Literature

મમ્મીનો આભાર માની શકાય ખરો?

માની આંગળી પકડીને ચાલનારું દરેક બાળક નિશ્ચિંત છે. એને ખબર છે જ્યાં સુધી આ આંગળી મારી મુઠીમાં છે મંને કંઈ જ નહીં થાય. થોડીક સેકન્ડ માટે પણ મા આંગળી મૂકશે તો એ બાળક ધ્રુજી ઉઠશે. આ ધ્રુજારી તમે-મે તમામે નાનપણમાં ક્યારેક ને ક્યારેક અનુભવી હશે… 

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

mother-son-bike-ride-vickie-wadeમારા પપ્પા સ્કૂલમાં ટીચર હતા ત્યારે ટૂર પર ગયા હતા. સ્કૂલના બધા વિદ્યાર્થીઓને સાચવવાના, તેમની સાથે ફરવાનું, એકથી બીજા સ્થળે જવા માટેનું આયોજન કરવાનું, વગેરે જે સ્કૂલ-પ્રવાસે જતી વખતે દરેક શિક્ષક કરતા હોય છે એ બધું કરવાનું. છોકરાઓ ૫-૬-૭ ધોરણના હતા. ઘરે મમ્મી-પપ્પા પોતાના બાળકોને આમ કરજો, આમ ન કરજો, ધ્યાન રાખજો, વગેરની સલાહો આપી રહ્યા હતા. ખાસ તો મમ્મી. પોતાના ‘શરીરને સંભળાજે’થી કરીને ‘સમયસર ખાઈ લેજે’ સુધીનું ચિંતાનું આખું લિસ્ટ તેને મોઢે હતું. ફરવાના દિવસો નજીક આવે તેમ તે વધારે કહેતી જાય. અમુક છોકરાઓ કંટાળે, અમુક સાંભળે. મમ્મી એમ પણ કહે કે, ‘ક્યાંય દૂર ન જજો. જાઓ તો તમારા સાહેબને કહીને જજો. સાહેબ સાથે રહેજો. ધ્યાન રાખજો.’ વગેરે. હવે બીજી બાજુ મારા પપ્પાને એમના મમ્મી એટલે કે મારા બા સલાહ-સૂચન આપતા જાય!: ‘જોજે! ધ્યાન રાખજે, ખાવામાં ને ફરવામાં ધ્યાન રાખજે. બહુ દૂર ન જતો! સંભાળીને બધું કરજે.’ વગેરે.

પપ્પા આજે પણ એ યાદ કરીને કહે છે કે, મેં મમ્મીને એટલે કે એમણે મારા બાને એમ કહેલું કે, ‘મમ્મી, હું મારા ૫૦૦-૬૦૦ છોકરાઓનું ધ્યાન રાખવા, તેમની સાથે જાઉં છું. તમે ચિંતા ન કરો હવે. હું મોટો થઈ ગયો છું.’ બાએ જવાબ આપ્યો હતો: મારા માટે તો એટલો જ છો ને દીકરા!.

આપણે સૌ જાણીએ છીએ કે મા, માતા, મમ્મી કે મોમ માટે તેનું સંતાન હંમેશા નાનું જ રહેવાનું છે. અને જ્યાં સુધી મા નામની વ્યક્તિ હશે ત્યાં સુધી તેનું બાળક ભલે ગમે તટેલું મોટું થઈ જાય તે એમની નાનકી કે નાનકો જ રહેવાના. પણ એ મા હોય ત્યારે નહીં, એ જાય પછી સમજાય કે હવે નાનકામાંથી મોટા થઈ ગયા. માના ગયા પછી ફરજિયાત મેચ્યોર થવું પડે છે. મેચ્યોર થઈ જવાય છે. બાકી મા પાસે કાલીઘેલી ભાષામાં તમે કોઈ પણ ઉંમરે વાત કરી શકો. બકૌલ ખુશબિરસિંહ, ‘ફૈસલે લેને પડે જબ તો બુઢા હો ગયા/ જબ તલક જિંદા થી માં, બચ્ચા હુઆ કરતા થા મેં.’

બાળક નાનું હોય ત્યારે તેની માતા સંભાળ લે, દીકરો કે દીકરી તેના માટે સર્વસ્વ હોય, વગેરે એવું બધું બહુ બધી વાર લખાઈ ગયું છે. આપણને ખ્યાલ છે. મારે અલગ વાત કરવી છે. (જોકે, આ પણ કોઈ નવી વાત નથી.) કોઈ ૬૯-૭૦ વર્ષની માતા હોય, એની દીકરી હોય જે ૩૭ વર્ષની આસપાસ હોય. દીકરીના ઘરે સંતાનો હોવાના. તે સાસરેથી ક્યારેક ક્યારેક તેની મા પાસે આવે. સંગેપ્રસંગે મળે, વાતો કરે. આ રૂટીન જિંદગી છે. એ દીકરી માટે ૭૦ વર્ષની મા એક પ્રેશર કૂકર જેવી હોય. પોતાના દીકરા કે પતિથી કરીને સાસુ કે નણંદની વાતો, શારિરીક-માનસિક કોઈ પણ તકલીફ, કોઈ પણ પીડા એ એની માને કહે. પેટછૂટી વાતો કરે. જ્યારે ત્યાંથી પાછી ઘરે આવે ત્યારે બધી તકલીફ જાણે માને આપીને આવી હોય એમ હળવીફૂલ થઈને પોતાની રોજિંદી જિંદગીમાં પરોવાઈ જાય. ખરેખર તો ત્યાં મા હોય ત્યાં સુધી કોઈ દુઃખ, તકલીફ કે પીડા છે તેનો અહેસાસ જ ન થયો હોય. પણ… પણ ઉંમરને આધીન મા રજા લે ત્યારે સૌથી વધારે તકલીફ અફ કોર્સ એના પતિ, એટલે કે એ દીકરીના પિતાને તો થવાની જ પણ પછી સૌથી વધું દુઃખ કોઈને થતું હોય, ભલે તે કહી ન શકે, પણ એ દીકરીને થતું હોય છે..  બે સંતોનાની મા પણ એક દીકરી છે. પણ હવે તેને ‘દીકરી’ કહેનારું કોઈ નથી. અચાનક જ એકલી પડી જાય છે. પહેલા કામનો થાકોળો મા સાથે વાત કરીને ઉતરી જતો હતો, હવે? હવે એક એવો ખાલીપો છે જે ક્યારેય ભરાવાનો નથી.

આ બધા પાછળ એટેચમેન્ટ પણ મોટું ભાગ ભજવતું હોય છે. અમુક સંતાનો માની એટલા નજીક હોય કે તેને છોડી જ ન શકે. એ માટે પોતાનું કરિયર, નોકરી બધું જ દાવ પર મૂકી શકે, કહો કે સેક્રિફાઈસ કરે. આમાં અમુક મા તરફથી પણ એવી ઈચ્છા હોય છે કે દીકરો કે દીકરી મને મૂકે નહીં. લાગણી અને વેવલાવેડામાં ફરક છે. અમુક માતાઓ પ્રેમથી દીકરા કે દીકરીને તેના કરિયર માટે, તેની પ્રગત્તિ કે આનંદ માટે બહાર ભણાવે છે. બહાર નોકરી માટે હસતા હસતા જવા દે છે. સમય જતા તે પોતે ત્યાં જાય અથવા હળતામળતા રહે.

દીકરીએ મમ્મીની એટલે કે માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય ત્યારે બહુ આકરુ લાગતું હોય છે અને દુઃખ થતું હોય છે, બંને બાજુએ. એક એ મા છે જેણે ૨૨-૨૩ વર્ષ સુધી દીકરીને મોટી કરી છે અને બીજી બાજું એનું બધું સારું ઈચ્છતી દીકરી છે. પણ… પછી શરૂઆતમાં બને એકબીજા સાથે વાત ન કરે. પણ બંનેમાંથી કોઈથી રહેવાય નહીં. આ હૃદયની પીડા બહુ ખરાબ છે. બંને જણી મનોમન વલોવાય. બે દોસ્તો વચ્ચે જેવા સંબંધ હોય એવા નિખાલસ સંબંધ મા-દીકરા કે મા-દીકરી વચ્ચે હોવા જોઈએ. નિખાલસ અને પારદર્શક. નિખાલસતા ઉપરથી યાદ આવ્યું કે મમ્મીને એવું હોય છે કે દીકરો પરણે પછી વહુનો થઈ જાય.(અમુક ગામ કે શહેર અથવા તો દરેક જગ્યાએ આવું હોય છે. ન હોય તો સારું.) જ્યાં હોય ત્યાં, પણ સમજાતું નથી કે એવું શા માટે હોય છે? અહીં મારે ‘સંબંધોના સમીકરણો’ કે ‘સંબંધોનું મેનેજમનેન્ટ’ નથી સમજાવવું, મા-દીકરાના સંબંધની જ વાત કરવી છે. હા તો એવું કેમ હોઈ શકે? જે આવી છે એ કોઈની દીકરી છે, એની પણ કોઈ મા છે જેને તે મૂકીને આવી છે. એટલે આમ જોવા જઈએ તો લગ્ન બાદ અધૂરા મન જ ભેગા થતા હોય છે એક ઘરમાં. અર્થાત કંઈક કશે છોડીને આવેલી વ્યક્તિઓ. તો ખૂટતી કડી કે ખૂટતી વ્યક્તિ મેળવી લેતા હોય તો?! માને એક દીકરી, દીકરીને એક મા મળી જાય. આનાથી રૂડું બીજું શું હોઈ શકે? એની વે, માનવમન બહુ વિચિત્ર છે. કચ્છની સરહદે ઉભેલા સૈનિકની માતાએ કહેલું (જે દીપક સોલિયાસાહેબે બૂકફેરમાં યાદ કરાવેલું) કે, મારો પુત્ર મરે ત્યારે મને દુઃખ તો થાય જ, પણ સામેની બાજુ કોઈ યુવાન મરે, એની ય મા તો હશે જ ને? એને ય દુઃખ તો મારા જેટલું જ થતું હશે…

માની આંગળી પકડીને ચાલનારું દરેક બાળક નિશ્ચિંત છે. એને ખબર છે જ્યાં સુધી આ આંગળી મારી મુઠીમાં છે મંને કંઈ જ નહીં થાય. થોડીક સેકન્ડ માટે પણ મા આંગળી મૂકશે તો એ બાળક ધ્રુજી ઉઠશે. આ ધ્રુજારી તમે-મે તમામે નાનપણમાં ક્યારેક ને ક્યારેક અનુભવી હશે…

આટલી વાતો કર્યા બાદ કહેવું છે, ઈન ફેક્ટ મારે એટલું જ ખરેખર કહેવું હતું કે, એન્ડ ઑફ ધ લાઈફ કદાચ કોઈ મા વિશે સ્પષ્ટ લખી શકે. એ પણ કદાચ. જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમ મમ્મી પ્રત્યે પ્રેમ વધતો જાય છે. બધું સમજાતું જાય છે. એટલે જીવનની છેલ્લી ક્ષણે જીવનની એ પહેલી ક્ષણ આપનાર વિશે કદાચ યોગ્ય, સાચું, ન્યાયોચિત લખી શકાય. બાકી કર્ઝ ચૂકવવાનું ને એવું બધું શક્ય જ નથી. ઈટ્સ ઈમ્પોસિબલ! તેના બલિદાનની, સમર્પણની વાતો આપણે સાંભળી છે. અનુભવી પણ હશે જ. મને તો મા વિશે વાત કરવી જ ક્યારેક વિચિત્ર લાગે છે. આભાર માનવાની તો હેસિયત જ નથી. અને કવિતા, સુ-વાક્યોથી સરસ મજાનો મા વિશેનો લેખ સજાવું એવી મારી કોઈ લાયકાત નથી. અથવા તો એ ખોટું લાગે છે. દંભ લાગે છે. મેં ઘણી વાર અનુભવ્યું છે કે મમ્મી છે તો બધું છે. મમ્મી છે તો આ છે, મમ્મી છે તો તે છે. એ બધું શું શું છે એ હું બયાન નથી કરવા ઈચ્છતો. કદાચ નથી કરી શક્તો.

***

માતા વિશે ઘણા બધા પ્રોગ્રામો થતા રહે છે, લખાતું રહે છે, બોલાતું રહે છે. ડાયરાઓમાં મા વિશે કવિતા ગવાય છે, કિસ્સા કહેવાય છે. ખ્યાલ છે કે આજે મધર્સ ડે નથી. પણ મમ્મી-પપ્પા વિશે લખવા માટે, એમનો આભાર માનવા માટે કોઈ ડેઝની રાહ ન જોવી. યાદ આવે, ઈચ્છા થાય, મન પડે ત્યારે કહી દેવું! કદાચ નહીં કહો તો પણ એને કશો ફરક નહીં પડે. અને કહેશો તો રાજી થશે. મા પૃથ્વી પરની એવી વ્યક્તિ છે જે ખૂબ જ સહેલાઈથી બધું માની જાય છે, રાજી થઈ જાય છે. જોકે, છેલ્લે છેલ્લે ફરી એવો પ્રશ્ન પણ થાય છે કે, મમ્મીનો આભાર માની શકાય ખરો?

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:07-01-2018

0 comments on “મમ્મીનો આભાર માની શકાય ખરો?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: