ ઓછા ટકા આવ્યા હોય તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ મૂંઝાવા જેવું નથી. સારી મહેનત અનિવાર્ય છે. પણ સારું પરિણામ અનિવાર્ય નથી. એ એક વાર આવી ગયા પછી બહુ લપનછપ્પન ન કરવી. મજા કરવી. ફરી વાર પ્રયત્ન કરવો એ કોઈ ગૂનો કે પાપ નથી.

*જે બાત!*

આપણી મહાનતા અને ઝળહળતી ખ્યાતિ ક્યારેય નિષ્ફળ ન જવામાં નથી, પરંતુ નિષ્ફળ જઈને ઊભા થઈએ તેમાં છે. -કનફ્યૂશિયસ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 06-06-2018

pariksha nu parinam aavyu chhe.. 06-06 Edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6. તા. 06-06-2018

0 comments on “પરિક્ષાનું પરિણામ આવ્યું છે, જિંદગીનું નહીં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: