Movies Review

પેડમૅન

દેશી વન્ડર મૅન!

Rating: 3.0 Star

અરુણાચલમ મુરુગનાથમની જીવન-ઝરમર એન્ટરટેઈનિંગ-વેમાં જોવા-જાણવા માગતા મિત્રો આ ફિલ્મ ખાસ વિથ ફેમિલી જૂએ અને બાકી, અક્ષય કુમાર ને આર. બાલ્કીના ફૅન્સ લોગ પણ નિરાશ નહીં થાય. 

film-padman_87a51d6a-e702-11e7-bb33-29502a427e3fસમજાય નહીં તેવા વિવાદ ને બબાલના કારણે ‘પદ્માવત’ ફિલ્મ ઠેલાતી રહી અને તેના કારણે ‘પૅડ મેન’ ફિલ્મ પોસ્ટપોન થતી રહી. અંતે આપણી આતુરતાને અંત મળ્યો! ‘પૅડ મેન’નું કામ શરૂ થયું એટલે કે અક્ષયપત્ની ટ્વિંકલે ‘ધ લેજેન્ડ ઑફ લક્ષ્મી પ્રસાદ’ પુસ્તકમાં રિઅલ પૅડ મેન વિશે ટૂંકી વાર્તા સ્વરૂપે લખ્યું, બાદમાં તેને ખોજ્યો, પછી આર. બાલ્કીને અપ્રોચ કર્યો, ત્યારથી તેના વિશે ચર્ચા થઈ રહી છે. સૌ જાણે છે તેમ પૅડ મેન કોઇમ્બતુર, તમિલનાડુના સોશિયલ આંત્રપ્રેન્યોર અરુણાચલમ મુરુગનાથમની લાઇફ-સ્ટોરીનું સિનેમેટિક એડોપ્ટેશન છે. વર્ષ 2001માં જ્યારે સ્ત્રીઓના માસિક સ્ત્રાવના દિવસોને લઈને આજથી વધુ સુગ અને આભડછેટ ગામડાઓમાં હતી, ત્યારે અરુણાચલમે સસ્તા સેનેટરી નેપકિન્સ બનાવતું એક મશીન ઇન્વેન્ટ કર્યું, જયાશ્રી નામની ઈન્ડસ્ટ્રી સ્થાપી, સ્ત્રીઓને તેમા જ રોજગારી આપી અને સફળ ઈન્વેન્ટર તરીકે પ્રસ્થાપિત થ, દુનિયાભરમાં લેકચર્સ આપ્યા, એવોર્ડો મેળવ્યા. આ આખી રસપ્રદ જીવન-જર્ની આપણને ડાયરેક્ટર આર. બાલ્કી ફિલ્મ ‘પૅડ મેન’માં બતાવે છે. જેટલી રોમાંચક અરુણાચલમની જર્ની છે તેટલી જ અસરકારક રીતે પડદા પર રજૂ થઈ શકી છે ખરી?

આઓ દેખતે હૈ!

વાહ રે વાહ રે, પૅડ મેન!

કૌસર મુનિરે લખેલા, અરિજીત સિંહે ગાયેલા અને અમિત ત્રિવેદીના સંગીતથી મઢેલા કર્ણપ્રિય સૉન્ગ ‘આજ સે તેરી સારી ગલિયાં મેરી હો ગઈ’થી ફિલ્મનો પડદો ખૂલે છે. લક્ષ્મીકાંત ચૌહાણ(અક્ષય કુમાર) અને ગાયત્રી(રાધિકા આપ્ટે)ના લગ્ન થઈ રહ્યા છે. લગ્ન થાય છે, રોમૅન્ટિક સિન આવે છે, બેઉ ખિલખિલાટ હશે છે… આ વખતે વારાણસી ને ગંગાને બદલે મધ્ય પ્રદેશના મહેશ્વર અને નર્મદા મૈયાના દર્શન થાય છે. મજ્જા પડે છે! ( કુડોસ ટુ સિનમેટોગ્રાફર પી. સી શ્રીરામ! )

લક્ષ્મીકાંત સ્કૂલ ડ્રૉપ-આઉટ છે, આઠમું ફેઈલ છે. તે મહેશ્વરની એક દુકાનમાં મેકૅનિકનું કામ કરે છે. પણ કેરિંગ હસબન્ડ છે. કાંદા કાઢતી પત્નીના આંસૂ જોઈને તે પોતાની આવડતથી યંત્ર બનાવીને પત્નીનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે. તેને બેસવામાં સગવડ રહે તે માટે સાઈકલની પાછળ લાકડાની સીટ બનાવી આપે છે. તેની પત્ની ઉપરાંત મા, અને ત્રણ બહેનો છે. લક્ષ્મીકાંત ભણતર ઓછું હોવા છતાં સમજુ છે. સ્ત્રીઓ અને તેને પડતી તકલીફો માટે સેન્સેટીવ છે. ભોળપણ તેના સ્વભાવમાં છે. ગાયત્રી પણ લવિંગ અને નિષ્કપટ સ્ત્રી છે. એક દિવસ લક્ષ્મી જૂએ છે કે, ગાયત્રી જમતાં જમતા ઊભી થઈને ઘરની બહાર બાલ્કનીમાં ચાલી ગઈ છે. તેની બહેન કહે છે કે, પાંચ દિવસ તે ત્યાં જ રહેશે. લક્ષ્મીને પૂછતા જવાબ મળે છે કે આ સ્ત્રીઓનો વિષય છે. તુ દૂર રહે! લક્ષ્મીને ખ્યાલ આવે છે. તે જૂએ છે કે, તેની પત્ની માસિક દરમિયાન ઘરની બહાર રહે છે. તે ચિંથરા જેવું ગંદુ કાપડ વાપરે છે. તેનું કોઈ સાંભળતું નથી. તે પત્ની માટે બજારમાંથી પૅડ ખરીદી લાવે છે. પત્ની એમ કહીને ના પાડી દે છે કે આ મોંઘું છે. તે પત્ની માટે જાતે હાઇજેનિક સેનેટરી પૅડ બનાવે છે. ગાયત્રીને આશ્ચર્ય થાય છે, લક્ષ્મીની મા અને બહનને આની જાણ થાય છે. તેમને શરમ આવે છે ભાઈ-દીકરા સાથે આ વિશે વાત કરવાની અને તેને આવું કામ કરતો જોવાની. તેઓ તેને વઢે છે, ગમે તે સંભળાવે છે. લક્ષ્મી હાર નથી માનતો. ગાયત્રી ઘર છોડીને જતી રહેવાની વાત કરે છે. અંતે લક્ષ્મીકાંત ચૌહાણ સેનેટરી પૅડ પોતે પહેરીને ટ્રાય કરી જૂએ છે અને…

વેલ, અરુણાચલમ મુરુગનાથમની અનક્રેડિબલ સ્ટોરી તમને ખ્યાલ હશે જ. અંતે ગામવાળા કંટાળીને બહિષ્કૃત કરવાનું જ બાકી રાખે છે. પત્ની પિયર જતી રહે છે. તે બીજા ગામમાં રહીને પૅડ બનાવે છે, સસ્તા પૅડ  બનાવતું મશીન ઇન્વેન્ટ કરે છે. અને એક દિવસ સફળ થાય છે…

બાલ્કી સાબ, વેલ ડન!

શમિતાભ, પા અને કિ એન્ડ કા જેવી લીકથી હટીને પણ લાઇટ-વેમાં ફિલ્મો બનાવવા માટે જાણિતા આર. બાલ્કીએ તેમની સ્ટાઇલ બરકરાર રાખી છે. સ્કૂલ ડ્રૉપ આઉટ એક વ્યક્તિએ કઈ રીતે લો-કોસ્ટ સેનેટરી નેપકિન્સ બનાવતું મશીન ઇન્વેન્ટ કર્યું અને મેન્સ્ટ્રુઅલ હાઈજિન વિશે જાગૃતિ ફેલાવતું આખું અભિયાન દેશને ભેટ આપ્યું, આ વાત બાલ્કીએ સિફતપૂર્વક સુગર-કોટેડ કરીને પેશ કરી છે. તેમણે રિઅલ પૅડ મેનના સ્ટોરી ટ્રેકની સાથે આજથી 16-17 વર્ષ પહેલાની સ્ત્રીઓની ગામડાઓમાં સ્થિતિ, તેમના આ પાંચ દિવસો દરમિયાન ઘરની બહાર રહેવાની-સુવાની વાત, તેમની સાથેનો વ્યવહાર, અપવિત્ર ને અપશૂકનિયાળ જેવી માન્યતાઓ, જેન્ડર ઈક્વાલિટી, ધાર્મિક જડતા, વગેરે મુદ્દાઓ ટાઇટ નરેશન સાથે રજૂ કર્યા છે. આ દિવસો દરમિયાન શાળાએથી ઘેર ભાગી જતી વિદ્યાર્થીની, પુરુષનો સેનેટરી નેપકિન્સથી છોછ, દુકાનદાર દ્વારા રેપરમાં પૅડ  આપવું,(ચરસ-ગાંજા દે રહે હો ક્યા?) પુરુષના મોએ સેનેટરી નેપકિનનું નામ સાંભળીને જ બહેન-માતાનું ભડકવું, વગેરે તમામ સિન્સ ઉપદેશાત્મક થયા વિના ફિલ્માવાયા છે. ઓર્થોડૉક્સ અને ઑલ્ડ એજ ટેબુ પર પ્રહાર કરતા ડાયલૉગ્સ બાલ્કીએ અક્ષયના મોંએ સિફતપૂર્વક બેસાડ્યા છે. 2001નો સમયગાળો પૉઇન્ટ આઉટ કરવા એક સિનમાં લક્ષ્મી તેની પત્નીને કહે છે કે, રાણી મુખર્જી કે જમાને મેં દેવિકા રાણી કી બાત કર રહી હો! પણ અક્ષય અને રાધિકા આપ્ટે સિવાયની બેકગ્રાઉન્ડ કાસ્ટ સાઠના દાયકામાંથી સીધી ઉપાડી લીધી હોય તેવી લાગે છે. ત્રણ સિવાયના આવતા-જતાં રેન્ડમ કેરેક્ટર્સ અમુક સિન્સમાં ઓવર એક્ટિંગ કરે છે. નો ડાઉટ, અક્ષય, રાધિકા અને (ઇન્ટરવલ બાદ આવતી)સોનમ કપૂરનું પરફૉર્મન્સ કાબિલે-દાદ છે, પરંતુ બાકીના એકપણ ચહેરા તમને યાદ રહેતા નથી.

ફિલ્મના ટાઈટલ ક્રેડિટમાં જેમના નામની આગળ સુપરહિરો લખેલું આવે છે તેવા આર. બાલ્કીના ફેવરિટ અમિતાભ બચ્ચન સાહેબ અંતમાં સ્પીચ આપતા દેખાય છે. તેમના હાથે પૅડ મેનને એવોર્ડ અપાય છે. શરૂઆતમાં જ ડિસક્લેમર અપાઈ જાય છે કે, ફિલ્મ અરુણાચલમના જીવન પર આધારિત છે પરંતુ તેમાં કલ્પના ઉમેરવામાં આવી છે. અને તે કલ્પનામાંથી નીકળેલું પાત્ર એટલે સોનમ કપૂરે ભજવેલું પરિ વાલિયાનું પાત્ર. જે લક્ષ્મીકાંતે મશીનમાંથી બનાવેલા પૅડની પ્રથમ ગ્રાહક બને છે અને આગળ જતા અન્ય સ્ત્રીઓને તે વેચવામાં પણ મદદ કરે છે. લક્ષ્મીકાંતને તેનું સ્વપ્ન પૂરું કરવામાં પરિ મદદ કરે છે. કહ્યું એમ, સોનમે ખૂબ જ સ-રસ રીતે પાત્ર ભજવ્યું છે, પણ એક તકલીફ થઈ ગઈ છે. સામાન્ય દર્શકને ખૂંચે તેવી થોડી વધારે કલ્પનાના તુક્કા ઉમેરાઈ ગયા છે! પરિ અને લક્ષ્મીનો એક બિનજરૂરી સબપ્લોટ નખાઈ ગયો છે, જેની રતિભર પણ જરૂર નહોતી. માટે અમુક સિન અનકન્વેન્શિગ અને ઑક્વર્ડ લાગે છે. સોનમ કપૂરને અહીં સ્કિલ્ડ તબલા પ્લેયર બતાવાઈ છે અને સાવ વિચિત્ર કહી શકાય તેવો તેનો ઈન્ટ્રો સિન છે! બે સિનમાં સોનમ આઉટ ઑફ ટ્યૂન તબલા વગાડતી દેખાય છે, બાદમાં એકપણ વાર તેના તબલા-વાદનનો ઉલ્લેખ નથી આવતો! અહીં લૉજિક અને રિઆલિટી ડિસકનેક્ટ થતી લાગે છે.

ઈંગ્લિશ વિંગ્લિશ.. ઔર  લિંગ્લિશ!

ફર્સ્ટ હાફમાં અમુક સિન ઑવર મેલોડ્રામેટિક અને રિપિટેટિવ લખાયા છે. અક્ષયની જ 2017માં આવેલી સોશિયલી રિલેવન્ટ ફિલ્મ ટોઈલેટ એક પ્રેમકથાની જેમ અહીં લાઉડ કશું જ નથી, પરંતુ અંતમાં તેની જેમ જ અચાનક બધું પૂરુ થઈ જાય છે! જેમ તેમાં અક્ષયના પિતાનું ચમત્કારિક રીતે હૃદય પરિવર્તન થઈ જાય છે તેમ અહીં ગામડાની તમામ સ્ત્રીઓ સેનેટરી નેપકિન અપનાવી લે છે. આભડછેટ ભૂલી જાય છે. દકિયાનૂસી ને જડ ધાર્મિક માન્યતાઓ આટલી જલ્દી બદલતી જોઈને નવાઈ લાગે! પણ.. ફિલમ છે!

લક્ષ્મીની યુનાઇટેડ નેશન્સની દેશી અંગ્રેજીવાળી સ્પીચમાં બાલ્કીસાહેબે તેમના અર્ધાંગિની ગૌરી શિંદેની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ને યાદ કરી છે. સ્ક્રિપ્ટ બાલ્કીની સાથે સ્વાનંદ કિરકિરેએ લખી છે. બેઉએ આખી ફિલ્મમાં કોઈ ટાઇમ-પિરીયડ ઈન્ડિકેટ નથી કર્યો. અરુણાચલમને 2016માં પદ્મશ્રી મળ્યો હતો. અહીં લક્ષ્મી ન્યૂ યોર્કથી પાછો આવે છે ને તરત મળી જાય છે. બીજું, ગાયત્રી અને લક્ષ્મીના પાત્રો આખી ફિલ્મ દરમિયાન એવા જ-સરખી ઉંમરના જ રહે છે! ઈન શૉર્ટ, સમય આપણે ધારી લેવાનો છે.

અમિત ત્રિવેદીનું મ્યૂઝિક મ-જા-નું છે. ફિલ્મ સ્ટાર્ટ કરતું ‘આજ સે તેરી…’ સૉન્ગ અને પૂરું કરતું મિકાએ ગાયેલું ‘પૅડ મેન ટાઇટલ’ બેઉ ગીતો કર્ણપ્રિય છે. વચ્ચે આવતા ગીતો પણ ફિલ્મ જોવામાં નડતરરૂપ બનતા નથી. ફર્સ્ટ હાફમાં એડિટીંગ થઈ શકત, કેમ કે ખરેખર અરુણાચલમ સાથે જે બન્યું છે તે વાંચવામાં સારું લાગે, જોવામાં રિપિટેટિવ લાગે છે.

ઇન્ક્રેડિબલ મેન!

તમને તમારા માટે, તમારી ફેમિલી-સમાજ માટે કંઈક નવુ કરવું છે, રિવોલ્યુશન લાવવું છે ને કોઈ તમારો સાથ નથી આપતું, તો નિરાશ ન થાઓ. લક્ષ્યથી હટો નહીં. કામ કરતા રહો. સફળ થશો તો જે ગામ, લોકો, સગાઓ તમને ધૂત્કારતા હતા તે જ તમારું રથ પર બેસાડીને સ્વાગત કરશે. આ ઇનસ્પિરેશનલ મેસેજ પણ ‘પૅડ મેન’ આપે છે. ગત વર્ષે રિલિઝ થયેલી લો-બજેટ ફિલ્મ ‘ફૂલુ’ અને અનરિલિઝ્ડ ‘આઈ-પૅડ’ આ જ વિષય પર બની છે. પણ અહીં કેનવાસ મોટો છે. કદાચ રિઅલ સ્ટોરી ન હોત અને ફિલ્મ બનત તો લક્ષ્મીકાંતે પૅડ બનાવવા કરેલા પ્રયત્નો માનવા અઘરા થઈ પડત! જય હો અરુણાચલમની!

જોવી કે નહીં?

‘ભારતમાં 50 કરોડ સ્ત્રીઓમાંથી માત્ર 12 ટકા સ્ત્રીઓ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરે છે. આ કારણે તેઓ બીમારી ને માંદગીમાં ધકેલાય છે.’ કંઈક આ પ્રકારનો ડાયલૉગ ફિલ્મમાં છે અને તે બીજું કોઈ નહીં, મેઈન-સ્ટ્રીમ સ્ટાર અક્ષય કુમાર બોલે છે. આ સારી અને મોટી વાત છે. કંઈક ફરક પડી શકે છે…

સો, અક્ષય કુમાર ને બાલ્કિના ફૅન્સ લોગ, આ સબ્જેકટ તથા સોશિયલ ઈસ્યુ જોવા-સમજવા માગતા મિત્રો, અરુણાચલમની જીવન ઝરમર એન્ટરટેઈનિંગ-વેમાં જાણવા માગતા મિત્રોઃ આ તમામ જઈ શકે છે. છૂટાછવાયા સિન બોર કરી શકશે, આખી ફિલ્મ કદાપિ નહીં! અસ્તુ.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 10 February 2018)

0 comments on “પેડમૅન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: