Literature

વાચકોને વહાલા થવામાં સ્વજનોમાં અળખામણો થયો છું…

‘ઉલ્ટા ચશ્માં’ સીરીઝ અને ટપ્પુડાની અતિ લોકપ્રિયતાનું રહસ્ય શું હતું?
તારક મેહતાની આત્મકથા ‘એક્શન રિપ્લે- ભાગ ૨’માં લટાર

તારક મહેતાની જીવન-જર્નીના પહેલા ભાગમાંથી થોડું આચમન આપણે ગત અઠવાડિયે કર્યું. આખી જિંદગી ભરપૂર જીવેલા તારક મહેતા પોતાને સફળ નહોતા માનતા. તેઓ કહેતા કે, ‘હું મારી જાતને નિષ્ફળ ગણું છું. જીવનમાં મારે બનવું હતું તે ન બની શક્યો. મારી નિષ્ફળતામાંથી પણ વાચક બોધ મેળવી શકે છે. જીવનમાં સફળ થવું હોય તો શું શું ન કરવું એ પણ વાચકે જાણી લેવું જોઈએ.’ આટલું કહીને તેઓ આત્મકથા લખે છે!

1200px-Tarak_Mehta_01

તારક મહેતાએ ખૂબ નાટકો લખ્યા અને દિગ્દર્શન પણ કર્યું. અભિનય પણ ઘણો કર્યો. પણ જાણીને નવાઈ લાગશે કે તેઓ સ્ટેજ પર કે જાહેર પ્રોગ્રામમાં આવતા થરથર કાંપતા! તેમને ભયંકર સ્ટેજ ફિઅર હતો. નાટકો કરતા થોડેઘણે અંશે તે દૂર થયો પણ સાવ તો ન જ ગયો. લોકપ્રિય થયા પછી અચાનક તેમને કોઈ પ્રેક્ષકોમાં  બેઠેલા જોઈ જાય ને સ્ટેજ પર બોલાવે તો થોથવાઈ જતા! એટલે તેમણે ‘એક્શન રિપ્લે ભાગ ૨’માં વક્તૃત્વ કળા પર ભાર મૂક્યો છે. લોકો સાથે જાહેરમાં વાત કેમ કરવી તે શીખવા માટે તેમને વકતૃત્વ કળાના ક્લાસ જોઈન કરવા જોઈએ એમ તેઓ કહેતા. ‘એક્શન રિપ્લે ભાગ ૨’ની શરૂઆતમાં તેમણે આ વિશે વિસ્તારથી લખ્યું છે.

જોઈએ:

હાસ્યનટ માટે જીવનમાં પ્રથમ વાર કાને પડતો લાફ્ટર-ખડખડાટ હાસ્ય-નો ધ્વનિ જીવનદાયી ઔષધના ઈન્જેક્ષન જેવું કામ કરે છે. બલકે દરેક કળાકાર માટે જીવનમાં પ્રથમ વાર સાંભળવા મળતો પ્રેક્ષકોનો આવકારદાયક પ્રતિભાવ એના જીવનનું સીમાચિહ્ન બની રહે છે. માણસ અભિનયને કૅરિયર તરીકે લે-ન લે એ અલગ વાત છે. પણ સ્ટેજનો અનુભવ વ્યક્તિત્વના ઘડતરમાં બહુ મોટો ફાળો આપતો હોય છે. મારો મૂળ અતડો, શરમાળ, રિસાળ, ભીરુ સ્વભાવ હજુ પણ છે છતાં નાટકની કારકિર્દીના કારણે હું જરૂર પડ્યે નિશ્ચયપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી શકું છું. મંચના અનુભવને હું બખ્તરની જેમ વાપરી શકું છું. સફળ-નિષ્ફળ નાટકો ભજવીને માણસ ધીટ થાય છે.

શાળા-કૉલેજોમાં વ્યાયામ-એનસીસી પ્રવૃત્તિઓ ઉપર જેટલો ભાર દેવાય છે એટલો જ ભાર વક્તૃત્વ-નાટ્ય આદિ મંચપ્રવૃત્તિઓ પર દેવાવો જોઈએ. હું તો આગળ વધીને કહીશ વક્તૃત્વના વિષયને ફરજિયાત બનાવવો જોઈએ. જ્ઞાનની સાથે આત્મવિશ્વાસ ખીલવવો જરૂરી છે. શાળા-કૉલેજના સ્કૉલરોને મેં થોથવાઈ જતા જોયા છે. સરખા ઈન્ટરવ્યૂ પણ આપી શક્તા નથી. જ્યારે આજે આપણે જોઈએ છીએ કે ચાર ચોપડી ભણેલા માણસો સભાઓ ગજવીને ચૂંટાઈ આવે છે અને મિનિસ્ટરો પણ બની બેસે છે. છટાદાર ભાષણો કરવા સિવાય એમનામાં કોઈ લાયકાત હોતી નથી.

બાળકને વિવિધ કૉચિંગ ક્લાસમાં મોકલતાં માબાપોએ એમને પબ્લિક સ્પીકિંગ ક્લાસીસ-વક્તૃત્વ કળા-ના વર્ગોમાં મોકલવાં જોઈએ. સ્વરક્ષણ માટે કરાટે શીખવું ઉપયોગી છે એવું માનતા હો તો જનસમૂહ માટે સફળ વ્યવહાર કરવા માટે મંચનો અનુભવ આવશ્યક છે. (પાના નં. ૪-૫)

આટલું વાંચ્યા પછી એ વિશે વધુ કંઈ કહેવાનું રહેતું નથી. થોરામાં ઘનું સમજવું.

***action reply

આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટ  ગયા બુધવારે રજા લઈ ગયા. પાછલા દિવસોમાં તેમી હાલત અતિ ગંભીર હતી. એવી હાલતમાં પણ તેમનો સ્વભાવ વિટ્ટી અને હ્યુમરસ બરકરાર રહ્યો હતો. લેખક હોવું, ફૂલ ટાઈમ લેખક હોવું, લેખનના પ્રોફેશનમાં હોવું અને લાંબી મંજલ કાપવી અને ટકી જવુઃ આ ભયંકર અઘરું કામ છે. નીચોવાઈ જવાય છે. ચુંસાઈ જવાય છે. સ્વજનો અને સમાજથી દૂર થવું પડે છે. આખી જિંદગી લખતી રહેલ વ્યક્તિની મનોદશા, તેના વિચારો તારક મહેતાએ આ પેરેગ્રાફમાં જણાવી દીધા છે:

‘…હવે બધી શક્તિ આથમતી જાય છે એ હકીકત છે. વખાણ વિટામિન જેવું કામ કરે છે એ ખરું પણ એક સ્થિતિ આવે છે જ્યારે શરીર વિટામિનો પણ પચાવી નથી શક્તું. વિટામિનો જિવાડી શકતાં હોય તો તો કોઈ મરે જ નહીં. લેખકની જિંદગી બેઠાડુ હોય છે એટલે એનું પાચનતંત્ર લથડવા માંડે છે. વળી એણે એકલતામાં કામ કરવું પડે છે. સામાજિક વ્યવહારમાંથી છટકવું પડે છે. જુઠ્ઠું બોલવું પડે છે. એવો પણ એક દસકો હતો જ્યારે મારી પત્ની જાડીના પેટનાં ઓપરેશનોની સીરિયલ ચાલતી હતી ત્યારે હૉસ્પિટલના રૂમમાં બેસીને પણ લેખો લખ્યા છે. વાચકોને વહાલા થવામાં સ્વજનોમાં અળખામણો થયો છું. અને એ પણ કહું કે તેમાં ફક્ત લોકપ્રિયતાની ઘેલછા કે સાહિત્યસેવાની ભાવના નથી. નિર્વાહનો પણ સવાલ ખરો. શરૂઆતનો લેખન શોખ જતે દિવસે મારો વ્યવસાય બની ગયો. મારો એક જ સિદ્ધાંત રહ્યો છેઃ પૈસા ખાતર અણગમતું કામ સ્વીકારવું નહીં અને પૈસા વગર ગમતું કામ પણ કરવું નહીં.(પાના નં. ૨૨૯)

તારક મહેતાના બીજા પત્ની ઈંદુબહેનને તેઓ હંમેશ ‘જાડી’ કહીને સંબોંધતા. પાછલા દિવસોમાં તેમની ઈંદુબહેને ખૂબ સાર-સંભાળ લીધી હતી.

***

તારક મહેતાએ વર્ષો સુધી સરકારી નોકરી કરી. આકાશવાણી માટે તથા અન્ય નાટકો લખ્યા. દિગ્દર્શન કર્યું. પરંતુ તેઓ ‘ચિત્રલેખા’માં શરૂ થયેલ ધારાવાહીક સીરીઝ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બાદ જાણીતા થયા. કેટલા જાણીતા થયા તેના કિસ્સાઓ તારક મહેતાએ ‘એક્શન રિપ્લે’માં લખ્યા છે. ઘણી વખત આ ટપ્પુડાનો લેખક છે એમ જાણીને રિક્ષાવાળા પૈસા ન લેતા, એવું તેમણે એક જગ્યાએ લખ્યું છે! આ આત્મકથાની મજા એ છે કે, તે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિઝ જેવી લ્યુસિડ અને મજેદાર શૈલીમાં લખાઈ છે. જાણે તમે કોઈ મસ્ત મજાની કાલ્પનિક નૉવેલ વાંચી રહ્યા હો તેવું લાગે. અમદાવાદની પોળથી કરીને મુંબઈની ચાલી સુધીના વર્ણનો છે તેમાં. તારક મહેતાના પિતા, કવિ સુંદરમ, નાટ્યકાર મધુકર રાંદેરિયા, ‘સરસ્વતીચંદ્ર’ના ડાયરેક્ટર ગોવિંદ સરૈયાથી કરીને વિનોદ ભટ્ટ અને બક્ષી બાબુ સુધીના પાત્રો તમને દેખાય. કહેવાની જરૂર નથી કે તેમણે બિન્દાસ્ત અને ઉઘાડે છોગ બધું લખ્યું છે. પરંતુ તેમના જ લખ્યા મુજબ તે કારણે છૂટાછવાયા માછલા ધોવાયાં પણ એકદંરે વાચકોએ તેમની નિખાલસતા અને પ્રમાણિકતાની કદર કરી છે. તેઓ લખે છે: ‘મારી જિંદગીના ભવાડા લખીને મેં કશું ગુમાવ્યું નથી.’ વેલ, કઈ રીતે તારક મહેતાની હપ્તાવાર સિરિઝ અને ટપ્પુડાનું પાત્ર આટલું લોકપ્રિય થયું, લોકોને ગમ્યું એનું કંઈક અંશે કારણ આપતા તારક મહેતા એક જગ્યાએ લખે છેઃ

‘દા.ત. ટપૂડાનું પાત્ર. ૧૯૭૧માં મેં એનું સર્જન કર્યું ત્યારે તો મારા નાનપણમાં હું જે કંઈ નહોતો કરી શક્તો અને નહોતો કરી શક્યો એવાં અટકચાળાં અને તોફાન હું એની પાસે કરાવતો. વાચકોને પણ એ પાત્રમાં એમનું પ્રતિબિંબ દેખાવા માંડશે એવી કલ્પના તો હતી જ નહિ. એ પાત્ર લોકપ્રિય થવા માંડ્યું ત્યારે મેં પૃથક્કરણ કરવા માંડ્યું અને હ્યુમરને લગતી થિયરીઓ લાગુ કરવા માંડી અને થિયરી એ છે કે મનુષ્ય સ્વભાવની નબળાઈઓ અને મર્યાદાઓને ઝાઝી ટીકાટિપ્પણ વિના વાસ્તવિક રીતે રજૂ કરો તો વાચકને ક્યાંક ને ક્યાંક પોતાનું પ્રતિબિંબ જોવા મળે છે અને એ એને ગમે છે અને મારે તો વાચકની નાડ પકડવી જરૂરી હતી. (પાના નં. ૨૩૩)

***

જે બાત!

મેં મારી જિંદગીમાં કોઈની કંઠી બાંધી નથી. નિત્શે, બર્ટ્રાન્ડ રસેલ, ચિન્મયાનંદજી, સ્વામી અખંડાનંદ, કૃષ્ણમૂર્તિ, ઓશો રજનીશ, મોરારીબાપુ, ગુણવંત શાહ, સ્વામી સચ્ચિદાનંદ. વાંચો- સાંભળો – વાંચો – સાંભળો.

છેવટે તો આવે છે શરીર. જો અઠવાડિયાથી બંધકોષ થઈ ગયો હોય તો ઉપરના બધાં જ નામોને યાદ કરતાં તીખા, ખાટા, તૂરા, કડવા ઓડકાર આવે. -તારક મહેતા (‘એક્શન રિપ્લે’ પાના નં. ૧૭૦)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 30-05-2018

0 comments on “વાચકોને વહાલા થવામાં સ્વજનોમાં અળખામણો થયો છું…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: