Movies Review

102 નોટ આઉટ

મરો ત્યાં સુધી જીવો

Rating: 3.0 Star

ગુજરાતી નાટક પર આધારિત ઉમેશ શુક્લની ‘102 નૉટ આઉટ’ હળવીફૂલ, ઇમોશનલ અને પોઝિટિવ છે. ઈન્ટરવલ બાદ થોડી રિપિટેટિવ અને ડ્રામેટિક થાય છે. વચ્ચે વચ્ચે આવતા ખાડાને ટપાવીને જિંદગી જીવવાનો સ-રસ મજાનો સંદેશો આપતી આ ફિલ્મ પરિવારના સમજુ થઇ ગયેલા બાળકોથી 102 વર્ષ સુધીના ‘સમજુ’ વડીલો,  દરેકે સાથે બેસીને જોવા જેવી છે, તો વધુ મજા આવશે!

 

ગુજરાતી તખ્તા પર તરખાટ મચાવનાર અને હજુય જેના સક્સેફૂલ શોઝ ચાલી રહ્યા છે તે સૌમ્ય જોશી લિખિત અને દિગ્દર્શિત નાટક ‘102 નૉટ આઉટ’ તમે જોયું હશે. ન જોયું હોય તો ખાસ જોજો. અદભુત છે. જયેશ મોરે અને પ્રેમ ગઢવીની બાપ-બેટા તરીકે અફલાતૂન એક્ટિંગ છે. નાટકનો સેન્ટ્રલ આઇડિયા જ રસપ્રદ છે: ‘102 વર્ષનો અનબિટેબલ બાપ પોતાના 75 વર્ષના પુત્રને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નક્કી કરે છે.’ આવા સરસ મજાના વિષયવસ્તુ ધરાવતા નાટકને એડોપ્ટ કરીને ‘ઓહ માય ગોડ’ ફેમ ડિરેક્ટર ઉમેશ શુક્લ હિન્દી ફિલ્મ બનાવવાનું  નક્કી કરે છે. પિતા તરીકે બાબુમોશાય બચ્ચન સા’બ અને પુત્ર તરીકે ઋષિ કપૂરને લે છે. સૌમ્ય જોશી ખુદ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલૉગ્સ લખે છે. આ વાત અને વિચાર જ રોમાંચ જન્માવે તેવા છે. પણ નાટક જેટલી સારી ફિલ્મ બની છે ખરી? કે પછી થીએટરના પડદા પર ફિલ્મને બદલે નાટક જેવી જ લાગે છે?

આવો જોઈએ…

બાબુલાલ દત્તાત્રેય વખારીયા

       ટાઇટલ ક્રેડિટ્સ પછી પડદો ખૂલે છે અને દેખાય છે વિલે પાર્લેનું શાંતિ નિવાસ. જેમા રહે છે 75 વર્ષના વિધુર102notout-3 વૃદ્ધ બાબુલાલ દત્તાત્રેય વખારીયા ઉર્ફે બાબુ(ઋષિ કપૂર) અને તેના 102 વર્ષીય પિતાજી દત્તાત્રેય જગજીવન વખારિયા(અમિતાભ બચ્ચન). હા, તેઓ પણ વિધુર છે. પણ ના, ‘વૃદ્ધ’ વિધુર નથી, કેમ કે તેમની માનસિક ઉંમર માત્ર 26 વર્ષની છે! તેઓ એનર્જીથી ફાટફાટ છે. જિંદગી એન્જૉય કરે છે. જ્યારે તેનો પુત્ર કંટાળી ગયો છે. તે સોમથી શનિ ડૉક્ટરને મળે છે અને નિયમિત દવાઓ ખાય છે. નાહવા જાય પછી ભૂલી ન જાય એટલે દિવાલ પર બે જગ્યાએ ‘ગિઝર બંધ કરના હૈ’નું બોર્ડ મારે છે. ઈન શોર્ટ, જીવવાથી પણ ડરે છે અને મરવાથી પણ ડરે છે!(કર્ટસી: સૌમ્ય જોશી) તેમની નજીકમાં એક કેમિસ્ટની દુકાન છે. તેમાં કામ કરતો ધીરુ(જિમીત ત્રિવેદી) બાબુની દવાઓ આપવા આવતો-જતો રહે છે. તેને દુકાનની નોકરી કરતા બાબુના પપ્પા કને વધારે મજા પડે છે. બસ આ ત્રણ જણા છે અને તેમની જિંદગી છે. બધું બરાબર ચાલતું હોય છે ત્યાં તંરગી ને મસ્તીખોર દત્તાત્રેયને વિચાર આવે છે કે, તે સૌથી લાંબુ જીવેલો એક ચાઇનીઝનો રેકોર્ડ તોડશે. તેના માટે તેમને હવે માત્ર 16 વર્ષ લાંબુ જીવવાનું છે. લૉન્ગ લીવની તૈયારી આદરવા માંડે છે તેમાં તેને નેટ પર જાણવા મળે છે કે, લાંબુ જીવવા માટે તમારી આસપાસ બોરિંગ, ડલ ને નેગેટિવ ઇન્સાન ન હોવા જોઈએ! એટલે તે પોતાના દીકરા બાબુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું નક્કી કરે છે! પોતાની રોજની એકની એક ચાદર વગર ન ચલાવી શક્તો બાબુ ઓબ્વિઅસ્લી આ વાતની ના પાડે છે. બાબુના બાપુ તેની પાસે પાંચ શરતો મૂકે છે. તે પૂરી થાય તો બાબુ બચી જાય. એ શરતો આમ તો ટુ ડુ ઓર નૉટ ટુ ડુની નોર્મલ છે પણ તેની અંદર ક્યાંક છે જિંદગી જીવવાની જડીબુટ્ટી. પાછલી ઉંમરમાં પણ જિંદગી કઈ રીતે ખુશહાલીથી જીવવી તેની ચાવી.

ડાયરેક્શન & સ્ક્રિનપ્લે

play
મૂળ અફલાતૂન નાટક- 102 નોટ આઉટ

નાટક પરથી ફિલ્મ એડોપ્ટ કરવામાં સૌથી મોટો ડર લોસ્ટ ઈન ટ્રાન્સલેશનનો રહે છે. નાટક આલાતરિન હોય પણ ફિલ્મમાં પણ સતત નાટકની જ ફિલ આવ્યા કરે તો કોઈ કામનું નહીં. ઉમેશ શુક્લએ ડિરેક્ટ કરેલી ‘ઓહ માય ગોડ!’ ગુજરાતી નાટક ‘કાનજી વિરુદ્ધ કાનજી’ પર આધારિત હતી. તેના અમુક સિન્સ નાટકના સેટ જેવા જ હતા પણ મંજાયેલા કલાકારો હતા, વિષય દમદાર હતો, અને રજૂઆત ચોટદાર હતી એટલે બાકીનું બધું ઢંકાઈ ગયું. અહીં બોલિવૂડના લેજેન્ડ એક્ટર્સ સ્ક્રિન શેર કરે છે, એ પણ પરફૉર્મન્સ ઓરિએન્ટેડ ફિલ્મમાં, એટલે તે મસમોટો પ્લસ પૉઇન્ટ છે ‘102 નૉટ આઉટ’નો. પણ લોચો એ થયો છે કે ફિલ્મ અતિશય બોલકી બની છે. શરૂઆતમાં જ સ્ક્રિપ્ટ સાથે કેરેક્ટરને એડજેસ્ટ થવામાં પંદરેક મિનિટ જેટલો સમય લાગી જાય છે. એમાં પણ એક્શન કરતા ડાયલૉગ્સ પર વધારે મદાર રખાયો છે. બચ્ચન અને ઋષિ પોતે જ બોલ્યા કરે છે અને જ્યારે તેઓ ચૂપ થાય ત્યારે આપણને વિજય રાજનો વૉઇસ ઓવર સંભળાય છે.

ફિલ્મ આગળ વધતી જાય છે તેમ બેઉ મુખ્ય પાત્રનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે. સંપૂર્ણ ફિલ્મનો ટૉન લાઇટ અને સિમ્પલ રખાયો છે. કોઈ ભાર વગરની કૉમેડી અને ડાયલૉગ્સ છે. ફિલ્મના ડાયલૉગ્સ કહ્યું એમ સૌમ્ય જોશીએ તથા એડિશનલ ડાયલૉગ્સમાં જિજ્ઞા વ્યાસનું નામ આવે છે. નાટકની જેમ અહીં વચ્ચે વચ્ચે કિશોર કુમારનું ‘હમ થે વોહ થી’, રફીનું ‘મેં ઝિંદગી કા સાથ’ અને ભુપીંદર સિંહનું ‘ઝિંદગી મેરે ઘર આના’ સંભળાય છે. ફિલ્મમાં ગીતોનો ઉપયોગ દર્શકોને ખલેલ ન પહોંચે એ રીતે, બખૂબી કરાયો છે. ‘ઝિંદગી મેરે ઘર આના’ દરમિયાનનો સિન અસરકારક છે.(પણ નાટક જેટલો નથી) ઈન્ટરવલ સુધી ફિલ્મ સ્મુધ ચાલે છે પણ ત્યાર બાદ જૂનીપુરાણી બાપ-દિકરા વચ્ચેની ટસલ ચાલુ થાય છે. જેમાં એકલતા, ઓલ્ડ એજ પ્રોબ્લેમ્સ, પુત્ર-વિયોગ, દગાબાજ એનઆરઆઈ પુત્ર, વગેરે મુદ્દાઓ એક પછી એક આવતા જાય છે.( કશું જ નવું નથી.) પણ તેમાં બાબુલાલનું વ્યક્તિત્વ ધી-મે ધી-મે બદલાતું જાય છે. ઈન્ટરવલ બાદના બચ્ચન-ઋષિ અને ઇવન જિમિત ત્રિવેદીના અમુક ડાયલૉગ્સ તમને લાગણીભીના કરી નાખે છે. અમુકમાં આંસુ આંખ સુધી આવી જાય છે. નેરેટિવ ટ્રીટમેન્ટ અહીં ઓલ્ડ સ્કૂલ મેથડ ટાઇપની છે. ફિલ્મની ટેગલાઇન જ ‘બાપ કુલ, બેટા ઓલ્ડ સ્કુલ’ છે!

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઘરમાં થયું છે.(એક જ લોકેશન હોવાના કારણે પણ થોડી થોડી નાટકની ફિલ આવ્યા કરે છે.) એકચ્યુલી ડિરેક્ટર અને (સિનેમેટોગ્રાફર) લક્ષમણ ઉટેકરે અહીં ઓલ્ડ એજનું ફેન્ટેસી વર્ઝન દર્શાવ્યું છે. અહીં બધું જ બ્રાઇટ અને ઑલમોસ્ટ સની છે. ઇન્ટરવલ બાદના અમુક દ્રશ્યો ઉપદેશાત્મક અને રિપીટેટીવ બની ગયા છે. પણ છતાંય બેઉ હસતાં-રડતા કરચલીવાળા ચહેરાધારી ડોસાને જોવા ગમે છે!

એક્ટિંગ     

box-office-102-not-0005
અલાર્મ્ડ એક્સપ્રેશન ધારીત ટેલેન્ટેડ ગુજરાતી એક્ટર જિમીત ત્રિવેદી, બચ્ચન અને (ફિલ્મના) એકમાત્ર ફિમેલ પાત્ર સાથે!

‘ભુલભુલૈયા’માં ગોટીના પાત્રમાં ચમકેલા ગુજરાતી અભિનેતા જિમિત ત્રિવેદીએ અહીં ફરી જમાવટ કરી છે. તેણે અલાર્મ્ડ એક્સપ્રેશન આપ્યા છે એટલે કે સતત ફાળ અને ધ્રાસકના હાવભાવ ચહેરા પર પહેરી રાખ્યા છે. ગૂંચવાયેલો, મૂંઝાયેલો, બાબુલાલથી ડર્યા કરતો ધીરુ તમને જોવો ગમે છે! તો 75 વર્ષના જિંદગીથી થાકી ને હારી ગયેલા વૃદ્ધ પુત્રના રોલમાં ઋષિ કપૂર પ્રમાણમાં સેટ થાય છે. તેનો અસંતોષ, તેનું દુછથ:ખ, ચીડિયાપણું, નાખુશ ને નારાજ થવું અને પછી ધી-મે ધી-મે ખુલતા જવું, હસવું કાબિલે-દાદ છે. ઋષિ કપૂરે છેલ્લે ‘કપૂર એન્ડ સન્સ’માં (મોટી ઉંમરના) દાદુની ભૂમિકામાં સૌને જલ્સા કરાવ્યા હતા. તેનું પાત્ર અહીં બચ્ચન કરતા વધારે કોમ્પેલેક્સ છે કેમ કે તેને આ બધા સાથે માનસિક થાક પણ દર્શાવવાનો છે. તેનું પાત્ર કૉમેડી છે, સાથે તેનું દુ:ખ પણ તીક્ષ્ણ છે. તે જ્યારે ગુસ્સે થઈને બોલે છે ત્યારે કન્વીન્સિગ લાગે છે. અમિતાભ બચ્ચનની આંખો વેદના વ્યક્ત કરે છે પણ તેનો ચહેરો વિચિત્ર લાગે છે! પ્રોથેસ્ટિક મેક-અપના કારણે અમુક સિનમાં તે અણઘડ અને કંઢગો પણ લાગે છે. તોફાની અને શોરબકોર કરતું તેનું પાત્ર ડિસ્ટ્રેક્ટિંગ છે અને તેમના પર માંડ ફોકસ થાય છે. (‘હોપ યુ અન્ડરસ્ટેન્ડ’વાળો સિન અપવાદરૂપ છે.) આ કારણે પેલા ‘ઝિંદગી મેરે ઘર આના’ ગીતની ઈફેક્ટ પડે છે પણ એટલી નથી પડતી જેટલી નાટકમાં પડી હતી. એક્ચ્યુલી ખરેખર તો બચ્ચન અહીં 75 વર્ષના લાગે છે. (પણ ચાલો માની લીધું!) બચ્ચન-ઋષિ બેઉ જણા ગુજરાતી ઉચ્ચાર ગુજરાતીમાં જ બોલે છે, એટલે સાંભળવું સારું લાગે છે! એક સિનમાં બચ્ચન ઋષિ સામે જોઈને કહે છે, ‘આવી ગ્યો જાડીયો.’ એકમાં કોઈ બોલે છે, ‘દોઢ ડાહ્યો!’ પ્રયત્ન વગર ગુજરાતી બોલે છે ત્રણેય જણ. અને હા, આખી ફિલ્મમાં માત્ર પુરુષોનું જ આધિપત્ય છે! આઈ મિન, ફિમેલ કેરેક્ટર્સનો ઉલ્લેખ થાય છે પરંતુ મેઇડના એકાદ-બે ડાયલૉગ વગરના સિન સિવાય સ્ક્રિન પર કોઈ દેખાતું નથી. અન્ય કલાકારોમાં ધર્મેન્દ્ર ગોહિલ અને મુકેશ હિરાવાલા વેરી શૉર્ટ રોલમાં છે અને ચંદ સેકન્ડ્સ માટે સુનીલ વિસરાણી હાઉકલી કરી જાય છે.

બાકી બધું

મ્યૂઝિક તથા બેકગ્રાઉન્ડ સ્કૉર સલીમ-સુલેમાનનું છે. ફિલ્મમાં એકમાત્ર થોડું ગમે તેવું અને ટુકડાઓમાં આવતું ગીત ‘કુલ્ફી’ સૌમ્ય જોશીએ લખ્યું છે. બાકીના બે હિરલ ભ્રહ્મભટ્ટ અને પ્રમોશનલ સૉન્ગ ‘બડુમ્બા’ અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યું છે. ભૂલી જવાય તેવા છે.

સૌમ્યના બડે ભઈયા અભિજાત જોશીને સ્ટાર્ટીંગ ક્રેડિટ્સમાં સ્પેશિયલ થેંક્સ કહેવામાં આવ્યું છે. જોકે, અહીં રાજુ હિરાણી જેવી સ્મુધનેસ અને સહજતા નથી દેખાતી. એટલે જ નાટકમાં અદભુત લાગતો એન્ડનો ડાયલૉગ ‘જબ તક ઝિંદા હો મરના નહીં હૈ’ અહીં મરી જાય છે. બચ્ચનના મોઢે બોલાયેલો હોવા છતાંય ડલ લાગે છે. તેમ છતાં ફિલ્મ એક ઇમોશનલ અને ઇન્સપિરેશનલ નૉટ સાથે પૂરી થાય છે. મેસેજ ક્લીઅર છે: જિંદગી ખુશીઓથી જીવી લેવી. જલ્સા કરવા. મરતા પહેલા એકપણ વાર મરવું નહીં!

જોવી કે નહીં?

બચ્ચન અને ઋષિ સાહેબને સાથે વર્ષો બાદ જોવા તે અવશ્ય એક લ્હાવો છે. જૂની ફિલ્મો અને જૂની યાદોં ઘણા વાગોળશે. મૂળ નાટક અને તેનો વિષય સુપર્બ છે. ફિલ્મ રૂપાંતરણ ક્યાંક નબળું છે. ક્યાંક કચાશ છે. પ્રિ-ઇન્ટરવલ ધીમી છે, પોસ્ટ ઇન્ટરવલ મેલોડ્રામેટીક અને અસમતલ છે, …પણ હળવી છે, મજેદાર છે. પોઝિટિવ છે. ફેમિલી ઓડિયન્સ માટે મસ્ટ છે. પાછલી ઉંમરે ‘ટેન્શન લેને કા નહીં, જીને કા’વાળી અહીં ફિલોસોફી છે. તો, હળવીફૂલ, થોડી ઉપદેશાત્મક, થોડી ડ્રામેટિક અને બે સુપરસ્ટાર્સને ચમકાવતી 102 મિનિટની ‘102 નૉટ આઉટ’ તમારા માટે છે! કોના માટે?  જેમને આ પ્રકારની ફિલ્મો જોવી ગમતી હોય તેમના માટે. ટ્રેઇલર જોઈ લેવું, આઇડિયા આવી જશે! નાટક જોયું હશે તો ઓછી ગમશે. નહીં જોયું હોય તેમને આ વિષય જ રસપ્રદ લાગશે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 05 May 2018)

102 not out 05-05
Mid-day, Mumbai. Page No. 22

0 comments on “102 નોટ આઉટ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: