Movies Review

3 સ્ટોરીઝ

વાર્તા રે વાર્તા!

Rating: 3.1 Star

ફર્સ્ટ ટાઇમ ડાયરેક્ટર અર્જુન મુખર્જીની ‘3 સ્ટોરીઝ’ મિડલ-ક્લાસ મુંબઈઘરની વાર્તા માંડે છે, એ પણ થ્રિલર-વેમાં. એક ચાલીની 3 જૂદી-જૂદી વાર્તા છે. શૉર્ટ સ્ટોરીઝના ચાહકોને આ 99 મિનિટની ફિલ્મ ગમી શકે. સ્ક્રિનપ્લે ચુસ્ત છે. તમામ કલાકારોની, ખાસ તો રેણુકા શહાણેની એક્ટિંગ લા-જવાબ છે.

મેટ્રો પોલિટિન શહેર કે માત્ર શહેરની માર્કેટમાં તમે ભીડ જોતા હશો. તે ભીડમાંનો દરેક વ્યક્તિ જુદો છે અને તે દરેક વ્યક્તિની એક જુદી સ્ટોરી છે. કોઈ ઉદાસ છે, કોઈ આનંદી છે, કોઈ સાયકો છે, કોઈ ખુશમિજાજ છે. કોઈ બંદાની નજદિકી વ્યક્તિનું મૃત્યુ થયું છે તો કોઈના ઘેર બાળકનો જન્મ થયો છે. સૌ પોતપોતાની જાત, રાત અને સપનાં લઈને, આ મન પાંચમના મેળામાં આવ્યા છે.(થેંક્સ ર.પા.!)

ભારતના આવા કોઈ શહેરની વાત કરવી હોય તો બેશક, મુંબઈ યોગ્ય કહેવાય. અહીં ફુટપાથ પર સુવાની જગ્યા નથી. અહીં એક પરિવારના પાંચ-સાત જણ જૂની-પુરાણી ચાલીના એક રૂમમાં આખી જિંદગી પસાર કરી નાખે છે. એવી ચાલી જેમા થતા ઝઘડાઓ આજુબાજુના લોકોનું મનોરંજન પૂરુ પાડે છે. એવી ચાલી જેમાં વ્યભિચાર, લંપટતા, પ્રેમ, ખુશીઓ, દુઃખ-દર્દ બધું જ ધરબાઈને પડ્યું છે. અને ચાલીના દરેક જણ પાસે પોતાનું એક સિક્રેટ છે. પોતાનું એક સત્ય છે. પોતિકી એક વાર્તા છે.

એવી જ માયાનગરી મુંબઈની ‘માયા નગર’ નામની ચાલીમાં પનપતી ત્રણ વાર્તાઓ ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટર અર્જુન મુખર્જી આપણી સામે પેશ કરે છે. ટાઇટલ ક્રેડિટ્સ સાથે સુત્રધાર આપણું સ્વાગત કરે છે અને આપણને તથા વિલાસ નાયક(પુલકિત સમ્રાટ)ને લઈ જાય છે, ‘માયા નગર’ ચાલીમાં.

ઇન ફેક્ટ, વિલાસની જ ઈચ્છા હોય છે તે ‘માયા નગરી’માં જવાની! શા માટે?

આવો જોઈએ…

પહેલો માળ  

અહીં ‘માયા નગર’ ચોલમાં ત્રણ માળ છે અને તે ત્રણ માળની અલાયદી વાર્તા છે. આખી ચાલનો ક્વિક ઇન્ટ્રો લઈએ તો એક લીલા(રીચા ચઢા)નામની સુંદર સ્ત્રી રહે છે જે ચાલીમાં રહેતા દરેક પુરુષની ઈચ્છા છે! (ડિઝાયર, યૂ નો!) રૂપજિવીની જેવી લાગતી લીલા પર ચાલીમાં રહેતો કોન્સ્ટેબલ ગણપત(હિમાંશુ) ફિદા છે, પણ તેને કહી નથી શક્તો. આખી ચાલીમાં લીલા વિશે વાતો થતી રહે છે. વિલાસ નાયક(પુલકિત સમ્રાટ) નામનો યુવાન હૈદરાબાદથી મુંબઈ પોતાનો બિઝનેસ વધારવા આવ્યો છે. તેને ઘર વેચાતુ લેવું છે. માયા નગરમાં મિસિસ ફ્લૉરી મેન્ડોન્કા (રેણુકા શહાણે)નામની વૃદ્ધ કેથોલિક લેડી રહે છે. તે વિધવા છે, તેનું ઘર વેચવાનું છે. પણ વિલાસને બ્રોકર જણાવે છે કે, આ ડોશીનું મગજ થોડું ખસકેલ છે. તે હદ બહાર પૈસા માંગી રહી છે. મિસિસ ફ્લૉરી મેન્ડોન્કા તે ઘરના 80 લાખ માગી રહી છે, જ્યારે તેની માર્કેટ વેલ્યુ વધુમાં વધુ 20 લાખ થાય! વિલાસ અને મિસિસ ફ્લૉરી મેન્ડોન્કા મળે છે, ડિલ ડન થાય છે અને બે વચ્ચે કૉફી પીતે પીતે વાતોની શરૂઆત થાય છે. મિસિસ ફ્લૉરી વિલાસ સમક્ષ પોતાનો ભૂતકાળ ખોલે છે અને તમે આશ્ચર્યના ઝાટકા ખાતા જાવ છો…

બીજો માળ

મિસિસ ફ્લૉરી મેન્ડોન્કા સાથે ક્યારેક ક્યારેક વાતો કરી લેતી વર્ષા આત્રે(મૌસમી મખીજા) નામની નમ્ર ને ડાહી ગ્રહિણી ત્યાં જ રહે છે. તેનો હરી નામનો નાનો દીકરો છે. વર્ષાનો દારુડીયો પતિ દરરોજ તેને ઘેર આવીને મારે છે. વર્ષાના પૈસે ઘર ચાલે છે અને તેના પૈસે જ તેનો વર દારુ પીવે છે! પણ આ દુઃખીયારી સ્ત્રીનું પણ સર-સ અને સુખી ભૂતકાળ છે. તેનો શંકર(શરમન જોશી) નામનો બોયફ્રેન્ડ હતો, લગ્નના વાયદા હતા. પ્રેમ હતો! બધુ છૂટી ગયું. અચાનક ચોલમાં તેનો સામનો શંકર સાથે થઈ જાય છે. એન્ડ સ્ટોરી વોઝ બિગીન…

ત્રીજો માળ  

        ત્રીજી વાર્તા કોલેજમાં ભણતા ચાલીના પ્રેમી-પંખીડાની છે. સુહૈલ અંસારી(અંકિત રાઠી) અને માલિની માથુર(ઐશા અહમદ)એકબીજાને પ્રેમ કરે છે. પણ બેઉના પરિવાર આ વાતથી સહમત નથી. કારણ સ્વાભાવિક છે કે, જાત-ધર્મ અલગ છે. એક હિન્દુ છે, એક મુસ્લિમ છે. પણ ખરેખર કારણ કંઈક જુદુ છે, અલગ છે. આ વાર્તા પણ ભૂતકાળમાં ધરબાયેલી છે. જે ભૂતકાળનું સત્ય બેઉની મા સાચવી બેઠી છે.

ત્રણેય માળની અંદર!     

ડાયરેક્ટર અર્જુન મુખરજીએ લાઈફ વિશેના કોઈ ગ્રાન્ડ સ્ટેટમેન્ટ આપ્યા વિના, સિફતપૂર્વક જે-તે સામાન્ય માણસની જિંદગીને પડદા પર ઉતારી છે. પુલકિત સમ્રાટ અને રેણુકા શહાણે ની પહેલી ઘટના જ તમને વાર્તા-પ્રવાહમાં ખૂંપી દે છે. વેલ, પુલકિત સમ્રાટ હજુય સલમાન ખાનની મિની નહીં, તો માઇક્રો આવૃત્તિ તો લાગે જ છે. પણ પ્રમાણમાં એક્ટિંગ સારી કરી છે. તેની માચો મેનવાળો લૂક ક્યાંકથી આવી જ જાય છે! આ પહેલી વાર્તા જ તમને હવે શું બનશે એ જાણવા મજબૂર કરી દે છે. શરૂની 10 મિનિટ બાદ થ્રિલનું તત્વ ઉમેરાઈ જાય છે. આ વાર્તા એક લેખકની શૉર્ટ સ્ટોરી પર આધારીત હોવાનું કહેવાયું છે. પણ એ નામ અહીં લખીશ અને તમને ખ્યાલ હશે તો ફિલ્મ જોવાની મજા મરી જશે. પહેલી ઘટના ફૂલ ટુ ડ્રામેટિક હોવા છતાંય ડાયરેક્ટર અનડ્રામેટાઈઝ્ડ અને રિઅલ ટૉન જાળવવામાં સફળ થયા છે. ત્રીજી વાર્તમાં ઑવર ડ્રામા દેખાઈ આવે છે. ત્રણેય વાર્તામાં એક ઇમોશનલ લેવલથી બીજા સુધી ડિરેક્ટર તમને ઢસડી જાય છે. ચોલના માળની જેમ વાર્તાના પણ લેયર્સ છે. દરેક જીવતી વ્યક્તિનો સાયકોલૉજિકલ તણાવ, કુદરતી જરૂરિયાતો, દંભ, આનંદ આ બધું તમને ત્રણ લેયર્સમાં દેખાય છે. સ્ટોરીનો અણધાર્યો અંત જોઈને તમને ઓ.હેન્રીની વાર્તા પણ(વાંચી હોય તો) યાદ આવી જાય. એલ્થિયા કૌશલે સ્ક્રિનપ્લે એ પ્રકારે લખ્યો છે કે દરેકનું એક મુખ્ય પાત્ર અન્ય સ્ટોરીનું ગૌણ પાત્ર છે. એ રીતે દરેકના તાણાવાણા જોડાયેલા છે.

       શરમન જોશી અને મૌસમી મખીજાની બીજી સ્ટોરી પ્રમાણમાં ઠીક છે. ‘મકબૂલ’માં પંકજ કપૂરની દીકરી બનેલી અને ‘ચુપકે સે’માં મુખ્ય હિરોઈન તરીકે ચમકી ચૂકેલી મૌસમી મખીજાએ અહીં એબ્યુઝ્ડ હાઉસવાફનું પાત્ર સર-સ રીતે ભજવ્યું છે. તે શરૂઆતમાં ઓળખાતી નથી માટે અહીં તેનું અગાઉનું કામ યાદ કર્યું છે! શરમન જોશી થોડો ઉંમરમાં મોટો લાગે છે પણ તેણે નોંધપાત્ર અભિનય કર્યો છે. ડેબ્યુટન્ટ અંકિત રાઠી અને ઐશા અહમદે યંગ લવર્સના રોલ સારા ભજવ્યા છે. ક્રેડિટમાં જેને બિંગ થેંક્યુ કહેવાયું છે તે રીચા ચઢાએ અહીં ટૂંકું પણ અસરકારક કેરેક્ટર પ્લે કર્યું છે. તેની લલચાવતી આંખો, લાલ ચટાકેદાર હોઠ અને સતત આમંત્રણ આપતું શરીર અને લટકા કરતી ચાલઃ આટલું તમને આખી ફિલ્મ દરમિયાન જોવા મળે છે. તેનો ડાયલૉગ માંડ એકાદ હશે, પણ છતાંય તેનો અવાજ સંભળાયા કરે છે!(વિચારો!)

મિસિસ ફ્લોરી મેકોન્ડાના પાત્રમાં રેણુકા શહાણે

 

હવે.. સૌથી બેસ્ટ પરફૉર્મન્સ ઑફ ધ મૂવી કોઈનું હોય તો તે ઘણા સમયે બિગ સ્ક્રિન પર આવેલી રેણુકા શહાણેનું છે. તેણે ગોવાનીઝ કેથોલિક મિસિસ ફ્લૉરી મેન્કોન્ડાનું કેરેક્ટર અદભૂત રીતે ભજવ્યું છે. મિસિસ ફ્લૉરીની બોલવાની છટા, ભેદી હાસ્ય, મર્મવેધક ભૂતકાળ, પુત્ર માટેની ઘેલછા, તેનું દુઃખ, બધું જ લા-જવાબ છે. રેણુકા અંગ્રેજી ઉમેરીને અને તૂટેલી હિન્દી સાથે કોંકણી ભાષા પણ લા-જવાબ રીતે બોલે છે. બોલિવૂડના સ્ટિરિયોટાઇપ્ડ ગોઆના ક્રિશ્ચિયન કેરેક્ટરથી આ કેરેક્ટર અલગ પડે છે, એટલે પણ જોવાની મજા આવે છે. (રેણુકા ‘ટ્રુર્થ’નો ઉચ્ચાર સુપર્બ કરે છે!) અને તમને એવી ઇચ્છા થયા કરે કે તે હજુ થોડો વધુ સમય સ્ક્રિન પર રહે અને એવો પણ પ્રશ્ન થાય કે તે શા માટે વધુ ફિલ્મોમાં નથી દેખાતી? આપણને ટીવી પર ‘હમ આપ કે હૈ કોન’માં જ તેને જોયા કરવાની? આ ફિલ્મ બાદ ભવિષ્યમાં તે કોઈ સસ્પેન્સ-થ્રિલરમાં વેમ્પ કે વિલન ટાઇપ રોલ કરે તેની રાહ જોશું! કોન્સ્ટેબલ અને દુકાનદારના એકલ-દોકલ પાત્ર પણ પોતાની નોંધ મૂકતા જાય છે.

શૉર્ટ ફિલ્મ કૉન્સેપ્ટ 

ડીરેક્ટર આલાહાન્દ્રો ઈનારીટુની ક્લાસિક ‘અમોરોસ પિરોસ’

એવુ નથી કે આ ફિલ્મમાં બધું જ સારું છે. (એવું તો કઈ રીતે હોય?!) આજે તમે યુ-ટ્યુબ પર શૉર્ટ ફિલ્મ સર્ચ કરશો તો 27 મિલિયન ઉપર રિઝલ્ટ મળશે. અને એમાં પણ સુજોય ઘોષની ‘અહલ્યા’ બાદ આપણે ત્યાં પણ ‘જોવા જેવી’ શૉર્ટ ફિલ્મો બની રહી છે. એમાં પણ સુજોય ઘોષની ‘જ્યુસ’ અને જ્યોતી કપૂર દાસની ‘ચટણી’ નામની શૉર્ટ સ્ટોરી આજકાલ ખાસી ચર્ચામાં છે અને આ પ્રકારની શૉર્ટ ફિલ્મો જોવાય છે. મલીણરત્નમે ત્રણ સ્ટોરી ભેગી કરીને, ત્રણેયના તાણાવાણા છવટે એકમાં જોડતી ‘યુવા’ ફિલ્મ બનાવી હતી. ઈન્ટરનેશનલ ક્લાસિક ‘અમોરોસ પિરોસ’માં પણ ડીરેક્ટર આલાહાન્દ્રો ઈનારીટુએ ત્રણ સ્ટોરીને એક કાર એક્સિડન્ટથી લિંક-અપ કરી હતી. 

આ ફિલ્મમાં પણ આખરે તો ત્રણ શૉર્ટ સ્ટોરી જ ભેગી કરવામાં આવી છે, પણ સ્વતંત્ર રીતે. તમે આ શૉર્ટ ફિલ્મ્સ મોટા પડદે ક્વૉલિટી અભિનય સાથે જોઈ શકો એ નફામાં! પહેલી સ્ટોરી સિવાય બાકીની બે એટલી ઈફેક્ટિવ નથી. ઈન ફેક્ટ, થર્ડ સ્ટોરીનો એન્ડ ઑવર મેલોડ્રામેટિક લાગે છે. પણ મેજર પ્લસ પૉઇન્ટ એ છે કે, ફિલ્મ માત્ર 99 મિનિટ અને 49 સેકન્ડમાં પૂરી થઈ જાય છે. અને બીજું એ કે, તે એક ફિલ ગુડ એન્ડ સાથે પૂરી થાય છે. તમે બહાર નીકળો ત્યારે આ ‘ત્રણ મજલા’ અને તેના ટ્વિસ્ટેડ અંત વિશે કંઈક તો વિચારતા જ હોવ!

મ્યૂઝિક

ક્લિન્ટોન સેરેજોએ આપેલું મ્યૂઝિક ફિલ્મને અનુરૂપ છે. અમજદ નદીમે કમ્પોઝ કરેલુ ‘રાસલીલા’ ગીત પ્રમાણમાં સારું છે. ડિરેક્ટરે ચાલની નવરાત્રિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા સમય પછી પડદા પર ગ્લેમરવિહોણી મધ્યમવર્ગીય નવરાત્રિ જોવા મળી છે. ‘આઝાદિયાં’ સૉન્ગ સર-સ ફિલ્માવાયું છે.

જોવી કે નહીં ?

અમુક સત્ય પચાવવાના હોય. અમુક ‘સત્યનો સામનો જ ન થાય તો સારું’ પ્રકારના હોય. અને જો સામનો થઈ જાય તો એ સત્યને છોડી દેવાના હોય, ભૂલી જવાના હોય. સેમ એઝ સિક્રેટ્સ. રહસ્ય પણ છતાં થાય તો અમુક પચાવવાના અને અમુક છોડી દેવાના હોય. આ નૉટ સાથે ‘3 સ્ટોરીઝ’ પૂરી થાય છે. કહ્યું એમ, 99 મિનિટની ફિલ્મ છે. માટે શૉર્ટ સ્ટોરીઝ જોવી ગમતી હોય; કંઈક અલગ, ક્વૉલિટીસભર એક્ટિંગ અને વાસ્તવિકતાને અડેલા પ્રસંગો જોવાની ઈચ્છા હોય તો આ જરૂર તમારા માટે છે. અહીં બેશક મનોરંજન છે, થ્રિલ છે, પણ ખોટો મસાલો નથી.

એક છેલ્લો પ્રશ્નઃ તમને શું લાગે છે, મુંબઈની જર્જરિત થઈ ગયેલી જૂની-પુરાણી ચાલની ખોલી-મકાનોમાં કેટકેટલા હાડપિંજર દફનાવેલા પડ્યા હશે?

@Parth Dave 

(Review for Mid-day, Mumbai: 11 March 2018)

3 Storeys
Mid-day, Mumbai.

0 comments on “3 સ્ટોરીઝ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: