Literature

આ જગતમાં હાસ્ય સિવાય કંઈ જ પવિત્ર નથી

બોલિવુડના સ્ટાર અક્ષય કુમારની પત્ની અને ભૂતપૂર્વ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એક્ટ્રેસ તરીકે સારી હતી કે નહીં તે કદાચ ચર્ચાનો વિષય હોઈ શકે પરંતુ તે લેખક તરીકે અફલાતૂન છે, તેમાં કોઈ મીનમેખ નથી. યસ, ‘અફલાતૂન’ શબ્દ મેં સમજીવિચારીને વાપર્યો છે.51lN9yvtvIL._SX324_BO1,204,203,200_

ટ્વિંકલ ખન્નાએ સરિતા તન્વરના આગ્રહથી ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં કૉલમ લખવાનું શરૂ કર્યું. તે ખરેખર સારું લખે છે તે લોકોને લાગ્યું અને તેને પણ ભાન થયું! એ પણ હવે તો જાહેર વાત છે કે થોડા દિવસો પહેલા આવેલી અક્ષય કુમાર અભિનિત ફિલ્મ ‘પેડમેન’ અરુણાચલમ મુરુગનાથમના જીવન પર આધારીત છે. જેના પર ‘અક્ષરત્વ’માં જ વિસ્તૃત લેખ લખાઈ ચૂક્યો છે. (તારિખ:૨૪-૦૧-૨૦૧૮) તે અરુલાચમલ વિશે સૌ પહેલા લખનાર ટ્વિંકલ ખન્ના. તેણે ‘ધ લેજન્ડ ઑફ લક્ષ્મીપ્રસાદ’ પુસ્તકમાં અરુલાચલમ મુરુગનાથમ વિશે ટૂંકી વાર્તા સ્વરૂપે લખ્યું હતું. ટ્વિંકલે કૉલમમાં તો પિરિયડ્સ તથા સેનેટરી નેપકીન વિશે લખી જ ચૂકી છે. આજે લેખિકા ટ્વિંકલ ખન્નાના પુસ્તક ‘મિસિસ ફનીબોન્સ’ની વાત કરવી છે, પરંતુ થોડી અલગ રીતે. ટ્વિંકલના દરેક લેખમાં તેની હ્યૂમરસ અને વિટી છાંટ દેખાય છે. તેના પંચ તમને હસવા અને વિચારવા મજબૂર કરી દે છે. એ ચાહે તેના પતિદેવ અક્ષયની વાત કરતી હોય કે તેની મા ડિમ્પલ કાપડિયાની વાત કરતી હોય, તેના સર્કાઝમના બાણ બધાને ચીરી નાખે છે! પાછા તેના લેખના અંતે કંઈક એવી વાત તે કહી જાય છે, જે ખરેખર કોઈ મોટિવેશનલ ડાયલૉગ કે સ્ટોરીથી કમ ન હોય! આજે એવા જ ટ્વિંકલની મદદ લઈને ચારેક મુદ્દા રજૂ કરવા છે જેના થકી આપણી રોજ-બ-રોજની લાઈફમાં કંઈક મદદ મળે. કંઈક સારું થાય. શીખવા મળે.

 એક ઘરમાં બે વાઘ ન રહી શકે!

ટ્વિંકલ ખન્નાના નવા લગ્ન થયેલા ત્યારે તેની સાસુએ તેને પાસે બેસાડીને કહેલું, ‘જો એક જ મેદાનમાં બે વાઘ સાથે ન રહી શકે.’ ટ્વિંકલને નવાઈ લાગેલી. તે લખે છે કે, ‘મને નવાઈ લાગેલી એ વિચારીને કે મને અત્યાર સુધી ખબર જ નહોતી કે મમ્મીજી જંગલી પ્રાણીઓના સંરક્ષણના કામ સાથે સંકળાયેલા છે!’ ટ્વિંકલે તેના પતિને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, ‘એ એમ કહેવા માગે છે કે એ અને તું એક જ ઠેકાણે સાથે ન રહી શકો!’

વેલ, રમૂજથી કહેવાયેલી આ વાત દરેક એલિટ કે નોન-એલિટ ક્લાસના ઘરની અંદર સીધો પ્રહાર કરે છે! ટ્વિંકલ કહે છે કે, ‘મને ધીરે ધીરે ખબર પડી કે મમ્મીજીની વાત સાચી હતી. અમે ભલે વાઘ નહોતા, પણ એક મેદાન પર તો સામસામે જ હતા. એ માણસ માટે થઈને જે અમારા બંને સાથે સંબંધથી જોડાયેલો હતો. એટલે અમે બન્ને હવામાં હાથ ઉછાળીને ચિઅર લીડરની જેમ એનું ધ્યાન અમારા તરફ ખેંચવાની કોશિશમાં લાગેલા રહેતા. કદાચ આને જ સાસુ-વહુનો સારો સંબંધ કહેવાતો હશે!’

ત્યાર બાદ ટ્વિંકલ સાસુ અને વહુ વચ્ચેના અણબનાવ કૉમેડી-વેમાં રજૂ કરે છે. પોતાની બહેનપણીની સાસુઓની અને પોતાની સાસુની પેટભરીને મસ્તી કરે છે. અંતે વાતને કન્ક્લૂડ કરતા કહે છે કે, ‘એવો જ (સાસુ સાથે)વ્યવહાર કરો જેવો વ્યવહાર ભવિષ્યમાં તમારી સાથે થાય એમ તમે ઇચ્છો છો.’ પૉઈન્ટ ટુ બી નોટેડ!

તને કેમ આટલી વાર લાગે છે, મૉમ?

દર ઉનાળે, જૂનમાં ટ્વિંકલ ને તેનું ફેમિલી વેકેશન ગાળવા ઊપડી જાય છે.  એવા જ એક જૂન મહિનામાં ટ્વિંકલ-અક્ષય-આરવ-નિતારા કોઈ સ્થળે છે. ટ્વિંકલ આરામ કરી રહી છે ત્યારે તેનો દીકરો તેને ઝીપ લાઈનિંગ કરવા માટે આગ્રહ કરે છે. ઝીપ લાઈનિંગ એટલે ખૂબ ઊંચાઈએ બાંધેલા વાયર પર લટકીને એક છેડેથી બીજે છેડે જવું. ઝીપ લાઈનિંગ માટે પહેલા ૭૦ મિનિટની બોટ રાઈડ કરવાની છે. તેઓ એ ટાપુ પર પહોંચીને ઝીપ લાઈનિંગ કરવાની શરૂઆત કરે છે, જેમાં ઘણાબધા અવરોધો પણ પસાર કરવાના છે. જેમ કે નેટમાં ભાંખોડિયા ભરવાના, એક થાંભલા પર સમતુલા જાળવીને ચાલવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કુદવાનું!

હવે આ બધું કરીને ટ્વિંકલના શરીરનો એક એક સ્નાયુ દુઃખી રહ્યો છે. કાંડામાં ઈજા છે અને ગોઠણ છોલાઈ ગયા છે. ટ્વિંકલનો દીકરો એક પછી એક તમામ અડચણ પાર કરતો જાય છે અને કહેતો જાય છે, ‘મૉમ, તને આટલી વાર કેમ લાગે છે? થાકી ગઈ કે?’ ટ્વિંકલ વિચારે છે કે આ પરિસ્થિતિમાં મૂકવા બદલ મારે તેના પર રાડો પાડવી જોઈએ. મારે તેને કહેવું છે કે, હું તેની જેમ ૧૧ વર્ષની નથી કે નથી ૨૧ની કે ૩૧ની પણ નહીં.’ ટ્વિંકલને એમ કહેવું છે કે, હવે હું મોટી થઈ!

પણ ટ્વિંકલ એવું નથી કહેતી. શા માટે? મમ્મીઓ અને પપ્પાઓએ ટપકાવવા લાયક વાત ટ્વિંકલ કરે છે. તે કહે છે: ‘જોકે હું એક પણ શબ્દ બોલતી નથી. કારણે કે બાળકો હંમેશા આપણું જોઈને શીખે છે. આપણે જે કહીએ એ તરફ એ લોકો ધ્યાન નથી આપતા, પણ આપે જે-જે કરીએ એ તરફ અચૂક ધ્યાન આપતા હોય છે. શું હું એવું ઈચ્છું કે જ્યારે જીવન વધું પડતું સ્પાર્ધાત્મક બની જાય ત્યારું હું ફરિયાદ કરું, કકળાટ કરું અને છોડી દઉં એવું મારો દીકરો જૂએ? ક્યારેય નહીં, હું મારો વિશ્વાસ વધારું છું, ચહેરા પર સ્મિત ચોંટાડું છું અને તમામ અવરોધો પાર કરી લઉં છું.’

ટ્વિંકલ ઝીપ લાઈનિંગનો છેલ્લો પડાવ પાર કરી લે છે. નિસરણીના સહારે ઊતરે છે અને તેને ખ્યાલ આવે છે કે તે ખૂબ થાકી ગઈ છે પણ તે ખૂબ ખુશ છે. તે એક એક ક્ષણ જીવી રહી છે..

ટ્વિંકલ ખન્ના આગળ કહે છેઃ ‘આપણે મોટાંઓ હંમેશા સરળ રસ્તો શોધવાનો પ્રયાસ કરીએ છીએ. કદાચ આળસુ પણ બની જઈએ છીએ. આપણને થાકી જવાનો ડર લાગે છે, જાણે કે આપણી વપરાયેલી શક્તિ પાછી જ ન આવવાની હોય! આપણે આપણા થાકવાની પણ યોજના બનાવીએ છીએ, એ જ રીતે આપણે કામો માટે પણ યોજના બનાવીએ છીએ. એક મશીનની જેમ યંત્રવત્ જ આપણે કામ કરીએ છીએ ને માપી શકાય એટલું જ થાકીએ છીએ.’

મુદ્દો એ છે અને ટ્વિંકલ ખન્નાને પણ એ જ કહેવું છે કે, મોટાઓ પણ નાના બાળકોની જેમ જીવી શકે છે. શ્વાસ ભરાઈ જાય અને હાંફી ન જવાય ત્યાં સુધી દોડી શકે છે, ઘાસ પર આળોટી શકે છે, વાદળો સામે તાકી શકે છે, ફરીથી કૂદી-રમી શકે છે, નાનકડી ટેકરીઓ પર ચડી શકે છે, ગુલાટિંયા ખાઈ શકે છે. દુનિયાભરની ચિંતાને જહન્નમમાં નાખીને જલ્સા કરી શકે છે. એને બદલે લોકો શું કરે છે? આસપાસ ટીવીના પડદા ગોછવી દે છે. તેના કારણે પહેલા શરીર અને પછી મન ઊછળકૂદ કરવાનું ભૂલી જાય છે, આશ્ચર્ય પામવાનું ભૂલી જાય છે, જીવવાનું ભૂલી જાય છે…

ફોરવર્ડિયા વૉટસએપ મેસેજીસ!

સવારે ઉઠતા જ વૉટ્સએપ પર આવતા ભલમનસાઈ ને કરુણા ને પ્રેમના ફોરવર્ડિયા મેસેજીસની ટ્વિંકલ સરખી ફીરકી લે છે!  તે કહે છે કે, ‘મને લાગે છે કે આળસુ માણસોને લાગે કે પોતે કંઈ મહાન કામ કરી રહ્યા છે એટલે આ સંદેશાઓ બનતા હશે. ભઈ, બહાર જઈને કંઈક કામ કરો ને! ફૂટપાથ વાળો, ઝાડ વાવો, ભૂખ્યા રખડતા કૂતરાને ખવડાવો, કંઈક કામ કરો, પણ તમારી આંગળીઓ માત્ર ત્રણ બટન પર દબાવીને એકસાથે 600 માણસોનું મગજ સંદેશા મોકલીને બગાડવાનું બંધ કરો…’ આ વિષે આથી વિશેષ મારે પણ કંઈ નથી કહેવું.

‘છોડી દેવું’ બહાદુરી છે!Twinkle-Khanna

આ એક સબ્જેક્ટ પર આખો આર્ટિકલ લખી શકાય એમ છે. એક રવિવારની સવારના પોણા સાત વાગ્યે ટ્વિંકલ અને તેનો દીકરો આરવ ફૂટબૉલની મેચ જોવા જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં ટ્વિંકલ આરવને પૂછે છે, ‘જો કોઈ કામમાં સફળ ન થયો તો તું શું કરીશ?’ એ જવાબ આપે છે, ‘હું પ્રયત્ન ચાલુ રાખીશ. કદી હાર નહીં માનું.’

ટ્વિંકલ નૉટેબલ વાત કરે છે. તે આરવને કહે છે: ‘ના, યાદ રાખજે તું જો કોઈપણ વ્યક્તિને બદલી શકે તો એ તારી જાતને જ હશે. જો તેં તારું કામ બરાબર કર્યું હોય અને એ કામ કરવામાં તેં તારો શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય અને છતાં તું સફળ ન થાય તો જવા દેતાંય શીખવાનું. હંમેશાં બીજું કામ, બીજી સ્ત્રી કે બીજા ઉત્તમ મિત્રો મળશે જ. દયામણા ને નિરાશ થઈને કોઈ પરિસ્થિતિમાં એક દિવસ પસાર કરવો એનો અર્થ એ થાય કે ખુશીઓ તરફ લઈ જતા રસ્તા પર જવામાં તું એક દિવસ મોડો છો.’

ટ્વિંકલ અહીં સલૂકાઈથી પ્રયત્ન કરવો અને એકની એક વસ્તુને પકડી રાખવાનો ફર્ક સમજાવી જાય છે. તે કહે છે કે, ‘આજના જમાનામાં છોડી દેવું એય બહાદુરી ગણાય છે. કોઈ એકની એક જગ્યાએ ચોંટી નથી રહેતું…’ (શીર્ષક: ‘મિસિસ ફનીબોન્સ’ માંથી)

*જે બાત!*

મારે ફરી બાળક બની જવું છે. ટેકરીઓ પર ચડવા અને ટેકરીઓ પરથી ગબડવા… કારણ કે ટેકરીઓ અસ્તિત્વ ધરાવે છે અને હું પણ…- ટ્વિંકલ ખન્ના

hpse_fullsize__2180068392_Akshay Kumar, Dimple Kapadia, Twinkle Khanna at Twinkle_s book launch in J W marriott on 18th Aug 2015 (6)_55d7251bd2226
મિસિસ ફની બૉન્સ પુસ્તક લૉન્ચ વખતે ટ્વિંકલ ખન્ના પતિ અક્ષય કુમાર અને મમ્મી ડિંપલ કાપડીયા સાથે

@Parth dave

( Janmbhoomi Group- Kutchmitra)

Date: 04-04-2018

 

 

0 comments on “આ જગતમાં હાસ્ય સિવાય કંઈ જ પવિત્ર નથી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: