Interviews

બુદ્ધિઝમનું આકર્ષણ, 10 વર્ષથી કરું છું ‘બુદ્ધાઃ ધ ઈનર વૉરિયર’ની તૈયારીઃ પાન નલિન

27 નવેમ્બર, 2016 એટલે કે રવિવારે  પાન નલિનસાહેબનો ઈન્ટરવ્યુ સિટી ભાસ્કરમાં આવેલો. સ્પેસની મર્યાદાને કારણે અમુક પ્રશ્નો તથા વાતો નહોતા સમાવી શકાયા. માટે થોડા ફેરફાર સાથેનો એમનો અનએડિટેડ-ફૂલ ફ્લેજ્ડ ઈન્ટરવ્યું અહીં મૂકું છું.. તમને ગમશે!  

 

મૂળ અમરેલી જિલ્લાના ખીજડીયા ગામના નલીનકુમાર પંડ્યા આજે પાન નલિનના નામે જાણિતા છે. તેમની ગયા વર્ષે ‘એંગ્રી ઈન્ડિયન ગોડડેસ’ નામની અફલાતૂન ફિલ્મ આવેલી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા એવોર્ડ્સ તથા લોકોની સરાહના મેળવી હતી. આ ફિલ્મનું તાજેતરમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થયું હતું અને ટાટા સ્કાય દ્વારા તારિખ 28મીના રોજ તે દુનિયાભરમાં દર્શાવાશે. આ પ્રસંગે પાન નલિને સિટી ભાસ્કરના પાર્થ દવે સાથે ખાસ વાતચીત કરી હતી. 

 

ફિલ્મોમાં રસ કઈ રીતે પડ્યો?

હું નાનો, 14-15 વર્ષનો હતો ત્યાં સુધી મેં શહેર જોયું જ નહોતું. મારું ગામ અમરેલીની બાજુનું ખીજડીયા સાવ નાનું જન્ક્શન છે. ત્યાં પપ્પાની ચાની કેબિન હતી. હું એમને કામમાં મદદ કરાવતો. મને યાદ છે પહેલી વાર અમે ‘જય મહાકાલી’નામનું પિક્ચર જોવા ગયેલા. આધ્યાત્મિક પ્રકારનું કંઈક હતું. ત્યારે મને ઈન્સ્પિરેશન મળી કે, બોસ્સ આવું કંઈક કરવું છે; ફિલ્મ જેવું. આમા મજા પડે છે. લાઈટ, કેમેરામાં.. આમ પણ મને પેન્ટિગ કરવાનો, ફોટા પાડવાનો, થોડુંઘણું લખવાનો શોખ પહેલેથી જ હતો. એટલે આમાં વધુ રસ પડે..

 

અમદાવાદ સાથેના તમારા સંબંધ વિશે કહો.

અમદાવાદ-વડોદરામાં મેં અધધધ હૉલિવૂડ ફિલ્મો, ઉપરાંત ઈટાલિયન, જાપાનીઝ, ચાઈનિઝ ફિલ્મો જોઈ. વિશ્વ સિનેમા સાથે પરિચય થયો. મારા માટે ફિલ્મોની દુનિયા આ શહેરોમાં આવીને ખુલી. મને યાદ છે મેં મારો પહેલો 60mmનો સેકન્ડ હેન્ડ કેમેરો અમદાવાદના સાબરમતી બ્રીજ પાસે બજાર ભરાતી ત્યાંથી લીધો હતો.(ખડખડાટ હસીને કહે છે) હું એ સમયે વેડિંગ ફોટોગ્રાફી કરતો. ફિલ્મો જોવાનું સાઈડમાં ચાલું જ હતું. ધીમે ધીમે ફિલ્મ સ્ક્રીનિંગ લખવાનું શરુ કર્યું.

 

pannalin_4ઑકે. અમદાવાદ પછી તમે મુંબઈ તરફ જોયું; ત્યાંના અનુભવો..

પછીનો સ્ટેપ અફ કોર્સ મુંબઈ જ હતું. ત્યાં ગયો. મુંબઈમાં જોયું કે અહીં તમારું ફેમિલી કનેક્શન ન હોય તો કામ કરવું ખુબ જ ડિફિકલ્ટ છે. તમે કશું જ ન કરી શકો. તમને એડ ફિલ્મ કે ટીવી સિરિયલ્સ મળી જાય પણ ફૂલ લેન્થ ફિલ્મમાં કામ મળવું અશક્ય હતું એ સમયે. તો મેં ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું, અમુક એડ ફિલ્મો બનાવી. એમ કરતા એક વખત આર. કે લક્ષ્મણ સાથે મુલાકાત થઈ. અને તેમણે મારું લખાણ વાંચેલું. વાત આગળ વધી અને ‘વાઘલે કી દુનિયા’ના એઝ અ સ્ક્રીન રાઈટર 6 એપિસોડ લખ્યા.

 

તમારી ડૉક્યૂમેન્ટ્રી હોય કે શૉર્ટ ફિલ્મ્સ, હંમેશા અન્યથી અલગ-હટકે રહી છે. એ પછી ‘સમસારા’ હોય કે ‘એન્ગ્રી ઈન્ટિયન ગોડડેસ’. એનું કારણ?

મેં નક્કી કર્યું હતું કે હું ‘મારા પ્રકાર’ની જ વાર્તાઓ લખીશ. નહીં કે બીજાઓ જે લખે છે કે જે ‘ચાલે’ છે એ. વાત કરી એમ હું મુંબઈ હતો. એ સમયે મારી પાસે છુટકછુટક સિવાય બહુ કામ હતું નહી. BBC અને નેશનલ જ્યોગ્રાફી માટેની સ્ક્રિપ્ટ લખી. એ અને એના જેવા કામોની ઈન્કમમાંથી મારી પહેલી ફિલ્મ ‘સમસારા’ બનાવી. જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. હંમેશાથી ઈચ્છા હતી કે એવી હિન્દી ફિલ્મ બનાવીએ જે કોઈ બનાવતું નથી. અર્બન ઈન્ડિયામાં જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે એ વિશે લખીએ. અને એ રીતે સર્જાઈ ‘એન્ગ્રી ઈન્ડિયન ગોડડેસ’ જેને ખુબ સરાહના અને એવોર્ડ્સ મળ્યા. તે ફિલ્મને સ્ક્રીન વધારે કે માર્કેટીંગ એવું કશું જ નહતું, ફક્ત માઉથ ટુ માઉથ પબ્લિસિટિને કારણે ફિલ્મ ખુબ જ ચાલી.

 

pannalin_3aતમે ટિબેટીયન-લડાખી ભાષામાં ‘સમસારા’ બનાવી જેની વાર્તા બૌદ્ધ સાધુ પર છે અને હવે ‘બુદ્ધાઃ ધ ઈનર વૉરિયર’ લાવી રહ્યા છો, જે ગૌતમ બુદ્ધ પર છે. બુદ્ધિઝમ વિશે શું કહેશો? ખેંચાણનું કંઈ કારણ?

હા.. મને બુદ્ધિઝમ ફિલસૂફી ઘણી પ્રભાવિત કરે છે. બલ્કે કહી શકાય કે મને બુદ્ધિઝમ, હિન્દુઝસ સૂફી, જૈન-બધા ધર્મો આકર્ષે છે. ખેંચે છે. મને ગમે છે તેમની ફિલસૂફી સમજવી અને રજુ કરવી. ‘સમસારા’ બાદ મને ઈચ્છા હતી કે સિદ્ધાર્થને રિબાઉન્સ કરીએ. આજે આપણે આધ્યાત્મિક ઓછા ને ધાર્મિક વધુ થઈ ગયા છીએ. ‘બુદ્ધાઃધ ઈનર વૉરિયર’ની તૈયારી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છું. કહી શકાય કે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. મને હંમેશા લાગ્યું છે કે આજના જમાનામાં બુદ્ધની ફિલસૂફી આપણને ખુબ અસર કરે છે. તે આપણા માટે બિલકુલ સાચી છે. આજના યુથને એ જ પ્રશ્ન પજવે છે કે ‘ઘરે રહું કે નીકળી જઉં?’, ‘લગ્ન કરું કે ન કરું?’ ગૌતમ બુદ્ધની લાઈફ લૌથી સારી પ્રેરણા છે. અને આવું ઘણું બધું છે. આ મારે ફિલ્મમાં આજના જમાના પ્રમાણે દર્શાવવું છે.

 

ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા ખરી?

યસ, ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. નૉવેલ ઉપર પણ ઈચ્છા છે. મને ઝવેરચંદ મેઘાણીની ‘સોરઠી બહારવટિયા’ બહુ ગમતી. બાદમાં અમેરિકા ગયો પછી ખબર પડી કે એ તો અહીં પણ આ પ્રકારની વાર્તા, વૉરિયર્સની વાર્તાઓ છે. કચ્છ-કાઠિયાવાડની શૌર્ય-પ્રેમની કથાઓ છે-વાતો છે એ મને ગમે છે. મને અંજાર-કચ્છના જેસલ-તોરલની કથા પણ એકદમ બૌદ્ધિક જ લાગે છે. બુદ્ધ-યશોદરાની જેમ જેસલ-તોરલ. જેસલે આખી જીંદગી પાપો કર્યા અને અંતે જિંદગીનું મૂલ્ય સમજાયું. આ બધા પર ઘણું થઈ શકે એમ છે.

***

બૉક્ષ

અંગ્રેજી વગર આ દેશમાં કંઈ જ થવાનું નથી

વડોદરા ગયો પછી ખબર પડી કે શહેરમાં જવું હશે, આ ફિલ્ડમાં આગળ વધવું હશે તો અંગેજી બોલતા શીખવું પડશે. (હસીને)એના વગર આ દેશમાં કંઈ જ થવાનું નથી. પણ એ સમયે શહેરમાં જવા માટે મારી આર્થિક પરિસ્થિતિ એવી નહતી. થોડા સમય પછી મને સ્કોલરશિપ મળી અને હું બરોડ ફાઈન આર્ટ્સમાં જોડાયો. ત્યાં મને ખબર પડી કે NIDમાં ફિલ્મ મેકિંગનો એવો કંઈક કોર્સ પણ છે! આવું શીખવા પણ મળે છે. બાદમાં ત્યાં એડમિશન પણ મળી ગયું.

***

ahm-a2494717-large
પેજ નં. 4, અમદાવાદ-સિટી ભાસ્કર (તારિખ 27 નવેમ્બર,2016 – રવિવાર)

 

 

 

 

0 comments on “બુદ્ધિઝમનું આકર્ષણ, 10 વર્ષથી કરું છું ‘બુદ્ધાઃ ધ ઈનર વૉરિયર’ની તૈયારીઃ પાન નલિન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: