Movies Review

વિરે દી વેડિંગ

આ લધનમાં જલુલ જલુલથી ન આવજો!

Rating: 1.7 Star

સોનમ અને કરીના કપૂર(અહુજા અને ખાન) સ્ટારર ‘વીરે ડી વેડિંગ’ એ ભપકાદાર લગ્નની ચળકાટ વગરની વાર્તા છે. ફિલ્મના મોટાભાગના સિન્સ ફેક લાગે છે. સ્ત્રી સમાનતા કે સ્ત્રી આઝાદીની વાતો સાથે આ ફિલ્મનો લગીરેય સંબંધ નથી. આ 125 મિનિટનો એડલ્ટ ડ્રામા જે-તે પ્રેક્ષક સમૂહ જ જોઈ, સમજી અને સહન કરી શકશે!

 

વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ચાર બેનપણી સાગમટે આવીને સ્કુલનો ઘંટ વગાડીને રજા જાહેર કરી નાખે છે. આ સિનથી ફિલ્મનો ઉઘાડ થાય છે. ડાયરેક્ટરની ઈચ્છા લોકોને હસાવવાની હતી પણ કોઈને હસવું નથી આવતું. આ ચારેય મસ્તીખોર છોકરીઓને મોટી કરવા દસ વર્ષ ફાસ્ટ-ફોરવર્ડ કરવામાં આવે છે. ટાઇટલ ક્રેડિટ્સ આવે છે. તેમાં આ ચાર કોણ કોણ હતી તેની ઓળખાણ કરાવવામાં આવે છે. અને હવે આ ચારેય અલગ-અલગ જગ્યાએ સેટ થઈ ચૂકી છે. એક્ચ્યુલી અનસેટ થઈ ચૂકી છે, ફિલ્મના અંત સુધી સેટ થવાના પ્રયત્નો કરે છે. જે આપણને મૂંગા મોઢે જોવાના છે.

‘વીરે ડી વેડિંગ’ ફિલ્મ વિશે માત્ર વાતો ચાલતી હતી ત્યારે ક્યુરોસિટી હતી. ટ્રેઇલર જોઈને તે ક્યુરોસિટી મરી ગઈ. ફિલ્મ જોઈને…

પહેલા વારતા તો પૂરી વાંચી લો! (આવી ફિલ્મમાં સ્પોઈલર-બોઇલરની જરાય ચિંતા ન હોય એટલે ટેસડો પડે!)

ચંડાળ ચોકડી

ચારમાં સૌથી પહેલા ક્રમે આવે છે કાલિંદી પુરી(કરિના કપૂર ખાન), જે ઝઘડતા રહેલા પરિવાર વચ્ચે મોટી થઈ છે. તેની મમ્મીના મૃત્યુ પામ્યા બાદ પપ્પાએ બીજા લગ્ન કરી લીધા છે. પપ્પા અને કાકા સતત લડ્યા-ઝઘડ્યા કરે છે. કાલિંદી અને રીષભ(સુમીત વ્યાસ)એકબીજાને પ્રેમ કરે છે. એક દિવસ રીષભ કાલિંદીને લગ્ન માટે પ્રપોઝ કરે છે.

બીજા ક્રમે આવે છે અવની શર્મા(સોનમ કપૂર પ્લસ આહુજા), જે ડિવોર્સ લોયર છે અને લગ્ન અને બાળકો પેદા કરવા માટે આતુર છે. પણ તેને મિસ્ટર રાઇટ નથી મળતો.(સો ક્લિશે!) તેની મમ્મી(નીના ગુપ્તા) તેને પરાણવવા તેનાથી વધારે આતુર છે! ત્રીજા બુન છે સાક્ષી સોની(સ્વરા ભાસ્કર). આ બહેન તેજ તર્રાર, મૂહંફટ છે. મૂંહફટ એટલા કે જરાક મગજ બગડે કે સીધી ગાળો જ મોં વાટે બહાર નીકળે છે.(બીજે ક્યાંથી નીકળે?) આ બહેને લંડનના કોઈ ભાઈ સાથે લગ્ન કર્યા છે અને હાલ ડિવોર્સ માટે ઝઝુમી રહી છે. યુયયુ નો, ડોમિનેટિંગ હસબન્ડ ફેલો! અને ચોથી છે મીરા સુદ(શીક્ષા તલસાણીયા), જે પોતાના પતિ અને બે વર્ષના બાળક સાથે હેપિલી સેન્ટલ્ડ છે. તમને થશે કે સારું થયું, આ બહેન તો ખુશ છે! તો એ તમારી ભૂલ છે. આ બહેનને પણ વાંધો છે. તેનો હસબન્ડ ગોરો છે માટે લગ્ન બાદ તેના પપ્પાએ બોલાવવાનું બંધ કરી દીધું છે. તેને પોતાના વધેલા શરીરથી પણ વાંધો છે થોડોઘણો!

વેલ, તો કાલિંદીને તેનો પ્રેમી પ્રપોઝ કરે છે. કાલિંદી હા પાડે છે. ના પાડે છે. હા પાડે છે. એક્ચ્યુલી તેને કમિટમેન્ટ ફોબિયા જેવું કંઈક હોય છે. બાકીની ત્રણેય બેનપણી તેના લગ્નમાં શરીક થવા પહોંચી આવે છે. ચારેય ભેગી થઈને જૂની યાદોં વાગોળે છે અને મસ્તીમજા કરે છે. ગાય છે, નાચે છે.

ઉપર જેટલું લખ્યું એટલું આસાનીથી નથી કરતા. આ બધું કરતે કરતે વચ્ચે ભૂંડાબોલી ગાળો બોલે છે. તમને અનકમ્ફર્ટેબલના એટેક આવી જાય તેવી સિચ્યુએશન્સ ઊભી કરે છે. વચ્ચે મગજની નસો ત્રંગ થઈ જાય તેવા ગીતો આવે છે. તમે ફિલ્મ પૂરી થવાની બેસબ્રીથી રાહ જૂઓ છો. વચ્ચે વચ્ચે છૂટાછવાઈ લાઇટ્સ મોમેન્ટ્સ અને સર-સ દ્રશ્યો પણ આવી જાય છે. પણ છૂટાછવાયા!

ડાયરેક્શન, સ્ક્રિપ્ટ અને બીજું બધું

ડાયરેક્ટર શંશાક ઘોષ

       ફિલ્મની સ્ક્રિપ્ટ નીધી મહેરા અને મેહુલ સુરીએ લખી છે. ચારેય સહેલીઓને પ્રોબ્લેમ્સ છે એવા આ ફિલ્મની સ્ક્રિપ્ટને પણ છે! ફિલ્મમાં પેરેલલ ચાર વાર્તા ચાલ્યા કરે છે અને એક પૉઇન્ટ પર ચારેય એકબીજામાં ગૂંચવાઈ જાય છે. કાલિંદી(કરિના કપૂર) માતા-પિતાના ઝઘડા તથા પ્રેમી રિષભના દંભી અને દેખાડાપ્રેમી પરિવાર વચ્ચે પીસાયા કરે છે. (એટલે લાઇટલી પીસાય છે. બહુ ટોર્ચર કોઈ નથી કરતું! ફિલ્મ આપણને ટોર્ચર કરે છે તે અલગ વાત છે.) અવની(સોનમ કપૂર)ને નિર્મલ નામનો નિર્મલ છોકરો ગમી જાય છે. તે તેની સાથ વાત આગળ વધારવી કે નહીં તેની અવઢવમાં છે. મીરા(સાક્ષી તલસાણીયા) રૂઠેલા પિતા સાથે વાત કરવી કે નહીં તેની મૂંઝવણમાં છે. અને સાક્ષી(સ્વરા ભાસ્કર)ડિવોર્સ માટે તૈયાર પતિ અને પોતાની અસંતુષ્ઠ મેરેજ લાઇફથી કંટાળેલી છે. હવે આ બધા પ્રોબેલેમ્સના સોલ્યુશન્સ જો ડાયરેક્ટર શશાંક ઘોષ ચાહત તો સારી રીતે કાઢી શકત. ફિલ્મના પ્લોટને વધુ ધારદાર બનાવી આ ચારેય બહેનપણીઓના સુખ, દુઃખ, તેમની ફરિયાદો, તેમના ડર બધું જ દર્શાવી શકત. અને ફિલ્મ પૂરી થતા સુધી કંઈક નિવેડો પણ લાવી શકત.

પણ અહીં જે બે નામ લીધા તે સ્ક્રિપ્ટ-રાઇટર બેલડી સાથે બેઠી હશે અને ફિલ્મ વાઇન્ડ-અપ કેમ કરવી તે વિશે વિચારતી હશે. જવાબ નહીં જડ્યો હોય એટલે  ચારેયને પોસ્ટ-ઇન્ટરવલ ફુકેત, થાઇલેન્ડ મોકલી દીધા હશે! (શીખઃ તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ હોય અને તમારી પાસે પૈસા હોય તો થાઇલેન્ડ જતા રહો!) જોકે, અહીં તો આ ચારેય માનુનીઓ સ્ટ્રિપ ક્લબમાં જઈ શકે અને સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને ડુબકી મારી શકે તો થોડું વધારે ગ્લોસ અને ગ્લેમર ફિલ્મમાં ઉમેરાય, એ જ નિર્દોષ ઇરાદો હશે. ટૂંકમાં, ઇન્ટરવલ બાદ ફિલ્મ ભયંકર રીતે ખોટકાઈ છે. દિશાવિહીન થઈ હોય એવું નથી લાગતું કેમ કે શરૂઆતથી જ કોઈ દિશાના ઠેકાણા નહોતા.

ફિલ્મમાં હ્યુમર અને એન્ટરટેનમેન્ટ અફ કોર્સ છે, પણ પાર્ટ્સમાં. અને નિર્દોષ હ્યુમરની જરાસરખી અપેક્ષા રાખવી નહીં. ફિલ્મમાં હિલેરીઅસ મોમેન્ટ્સ ઉમરવાનો ઘણો સ્કોપ હતો. બોલ્ડ ડાયલૉગ્સ અને સેક્સુઅલ સિચ્યુએશન્સના કારણે આ ફિલ્મ (કદાચ) લિમિટેડ ઓડિયન્સ પૂરતી જ રહી જવાની છે.

ફિલ્મની સિનેમેટોગ્રાફી સૈરાટ ફેમ સુધાકર રેડી યક્કાન્તીની છે. અમુક સિન્સમાં કન્જસ્ટેડ છે. ફિલ્મનું જમા પાસું હોય તો તે સેટ ડિઝાઇનર ડિપાર્ટમેન્ટનું છે! લગ્નનો મંડપ, સેટ, ઇન્ટિરીયર ડિઝાઇન અદભૂત છે. ઉપરાંત તમામના કૉસ્ચ્યુમ્સ અફલાતૂન છે. દેખાતા તમામ ચહેરાઓ ઓબ્વિઅસ સુંદર છે. કરીના કપૂર ખાન મશાઅલ્લાહ લાગે છે. તેણે આકર્ષકતા અને લાવણ્ય જાળવી રાખ્યા છે. તેની એક્ટિંગ અહીં એવરેજ છે. અમુક સિન સિવાય તે રિલેટ નથી કરતી.( આમ તો એકપણ પાત્ર રિલેટ નથી કરતું અને માત્ર ડાયલૉગ ભરડ્યા રાખે છે એવું આપણને લાગે છે!) સોનમ કપૂર એઝ યુઝવલ આઇશા, ખુબસુરત, વગેરાહમાં જેવી હતી તેવી જ છે. તે સિસ્ટર-કમ પ્રોડ્યુસર રિહા કપૂર અને સંદીપ ખોસલા તથા અબુ જાનીએ ડિઝાઇન કરેલા જાતજાત અને ભાત ભાતના કપડામાં જચે છે. સ્વરા ભાસ્કર પહેલા સિનથી જ ધ્યાન ખેંચે છે. શરૂઆતના અમુક સિન્સમાં તેને જોવી ગમે છે, પરંતુ બાદમાં રિપિટેટિવ થઈ જાય છે. સૌથી સશક્ત એક્ટિંગ અહીં ડેબ્યુટન્ટ ટીકુ તલસાણીયાની દીકરી શીખા તલસાણીયાની છે. સી ઈઝ જસ્ટ એફોર્ટલેસ! તેની સ્ક્રિન પ્રેઝન્સ પણ ખાસ્સી એવી છે. સુમિત વ્યાસ, તેના માતા-પિતાના રોલમાં આયેશા રઝા-મનોજ પાવહા, કરીનાના પિતાના રોલમાં અંજૂમ રજબઅલી અને સ્ટેપમધરના પાત્રમાં એકવલી ખન્ના, સોનમની મમ્મીના રોલમાં નીના ગુપ્તા વગેરે પાત્રો ઠીકઠાક છે. આ ઉપરાંત પણ ગેના પાત્રમાં સુકેશ અરોરા અને ભંડારીના પાત્રમાં વિશ્વાસ કિની ક્યાંક કૉમિક રિલીફ આપે છે.

American comedy film Bridesmaids

પહેલી નજરે જોતા આ ફિલ્મમાં ‘સેક્સ ઇન ધ સિટી’ અને ‘બ્રાઇડ્સમેડ્’ની ઝલક દેખાય. અહીં દિલ્હીમાં રહેતા અલ્ટ્રા મોર્ડન અને અલ્ટ્રા રીચ અપર મિડલ ક્લાસ લોકોની વાતો છે. એટલે જે-તે પ્રેક્ષક સમૂહ જ આ ફિલ્મ (કદાચ) સમજી અને સહન કરી શકશે!(બીજી વાર કહ્યું, પ્લિઝ બી નૉટેડ) લક્સરીની એકપણ આઇટમ દર્શાવવામાં બાકાત નથી રખાઈ. શીખાએ એક ટી-શર્ટ ભૂલથી બે વખત પહેરી લીધો છે. બાકી એકપણ કોસ્ચ્યુમ બહેનોએ રિપિટ નથી કર્યો. અહીં ફેન્સી શોપિંગ્સ, લેવિશ વોર્ડરોબ અને ઝળહળતા લગ્નના રિતી-રિવાજો ઉપરાંત હાસ્યાસ્પદ પેરેન્ટ્સ, હોમોસેક્સુઅલ અંકલ, દેખાવડી સ્ટેપમધર અને ઑવર એક્સાઇડૅટ ઇન-લૉઝ છે. આ આખો ખીચડો પૂરો થતા થતા અંતે ફિલ્મ પ્રેડિક્ટેબલ મેલોડ્રામામાં તબ્દિલ થઈ જાય છે. લોકો અચાનક એકબીજાની માફી માગવા માંડે છે ને ભેટવા માંડે છે! બધા સારા થઈ જાય છે.

SexandtheCity_S1_314237900_PMRS7-SN._V343834798_RI_SX940_
American romantic comedy-drama television series -Sex and the City

એકમાત્ર થોડુંઘણું ચાલેલું ગીત ‘તારીફેં’ ફિલ્મની બહાર છે. તે એન્ડિગ ક્રેડિટ્સનું બીજું સૉન્ગ છે. હા, કેમ કે છેલ્લે ‘ભાંગરા તા સજદા’ બાદ આ ગીત દર્શાવવામાં આવે છે. ત્યાં સુધી દર્શકો થિએટરની બહાર હશે! અરીજીત દત્તાનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક છે. પાસેબલ છે. ૧૨૫ મીનીટની ફિલ્મ છે; એડિટિંગ ચાલે.

 

પોકળ ફેમિનિઝમ  

શરૂઆતમાં કહ્યું તેમ ફિલ્મનું ટ્રેઇલર જોઈને જ તેમાંથી ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જેવી બદબુ આવતી હતી. તેવા જ ડાયલૉગ્સની પણ અપેક્ષા હતી જ. પરંતુ ફેમિનિઝમ કે સ્ત્રી-પુરુષ સમાનતા કે સ્ત્રી આઝાદી દર્શાવવા માટે તેઓ સતત ગાળો બોલે, સિગારેટ પીવે, સેક્સ વિશે વાતો કરે, પરિવાર અને હિન્દી ભાષાની મસ્તી ઉડાડે તે જરૂરી નથી. આજની આધુનિક નારીને દર્શાવવાના બીજા પણ ઘણા રસ્તા છે. બીજું એ કે આ બધું અહી દર્શાવાયું છે તે ફેક લાગે છે. કંઈ સહજ નથી લાગતું. તમને સ્ટ્રેસ છે તો સિગારેટ પીવો, લગ્ન કોઈ દિવસ કરવા નહીં, મિત્રો જ તમારા માટે સર્વસ્વ છેઃ આ શીખ તમે મેળવો છો.

જોવી કે નહીં?

કરીના-સોનમ-સ્વરા-સાક્ષી, તેમના સ્ટાઇલિશ કપડા અને અદભૂત ઇન્ટિરીયર ડિઝાઇન્ડ સેટ્સ ઉપરાંત ઉબેર, બીકાજી, વિડિયોકોન, ઐર ઇન્ડિયા વગેરેની જાહેરાત જોવી હોય તો આ ફિલ્મ તમારા માટે છે. પ્રોડક્ટ પ્લેસમેન્ટ જેટલી સિફતપૂર્વક કરી છે એટલી મહેનત સ્ક્રિપ્ટ અને ડાયલૉગ પાછળ કરી હોત તો રાઇટર્સ-ડાયરેક્ટરને જે કહેવું છે તે કહી શક્યા હોત. એકચ્યુલી તેમને કશું કહેવું જ નથી!(અથવા શું કહેવું છે?!) ‘પ્યાર કા પંચનામા’ જેવી મેલ ડોમિનન્ટ સ્ટીરિયોટાઇપ ફિલ્મથી કંઈક ઉલ્ટુ કરવાની કોશિશ થઈ છે. પણ કહ્યું એમ, તે પણ સંપૂર્ણ મનોરંજક રીતે નથી થઈ શક્યું.

સો વાતની એક વાત, આ ચિત્રપટ દરેક માટે નથી. દરેક પુખ્ત વયના માટે પણ નથી! જેમને કોઈપણ પ્રકારની અતિશયોક્તિભરી વાતો સાંભળવા-જોવામાં છોછ ન હોય તેઓ એક વાર આ ફિલ્મ સાથે ટાઈમને પાસ કરી શકે છે.

@Parth Dave 

(Review for Mid-day, Mumbai: 02 June 2018)

Mid-day, Mumbai. Page No. 20, Date: 02-06-2018

2 comments on “વિરે દી વેડિંગ

  1. ડોલી

    ફેમિનિઝમ કે સ્ત્રી-પુરુષ સમાનતા કે સ્ત્રી આઝાદી દર્શાવવા માટે તેઓ સતત ગાળો બોલે, સિગારેટ પીવે, સેક્સ વિશે વાતો કરે, પરિવાર અને હિન્દી ભાષાની મસ્તી ઉડાડે તે જરૂરી નથી. આજની આધુનિક નારીને દર્શાવવાના બીજા પણ ઘણા રસ્તા છે.

    barobar. agree. lakhto re baka. lazyness mubarak !

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: