Literature

છેવટે તો આપણે જ આપણા ડૉક્ટર થવાનું છે

તારક મહેતાની આત્મકથા ‘એક્શન રિપ્લે ભાગ ૧’માં ફાસ્ટ ફોરવર્ડ લટાર! 

Taarak mehta

સૌમ્ય જોશી લિખિત અને દિગ્દર્શિત નાટક પરથી એ જ નામની ઉમેશ શુક્લની ‘૧૦૨ નોટ આઉટ’ ફિલ્મ ધૂમ ચાલી રહી છે. ભલે થોડી ધીમી હોય પણ લોકોને તેનો સંદેશ ગમી ગયો છે. ફિલ્મનો માહ્યલો મજબૂત છે જે વર્ષો પહેલા સૌમ્ય જોશીએ ઘડ્યો હતો, કે તમે ગમે તેટલા વર્ષના હો, નાના હો કે ખાસ તો મોટા હો, તમારો દીકરો તમને મૂકીને વિદેશ જતો રહ્યો હોય અને પૂછા ન કરતો હોય, કોઈ શારિરીક તકલીફ હોય, કોઈપણ પરિસ્થિતિ હોય… જીવનમાં એક જ મંત્ર રાખવોઃ જલ્સા કરવા. ફૂલ ઑફ લાઇફ જીવવું. બહુ ટેન્શન લેવા નહીં. ઓશો કહેતા એમ, જિંદગીને દરરોજ ઉત્સવ માની મનાવવી.

ફિલ્મ જોયા બાદ મને ખુશવંત સિંહ યાદ આવ્યા, જેઓ ભરપૂર ૯૯ વર્ષ જીવ્યા. લેખ લખાયા બાદ અંજારના રમેશભાઈ મડિયાર હવે અહીં મસ્તી કરતા નહીં દેખાય એવા સમાચાર મળ્યા. મારો અને એમનો પરિચય માત્ર અંજારના બગીચામાં સામસામી તાડી આપવાનો, પણ તેઓ ૭૮-૭૯માં વર્ષે જીવંત હતા. ફૂલ ઑફ લાઇફ હતા.( આ ‘૧૦૨ નોટ આઉટ’માં જે દર્શાવ્યું છે તે કલ્પના નથી હકીકત છે તેની સાબીતી. આપણી આસપાસ પણ ઘણા વડિલોના હ્રદયમાં બાળક વસતો હોય છે. તેઓ ભરપૂર હોય છે. જોઈને મલકી પડાય એવા હોય છે.) ત્યાર પછી વાયા વાયા ઘણાને સ્મૃતિપટ પર જોયા બાદ તારક દાદા દેખાયા. તારક દાદા એટલે તારક મહેતા. તારક જનુભાઈ મહેતા. ૨૬ ડિસેમ્બર ૧૯૨૯થી કરીને  ૧ માર્ચ ૨૦૧૭ વચ્ચે તેમનું જીવન પથરાયેલું છે. પૂરા ૮૮ વર્ષ! તેમને પહેલી વાર તેમના ઘરે ‘કચ્છમિત્ર’ના ઈન્ટરવ્યુ માટે જ મળ્યો હતો. ત્યારે થાક્યા હતા પણ હારયા નહોતા. દિલથી હસતાં! ઇન્ટરવ્યુ વખતે તેમણે મને કહેલું કે, તું મને શું પૂછીશ?! મારી ઓલમૉસ્ટ વાતો મેં ‘એક્શન રિપ્લે’માં કરી નાખી છે. એ વાંચજે!

‘એક્શન રિપ્લે’ તારક મહેતાની આત્મકથા છે. જે તેમણે ‘ઈન્ડિયા ટુડે’ના ગુજરાતી પાક્ષિકમાં કાન્તિ ભટ્ટ અને downloadશીલા ભટ્ટના આગ્રહથી લખી હતી. કૉમિક સિચ્યુએશન ઊભી કરવામાં તારક મહેતાની માસ્ટરી છે એમાં કોઈ ડાઉટ જ નથી. તે આપણે ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં ખૂબ માણ્યું છે. તારક મહેતાએ તેમની આત્મકથાને પણ એવા જ રમૂજી સંસ્મરણોથી સજી છે. આખી આત્મકથામાં એક લેવલ પર કૉમિક ટોન વહ્યા કરે છે. હાસ્યની છોળો પણ ઉડે અને ધીમું-ધીમું હાસ્ય પણ ઝરે. ક્યાંક બ્લેક હ્યુમર પણ ખરું. શરૂઆત તો તેમના પિતાએ લખેલી ડાયરીના અમુક પ્રકરણોથી થાય છે. પણ આપણે વાત ‘એક્શન રિપ્લે’ના પહેલા ભાગના તારક મહેતાના જનરલાઇઝ વાક્યોની કરવી છે. તેમની અંગત વાતોના કિસ્સાઓ અદભૂત અને અફલાતૂન છે. હસી હસીને બેવડ વળી જઈએ અને આશ્રર્યથી આંખો ફાટી જાય તેવા કિસ્સાઓ છે. સાહિત્યકારો-લેખકોની નામજોગ અને અનામજોગ પોલ પણ ખોલી છે. પોતાની જિંદગી જ સદંતર ખૂલ્લી મૂકી દીધી છે તારક મહેતાએ. તેના કારણે તેમને એ વખતે તકલીફ પણ પડેલી. જોકે, એ બધું તમે વાંચજો! આજે તો આપણે તારક મહેતા લિખિત મ-જા-ના અવતરણોનો લૂત્ફ ઉઠાવીએ!

***

ત્રણ પ્રકારના માણસો હોય છેઃ

-પોતાની ગૂંચો ઉકેલીને મક્કમતાથી આગળ વધનારા.

-પોતાની ગૂંચો ઉકેલવાની માથાકૂટ કર્યા વગર જીવનારા.

-અને તદ્દન ગૂંચવાઈ ગયેલા કે જેમને પોતાને ખબર નથી શેમાં ગૂંચવાયેલા છે. (પાના નં. ૧૨૯)

***

પશુ અને માણસમાં આ એક મહત્વનો ફરક છે. માણસ બે વાર જન્મે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવત પૂરતું ઠીક છે. ગાંધીજી પોરબંદરમાં જન્મેલા પણ મહાત્મા ગાંધીનો જન્મ સાઉથ આફ્રિકામાં થયેલો. હિટલરને ચિત્રકળાનો શોખ હતો. સરમુખત્યાર તરીકે એ ફરીથી જન્મેલો. ટૂંકમાં કહું તો માણસમાં પોતાને વિશે સમજણ ફૂટે ત્યારે એનો ફરીથી જન્મ થાય છે અને સમજણ ફૂટવાની કોઈ ચોક્કસ ઉંમર હોતી નથી. કોઈ પાંચ વર્ષની ઉંમરે સમજદાર બની જાય છે તો કોઈ જિંદગીના છેવાડા સુધી ઢગા રહી જાય છે. બીજી વાર એ જન્મતા જ નથી. કેટલાકને રાતોરાત ડહાપણની દાઢ ફૂટે છે તો કેટલાકને વર્ષોના વર્ષો લાગે છે. (પાના નં. ૧૩૫)

***

દ્વેષના ભાવને હું નિંદનીય નથી ગણતો. બલકે મારી વાત કરું તો દ્વેષના ધક્કા ખાઈ ખાઈને જ હું આગળ વધ્યો છું. દ્વેષને તમે મમળાવ્યા-પંપાળ્યા કરો તો એને ઈર્ષાના નહોર ફૂટે. જબરદસ્ત તાકાત હોય છે એ વૃત્તિઓમાં. પેટ્રોલ જેવી. પેટ્રોલથી આગ પણ લગાડી શકો અને ગાડી પણ દોડાવી શકો.(પાના નં. ૧૪૨)

***

હિટલરના જમણા(કે ડાબા) હાથ સમા પ્રચારમંત્રી ગોબેલ્સે આ જગતને સૂત્ર આપ્યું, એકનું એક જૂઠાણું સો વાર ઉચ્ચારો તો એ સત્ય બની જાય છે. ગોબેલ્સની એ થિયરી વિજ્ઞાપનના ક્ષેત્રે ઘણી કામ આવે છે. કપડાં ધોવાના સાબુથી માણસ નહાવા માંડે, નહાવાના સાબુથી કપડાં ધોવા માંડે, દુધમાં વિટામિનવાળો ભૂકો નાખી-ગટગટાવી બાળકો વાંદરાઓને શરમ આવે તેવા કૂદકા મારવા માંડે, એવી જાહેરખબરોની અસર છે પણ ભારતનું સરકારનું માહિતી અને પ્રસારણ મંત્રાલય સો વર્ષ પાછળ છે. (નોંધઃ તારક મહેતાએ કેન્દ્ર સરકારના મંત્રાલયમાં ૨૭ વર્ષ નોકરી કરી છે.) (પાના નં. ૧૪૭)

***

તારક મહેતાના નાના પર જ્યારે હૂમલો થયો ત્યારની ઘટનાનું વર્ણન કર્યા બાદ તેઓ આ લખે છેઃ

જયારે જ્યારે રમખાણોમાં હત્યાકાંડ સર્જાય છે ત્યારે મને એ ઘટના યાદ આવે છે. માણસ ગમે તેટલો ઠરેલ, અહિંસક, શાંતિપ્રિય હોય પણ નજર સામે એના પ્રિયજનની કતલ થઈ જાય તો એ સૂધબૂધ ગુમાવીને બદલો લેવા નીકળી જ પડવાનો. વિરલ વ્યક્તિઓ જ એ વેરભાવથી અલિપ્ત રહી શકે. નાના છમકલામાંથી દાવાનળની જેમ ફેલાતા રમખાણોમાં મોટે ભાગે જૂના હિસાબ પતાવવાની વેરભાવના જ કામ કરતી હોય છે. જેમને રમખાણોની રક્તરંગી ઝાળના ડામ લાગ્યા હોય છે એમના ઉપર કોઈ ઉપદેશની અસર થતી નથી. (પાના નં. ૧૬૦)

***

માણસ સ્ટાર બનતાં પહેલાં સ્ટારનું જીવન જીવવા માંડે ત્યારે કરુણાંતિકા સર્જાય છે.(પાના નં. ૧૮૦)

***

પબ્લિક સ્પિકિંગ-જાહેર સંભાષણ બહુ અટપટી ચીજ છે. ફાવે તેને જ ફાવે. ના ફાવે તેનાં જાહેરમાં પીંછાં ખરી પડે. કોઈકે સરસ કહ્યું છેઃ ‘માણસનું મગજ એ અજબગજબનું યંત્ર છે. રાતદિવસ ચોવીસે કલાક ચાલતું રહે છે પણ એ જ્યારે જાહેરમાં ભાષણ કરવા ઊભો થાય ત્યારે જ એ યંત્ર અટકી જાય છે.’ એક જ વાક્યમાં વક્તાની નર્વસનેસ વિશે કેટકેટલું કહી દીધું છે.

આ વાક્યના બે અર્થ થાય છે. એવો વક્તા કે જે નર્વસ થઈને બોલી શક્તો નથી અને બીજો એવો વક્તા જે મગજને તસ્દી આપ્યા વગર ઝીંકે રાખે છે. વક્તૃત્વકળા એ કુદરતી બક્ષિસ છે જેને માટે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છેઃ જીભે સરસ્વતી(સુરતીઓ પણ આમાં આવી જાય.) (પાના નં. ૧૮૪) (નોંધ: તારક મહેતાને ભયંકર સ્ટેજ ફ્રાઈટ રહેતો.)

***

મારા અનુભવે હું વાચકોને એક જ મુદ્દો સમજાવવા માગું છું.-આપણે છાપાં-ચોપાનિયાં વાંચવાં, ટીવી જોવા પાછળ સારો એવો સમય ગાળીએ છીએ. ચીવટપૂર્વક નોકરીધંધા કરીએ છીએ. ગામ આખાની પંચાત કરીએ છીએ પણ આપણા શરીરની બાબતમાં તદ્દન અનાડી રહીએ છીએ. આપણને શું નડે છે તેની આપણે પરવા કરતા નથી. ડૉક્ટરો, વૈદો-હોમિયોપાથ જે દવા આપે તે આપણે ગળચ્યા કરીએ છીએ. આજે ચોસઠ વર્ષે મને ખબર પડી છે, મને તુવેરની દાળ નડે છે. રાત્રે ઘઉંનો ખોરાક નડે છે. કાંદા વધારે ખવાઈ જાય તો ઊલટી થાય છે. મરી ખાવાથી મોં આવી જાય છે. પાપડ ખાવાથી શરીરે ચળ ઊપડે છે. પાપડ ખા ખા કરીને પછી ચળ દબાવવા ડૉક્ટર પાસે મલમ લખાવવા દોડવાની આપણી પ્રકૃત્તિ છે.

છેવટે તો આપણે જ આપણા ડૉક્ટર થવાનું છે. આપણે જો આપણા શરીરનાં લક્ષણ-અપલક્ષણને પારખીએ નહિ તો વૈદ્ય-ડૉક્ટરો ક્યાંથી પારખી શકે!

નરસિંહ રાવ, ચંદ્રાસ્વામી અને હર્ષદ મહેતા વિશે જાણવા તમે જેટલો સમય બગાડો છો એનાથી દસમા ભાગનો સમય તમારી શારીરિક પ્રકૃતિ જાણવા પાછળ ગાળો તો તમને વધારે લાભ થશે.(પાના નં. ૧૯૭) (તારક મહેતાને વર્ષો જૂના દમ અને ડાયાબિટિસમાંથી આ ભ્રહ્મજ્ઞાન લાધ્યું હતું.)

***

દરેક કિશોર કે કન્યાના જીવનમાં પ્રિયપાત્રનું પ્રથમ સ્મિત મેડિકલ સર્ટિફિકેટ જેવું કામ કરે છે. દરેક ‘પ્રથમ’નું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે.

મૂછનો પ્રથમ દોરો ફૂટે તેનો રોમાંચ અને પહેલો દાંત હાલવા માંડે તેનો શોક. પ્રિયતમાને પ્રથમ ચુંબન અને પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીને પ્રથમ ચુમી. જીવનની પહેલી સફળતા-પ્રથમ નિષ્ફળતા. ઘણી વાર સ્મશાને ગયો છું, તેમ છતાં દસ વર્ષની ઉંમરે મારી સ્વ. માતાના વયોવૃદ્ધ નાનાની દોણી પકડીને પોળમાં ‘ઓ મારા દાદા રે…’ એવી બૂમ મારી સ્મશાને જવા નીકળેલો એ ચિત્ર પણ ભુલાતું નથી.

એવા પણ કેટલાક ‘પ્રથમ’ છે જેનો ઉલ્લેખ કરી શકું તેમ નથી.  (પાના નં. ૨૧૯)

***

યુવાવસ્થામાં આપણા મનોભાવનું આપણે વિશ્લેષણ કરવા જેટલા પુખ્ત નથી હોતા એ જ એક ટ્રેજેડી હોય છે. (પાના નં. ૨૨૧)

***

જીવવા માટે મનોબળ જોઈતું હોય છે તેમ મરવા માટે પણ મનોબળ જોઈતું હોય છે. જીવવું કે મરવું કશું જ સહેલું નથી. (પાના નં. ૨૨૩)

જે બાત!

ભૂલકણા માણસો સુખી હોય છે. એમને એમના છબરડા પણ યાદ નથી હોતા. -(‘એક્શન રિપ્લે’માં ટાંકેલ ફિલોસોફર નિત્શેનું સુત્ર)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 23-05-2018

 

 

 

0 comments on “છેવટે તો આપણે જ આપણા ડૉક્ટર થવાનું છે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: