Movies Review

પરમાણુ

ડલ વિસ્ફોટ

Rating: 2.4 Star

જ્હોન અબ્રાહમ સ્ટારર પરમાણુ ધીમી અને ફિક્કી છે. આખી દુનિયાની આંખોમાં રાજસ્થાનની ધૂળ નાખીને પોખરણ-2 મિશન સફળતાપૂર્વક ભારતે પાર પાડ્યું હતું તેની 129 મિનિટમાં આછેરી ઝલક મેળવવી હોય તો જોઈ શકાય. ડિટેઇલ્ડ કે વિગતવાર વર્ણન નથી. કાલ્પનિક વધારે છે.

1527402682_john-abrahamવર્ષ 1974માં ભારતે પહેલું પરમાણુ -પરીક્ષણ કર્યું. તેના 24 વર્ષ બાદ તારિખ 11 મે, 1998ના રોજ ભારતીય સેના દ્વારા રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં સફળતાપૂર્વક બીજું ન્યુક્લિઅર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 11 થી 13 મે દરમિયાન પાંચ જગ્યાએ ન્યુક્લિઅર એક્સપ્લોઝન કરાયા હતા. આ મિશનના વડા હતા ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ અને ભારતના તત્કાલીન વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. આ મિશનની ડિઝાઈન, ટેસ્ટીંગ તથા બોમ્બ માટેના ઘટકો DRDOની ત્રણ લેબોરેટરીઝ દ્વારા તૈયાર કરાયા હતા. બોમ્બનું ટ્રાન્સપોર્ટ આર્મી ટ્રક્સ મારફતે કરાયું હતું. આ રીતે ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનયર્સ અને આર્મી ઑફિસર્સના સંયુક્ત સાહસથી ઓપરેશન ‘શક્તિ 98’ પાર પડ્યું હતું. 11મી તારિખે જ્યારે પરમાણુ પરીક્ષણ થયું ત્યારે આખી દુનિયા દંગ રહી ગઈ હતી. છાપાઓ ભરીને સરકારના બોલ્ડ પગલાના વખાણ થયા હતા. અમેરિકાની ઇન્ટેલિજન્સ સંસ્થા CIA તથા અન્ય દેશોની તે નાકામ હાર હતી, કેમ કે આખું મિશન ભયંકર ગુપ્ત રખાયું હતું. અમેરાકીનું બેબાકળાપણું અને ગભરાટ છતા થઈ ગયા હતા. ત્યારથી ભારતમાં 11 મેને ‘નેશનલ ટેક્નોલૉજી ડે’ તરીકે યાદ રાખવામાં આવે છે.

આ છે ભારત દ્વારા પોખરણ ખાતે થયેલા પરમાણુ-પરિક્ષણની ટૂંકાણમાં ખરેખરી વાત. આ ઘટના આધારિત પ્રોડ્યુસર જ્હોન અબ્રાહમે અને ડાયરેક્ટર અભિષેક શર્માએ ‘પરમાણુ’ ફિલ્મ બનાવી છે. ટાઇલ ક્રેડિટ્સમાં લખેલું આવે છે તે પ્રમાણે ‘પરમાણુ’ માત્ર આ ઘટનાનો આધાર લઈને બનેલી ફિલ્મ છે. એટલે આપણે સમજી જવાનું છે કે અહીં તથ્યો ઓછા અને કલ્પના વધારે હશે. આમ પણ જે-તે સ્થળના નામ સાચા છે, બાકી પાત્રોના નામો બદલવામાં આવ્યા છે.

આવો ને જોઈએ. કિતની હકિકત કિતના ફસાના હૈ…!

મિશન ન્યુક્લિઅર ટેસ્ટ

વાર્તા ઉઘડે છે ત્રણ વર્ષ પહેલા પીએમઓ ઑફિસમાં. એટલે કે 1995માં. અશ્વથ રૈના(જ્હોન અબ્રાહમ) નામનો એક IITમાંથી પાસઆઉટ IAS બંદો પ્રાઈમ મિનિસ્ટ ઑફિસમાં જુનિયર બ્યુરોક્રેટ છે, જે સરકારી અધિકારી-સચિવ સામે ન્યુક્લિઅર ટેસ્ટ કરવા માટેની પ્રપોઝલ મૂકે છે. કોઈ તેને સિરિયસલી લેતું નથી. પણ અશ્વથ તેમને ભારત દેશ અન્ય દેશો કરતા કેટલું પાછળ છે (ચાઈનાએ 43 પરિક્ષણ કરી લીધેલ છે અને અમરીકા ન્યુક્લિઅર ટેસ્ટ કરી કરીને પાકિસ્તાન મોકલી રહ્યું છે તેની માહિતી આપે છે.) તે વિશેનું ડ્રામેટિક ભાષણ આપે છે. અશ્વથસાહેબે એ માટેનું પૂરંતુ હોમવર્ક કરીને ફ્લૉપી તૈયાર કરી રાખી છે. થાય છે એવું કે આ પાપીઓ તેની માહિતીનો ઉપયોગ કરીને ન્યુક્લિઅર પરિક્ષણ કરી લે છે  અને તેમાં નિષ્ફળ જાય છે. અશ્વથ ભાઈને બલીનો બકરો બનાવી દેવામાં આવે છે. તેને સસ્પેન્સ કરી નાખવામાં આવે છે.

આ ભાઈ પત્ની સુષ્મા(અનિતા સાઠે)અને દીકરાને લઈને મસુરી ચાલ્યો જાય છે અને પોતાના દાઢી-વાળ વધારી નાખે છે! સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભણાવા મંડે છે. ત્રણ વર્ષે સરકાર બદલે છે. અટલજી આવે છે. PMO ઑફિસમાં સારા માણસો આવે છે. PMના પ્રિન્સિપાલ સેક્રેટરી હિમાંશુ શુક્લા(બોમન ઈરાની) અશ્વથને પાછો બોલાવે છે, ત્રણ વર્ષ પહેલા શું થયું એ જાણે છે અને તૈયારી આરંભે છે ન્યુક્લિઅર ટેસ્ટની.

અત્યાર સુધીની ફિલ્મ જે પ્રમાણે લખ્યું એવી બિનઇરાદાપૂર્વકની કૉમેડી બની ગઈ છે. સ્ટાર્ટીંગમાં જ ફિલ્મ ચાઈલ્ડિશ લાગે છે અને આપણને ધ્રાસકો પડે છે કે, બાફી માર્યું કે શું અભિષેકભાઈએ? પણ ના, અભિષેક શર્મા અને તેમના કો-રાઇટર સાયવિન ક્વાડ્રાસ અને સંયુક્તા શેખ ચાવલાએ વીસેક મિનિટ પછી બાઝી સંભાળી લીધી છે. રાજેસ્થાનના જેલસમેર તથા પોખરણના સિન્સ સ-રસ ફિલ્માવાયા છે અને આપણને આવતું હસવું ઓલમોસ્ટ બંધ થઈ જાય છે. અસીમ મિશ્રા અને ઝુબિન મિસ્ત્રીનું કેમેરાકર્મ છે!

સ્ક્રિપ્ટ, ડાયકેક્શન

કહ્યું એમ ફિલ્મના શૅકી ઉઘાડ બાદ કલાકારો જાણે નોન-મેલોડ્રામેટિક પરફૉર્મન્સ આપવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય તેવું લાગે છે. કોઈપણ કલાકારના એક્સ્ટ્રા લૉન્ગ પોઝિસ નથી અપાયા. એ વાત અલગ છે કે, આગળ જતા જ્હોન એન્ડ તેની કો-ટીમ સ્લો મોશનમાં ચાલે છે! બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સંદિપ ચોવટાનું છે, એ જસ્ટ નોંધ માટે. અભિષેક શર્મા આખી ફિલ્મ દરમિયાન કન્ટ્રોલ્ડ રહ્યા છે. તેમને ક્યાંય ઉતાવળ હોય તેવું નથી લાગતું. નિરાંતે સિચ્યુએશન બિલ્ટ-અપ કરાય છે. પણ તેમાં જ ફિલ્મ સ્લો-પેસ અને ધીમી બની ગઈ છે.

ઉપર ખરેખરી જે ઘટનાની વાત કરી તે પરથી ફિલ્મ બનાવી એ બહુ અઘરું છે. કેમ કે આ ઘટના કોઈ વર્ષો પૂરાણી નથી. લોકો તેનાથી વાકેફ હોય. તમે વાર્તા ક્યાં જશે તે સહેલાઈથી કળી શકો. ફિલ્મનું માળખું તૈયાર જ હોય. બસ એક જ રસ્તો છે દર્શકોને જકડી રાખવાનો અને તે છે, થ્રિલિંગ એલિમેન્ટ. એન્ડ દર્શકોને ખબર છે પણ સ્ટોરી ટેલિંગમાં થ્રિલ એલિમેન્ટ હોય તો ગંગા નાહ્યા. જે વીસ મિનિટ પછી અહીં પ્રમાણમાં સારું દેખાય છે. અભિશેક શર્માના બેઉ કો-રાઇટર્સ જેમણે ‘નીરજા’ લખી છે, તેમણે અહીં પણ બેલેન્સ સ્ક્રિપ્ટ લખી છે. ખાસ તો એ કે અહીં દેશભક્તિનો અતિરેક નથી પરંતુ ‘રાઝી’ની જેમ ખપ પૂરતી દેશદાઝ છે. ઇમોશન્સ, હ્યુમર અને થ્રિલ તત્વ દેખાયા કરે છે. જોકે, હ્યુમરમાં કહ્યું એમ માર ખાઈ ગયા છે. અમુક અનઇન્ટેનશલી હ્યુમર ઉમેરાઈ ગઈ છે! ઘણી સિક્વન્સિસ એવી છે જેના પર કાતર મારવાની ખાસ જરૂર હતી. જ્હોન અને અનિતા સાઠેનો સબ-પ્લોટ શૉર્ટ થઈ શક્યો હોત.(અનિતા સાઠેનું કેરેક્ટર જ ક્યારેક વધારાનું લાગે છે!) એક્ચુઅલી આ હિસ્ટોરિકલ થ્રિલર ડ્રામા પ્રકારની ફિલ્મમાં લવ-સ્ટોરીની કોઈ આવશ્યકતા જ નથી. પણ અહીં અજય દેવગણની ‘રેઇડ’ની જેમ થયું છે. બધું બરાબર ચાલતું હોય ને નાયકની પત્ની ક્યાંકથી ટપકી પડે! અભિષેક શર્માએ ઘણી જગ્યાએ સિનેમેટિક લિબર્ટીઝ લીધી છે.

એક્ટિંગ બોલે તો.. 

મિશન પૂરું કરવા માટે જ્હોન અબ્રાહમ BARC, DRDO, આર્મી, ISA અને એક IB. એમ પાંચ અલગ-અલગ ડિપાર્ટમેન્ટની વ્યક્તિને પસંદ કરે છે. ઇન્ટેલિજન્સ ઑફિસરના રોલમાં ડિઆના પેન્ટી છે. જે સંપૂર્ણ મિસમેચ કેરેક્ટર છે. તે પરફેક્ટલી સ્ટાઈલ અને મેક-અપ સાથે રણમાં ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચે ફર્યા કરે છે! DRDOના ભૂલકણા ડૉક્ટરના પાત્રમાં યોગેન્દ્ર ટીકુ કૉમિક રિલિફ આપે છે. આ ઉપરાંત રોમાંચનું તત્વ ઉમેરવા અમરિકી જાસૂસી સંસ્થા CIA અને એક પાકિસ્તાનની જાસૂસી સંસ્થાનો હોય તેવો લાગતો માણસ છે. જે બેઉ આ પરિક્ષણની પાછળ પરમાણુ બોમ્બ ખાઈને પડી ગયા હોય છે! PMO ઑફિસના સેક્રેટરી તરીકે બોમન ઈરાની સ્ક્રિન પર બહુ ઓછા દેખાય છે. પણ શૉર્ટ-સ્ક્રિન ટાઈમમાં એ તમને થોડા હસાવી જાય છે. એક્ટિંગ એઝ ઓલ્વેઝ બેસ્ટ છે. (તેમનું પાત્ર વર્ષ 1998થી 2004 સુધી નેશનલ સિક્યુરીટી એડવાઇઝર અને વાજપેઈના પ્રિન્સિપાલ સેક્રેટરી રહેલા બ્રજેશ મિશ્રાથી પ્રેરિત છે.) અને હા, જ્હોન અબ્રાહમ. પ્રોડ્યુસર અને લીડ રોલમાં તે પ્રમાણમાં તો જચે છે. તે લિમિટેડ એક્સપ્રેશન આપી શક્તો હોવા છતાંય અહીં મહદઅંશે વાંધો નથી આવતો. શરુઆતમાં તો તે ભાવશૂન્ય જ લાગે છે. તેની પત્ની પણ તેને એક સિનમાં કહે છે, વર્ષો બાદ તું હસ્યો!

director-abhishek-sharma-with-actor-john-abraham-652830
ડાયરેક્ટર અભિષેક શર્મા સાથે ફિલ્મના મુખ્ય પાંચ પાત્રો

વિલનઃ સેટેલાઇટ!

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનો વિલન કોઈ હોય તો તે અમેરિકાની ચાંપતી નજરસમા પાવરફૂલ સેટેલાઈટ છે. જેનાથી બચીને ‘બ્લાઈન્ડ સ્પોટ’માં એટલે કે તેની નજર પોખરણની ધરતી પર ન  હોય ત્યારે મિશન આગળ ધપાવવાનું છે. ફિલ્મની ‘બ્લાઈન્ડ સ્પોટ’ સિક્વન્સિસ થ્રિલિંગ અને મજેદાર રહી છે. આ સેટેલાઈટ કઈ રીતે કામ કરે છે તે પણ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. તમને એ પ્રશ્ન પણ થાય કે ખરેખર આટલો સિક્રેટ મિશન એ વખતે કઈ રીતે પાર પડ્યો હશે?!

લગ જા ગલે કે ફીર યે.., બાત નિકલી હૈ તો દુર તલગ જાએગી.., આગ કા દરિયા હૈ ડુબ કે જના હૈ.., વગેરે સૉન્ગ્સ નહીં પણ સિક્રેટ મિશનમાં પાસકૉડનો થયેલો ઉપયોગ અહીં દર્શાવાયો છે. ઉપરાંત અભિષેક શર્માએ અહીં સિફતપૂર્વક રિઅલ ફૂટેજનો ઉપયોગ કર્યો છે. તેમાં U.S. પ્રેસિડન્ટ બીલ ક્લિન્ટન, પાકિસ્તાન PM નવાઝ શરીફ, અને તેની પૂર્વાધિકારી બેનઝીર ભુટ્ટો તથા વાજપેઈ સાહેબ દેખાય છે. એક ફૂટેજમાં વાજપેઈસાહેબ ‘સરકાર તો આયેંગી જાએંગી, દેશ બના રહેના ચાહીએ, લોકતંત્ર બના રહેના ચાહીએ’ વાળું લેક્ચર દેતા દેખાય છે.

વર્ષ 1998નું હતું એટલે રામાનંદ સાગરનું મહાભારત ટોચ પર હતું. એક સિનમાં છોકરાને કહેવામાં આવે છે કે, બેટા ચપ્પલ ઉતારીને બેસ, મહાભારત ચાલી રહ્યું છે! આ ઉપરાંત 1998ની સાલ હતી તે દર્શાવવા ફ્લૉપી અને બલ્કી શેલ ફોન બતાવાયા છે. પણ તેમ કરતા અમુક સીધીસટ વિગતોમાં ગરબડ થઈ ગઈ છે. જેમ કે, ત્રણ વર્ષના ગાળામાં છોકરો જરાય મોટો નથી થયો. બીજું એ કે એ વખતે ક્રોપ્ડ સલવાર ટ્રેન્ડમાં નહતો જે રીતે સર્ટેનલી દેખાયા કરે છે. (જોકે, આ બહુ બારિક નિરીક્ષણ છે પણ નજર ગઈ એટલે તમારું ધ્યાન દોર્યું! ઉપ્સ!)

મ્યૂઝિક સચિન-જીગરનું છે. ફિલ્મના એક ગીત ‘શુભ દિન’ની ધૂન 2017ની ફેબ્રુઆરીમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ના મ-જા-ના ‘આવી રે હું આવી’ ગીતમાંથી લીધેલ છે. આ ગીત પણ કીર્તી સાગથીયાએ ગાયું છે. પણ દ્રશ્યો સાથે એટલું સૂટ નથી કરતું. બાકીના ગીતોનું લગભગ એવું જ થયું છે.

જોવી કે નહીં?

       જોવામાં એવું છે કે, હકીકત ઓછી કલ્પના વધારે છે. થ્રિલ છે પણ આઉટ એન્ડ આઉટ નથી. 129 મિનિટની ફિલ્મ છે છતાંય ક્યાંક ધીમી લાગે છે. જ્હોન, બોમન અને યોગેન્દ્ર ટિકુ સિવાયના કેરેક્ટર્સ ફિલ્મ બાદ યાદ નથી રહેતા. પણ ભારતે જે રીતે આખી દુનિયાની આંખોમાં રાજસ્થાનની ધૂળ નાખીને આટલુ મોટું સિક્રસિ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અને જેના બાદ ભારતને ફૂલ-ફ્લેજ્ડ ન્યુક્લિઅર સ્ટેટનું બિરુદ મળ્યું તે મિશન કેવું હતું? કઈ રીતે એક પછી એક પરમાણુ-પરિક્ષણ થયા હશે? પાકિસ્તાન-ચાઇના-અમેરિકા, પોલિટિકલ સિનારિયો કેવો હતો?  વગેરે વિશે ઉપરછલ્લું જાણવું હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.

(DRDO:  Defence Research and Development Organisation

BARC : The Bhabha Atomic Research Centre

CIA: Central Intelligence Agency

@Parth Dave 

(Review for Mid-day, Mumbai: 26 May 2018)

parmanu 26-05
Mid-day, Mumbai (Page No. 24; Date: 26 May 2018)

0 comments on “પરમાણુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: