Literature

હફરક લફરક કરતો આવી… આલાબાપુને ખમ્મા કહી, સોનલને ગીત સંભળાવી… ‘છ અક્ષરના નામ’ વાળો એ, કૈક ભાળી ગયેલો કવિ : રમેશ પારેખ… જે મીરાં બની સામે પાર પહોચી ગયો…!!

બે વર્ષ પહેલા  દોસ્ત સંદીપ દવેના વીકલી પેપર ‘કચ્છ તહેલકા’માં લખતો. ત્યારે 21-05-2014 ના દિવસે ર.પા ઉર્ફે રમેશ પારેખ વિશે લેખ લખેલો. એ આજે સવારથી મગજમાં હતો. અને સંદીપ સાથે ‘કચ્છ તહેલકા’ની ઑફિસમાં બેસીને ખાધેલા સમોસા મગજમાં હતા. એ સિગારેટ જલાવતો અને મને પૂછતો, સામે ટેબલ પર એકાદ અશ્વિની ભટ્ટની બૂક પડી હોય. હું મારી બધી વાતો કરતો. એ કહેતો, આપણું પ્રિન્ટિગ ભૂજ-ભાસ્કરની પ્રેસમાં થાય છે. આજે એ ગાંધીધામ ભાસ્કરમાં પત્રકાર છે અને હું અમદાવાદ-ભાસ્કરમાં. ત્યારે એવી કલ્પનાય નો’તી.

ખેર, ઘણી યોદો છે, વાતો છે. વિતેલા દિવસો છે, ટી-પોસ્ટ છે… અને વાંચનના રસિયાઓની બેત્તુકી ઝિંદગીઓ છે; જેના એકેય છેવાડા નથી, ઠેકાણા નથી.. શું કરવું છે, ખરેખર શું કરવું છે કોઈ સ્યોર નથી! આઈ થિંક. 

અને અત્યારે મારી પાસે રમેશ પારેખ ‘ફૂલછાબ’માં કટાર લખતા એના ચૂંટેલા લેખોનો સંગ્રહ છે:’ચાલો એકબીજાને મળીએ!’. સરસ પૂસ્તક છે. રમેશ પારેખે પોતાના ગીતો કે કવિતા નહીં, પણ તેમણે અન્યના ગીતો અને કવિતાનો સુરેશ દલાલ કે હિતેન આનંદપરા કે રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ની જેમ આસ્વાદ કરાવ્યો છે, તેમના વિશે લખ્યું છે પોતીકી શૈલીમાં. આ પુસ્તકની શરુઆતમાં રજનીકુમાર પંડ્યા કહે છે કે,’… મેં વાર્તા પકડી રાખી અને એમણે કવિતાને આરાધ્યા બનાવી. પરિણામ સરાજાહેર છે- એ યુગસર્જક કવિ બની રહ્યા. સહજ કવિ-એટલા અને એવા જબ્બર ઉન્મેષવાળો કોઈ કવિ ગાંધીયુગને પછાડી આવ્યો નથી.’

***

ઑવર ટુ માય ઓલ્ડ લેખ…

૨૭, નવેમ્બર ૧૯૪૦માં જન્મ. ગામ અમરેલી. ‘છ અક્ષરનું નામ’ –રમેશ પારેખ. રમેશ મોહનલાલ પારેખ!! રોમેરોમ કવિતાથી છલકાતો માણસ. શબ્દોથી ફાટફાટ થતું હૈયું અને કલમથી તરબતર હાથ! સોનેટ અને ગઝલના મોતીઓથી પરોવાયેલી માળાથી રચાયેલો સમુદ્ર! જેના લોહીમાં ગીતોની સાહ્યબી વહે છે એ રમેશ પારેખ!

મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ત્યાર બાદ કારકુનની નોકરી કરી. પત્ની રસીલાબહેન. બે સંતાનો- નેહા અને નીરજ. સંગીત, ચિત્રકલા, જ્યોતિષમાં ઊંડો રસ. પણ એથીયે ઊંડો રસ, જેના થકી આપણે ર. પા. ઉર્ફે રમેશ પારેખને જાણીએ છીએ એ ….કવિતાનો… પણ શરૂઆત કઈ રીતે કરવી? વિવેક ટેલર લયસ્તરો પર નોંધે છે: ‘માહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો જામવંત યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનીલ જોશી નામના અંગદ ન મળ્યા હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે.’ અમરેલી જન્મભૂમી તો રાજકોટને કર્મભૂમિ બનાવી. સૌથી પહેલી કવિતા ‘ચશ્માંના કાચ પર’ લખી, જે ‘રે’ મઠના કૃતિ સામયિકમાં છપાઈ અને ૧૯૫૯માં સૌથી પહેલી વાર્તા ‘પ્રેતની દુનિયા’ ચાંદની માસિકમાં છપાઈ. અનીલ જોશીને કવિતા માટેના ગુરુ અને પરમ મિત્ર માનતા. કવિતા-ગીતો-વાર્તાઓ ઉપરાંત સપાંદન કર્યું, ચિંતનાત્મક લેખો લખ્યા.

***

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ..સોનલ…

આ સોનલ કોણ છે? ર. પા. ની સોનલ.. રમેશ પારેખે સોનલના નામે ઘણાય કાવ્યો લખ્યા. કહી શકાય કે સોનલકાવ્યો રચ્યા. કોણ છે આ સોનલ? સોનલ એક એવી વ્યક્તિ છે જે તમારા ભાવ વિશ્વને સાક્ષીભાવે નીરેખે છે. એ ક્યાંક કોઈનામાં જોયેલો ઉજાશ હોઈ શકે, ક્યાંય ન જોયેલી કોઈ  સ્ત્રી હોઈ શકે, એ એક ઘટના હોઈ શકે! સોનલ એ, એ ક્ષણની ઝંખના હોય જે ક્યારેય નથી મળવાની! એ તમારો એવો ભાવ હોઈ શકે જે શબ્દોરૂપે પ્રગટ થતો આવ્યો છે. સોનલ એ પ્રવાહી જેવી છે, જે કોઈ પણ વિચારોનો તંત પકડીને આકાર ધારણ કરતી રહે, ફરતી રહે! સુરેશ દલાલ કહે છે: ‘એમની કવિતામાં આવતી સોનલ પુનર્જન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાશન છે.’ એ એક કલ્પના છે, જે કોઈ વાસ્તવિકતામાંથી ઉદભવી છે! અથવા અત્યારે એવી શબ્દોરૂપી વાસ્તવિકતા છે, જે એક કલ્પનામાંથી જન્મી છે! (બહુ કન્ફૂઝ્ન છે!! ?) તો રમેશ પારેખ ખુદને પૂછીએ કે કોણ છે આ સોનલ? આપણી જેમ જ, આમ જ કોઈ બૌ પહેલા પૂછતુ, ત્યારે એ ર. પા. સ્ટાઈલમાં કહેતા: ‘જવાબ માટે જયારે આમારા બંધ પરબીડિયા જેવા હોઠની કિનાર લગરિક ઊંચકાતી તો તેમાં સો-સો ડોકિયા થતા, અમારા ચહેરાને માઈક્રોસ્કોપ નીચે મૂકી તપાસતો; અમારા વાળ ફરકે તોય સો-સો અફવાઓ જન્મી પડતી. કુતુહલપસંદો સુગંધના શોખીન થઇ જતા ને અમારા પગ સુંઘતા.’ આગળ રમેશ પારેખ કહે છે: ‘મુગ્ધ પ્રાધ્યાપકો, લીમડાની છાલ જેવા સુકકાભઠ વિવેચકો, ગુલાબની થપી જેવી કાચી કાચી છોકરીઓ- સૌ પૂછતાં, ચૂંથતા, ખોલતાં, ખખડાવતાં, ખોદતાં, ઉલેચતાં, ચીરતાં, પટાવતાં કે, સોનલ કોણ છે?’ લોક જાહેરમાં તાકીતાકીને પ્રશ્નોના બાણો મારતા કે કોણ છે આ સોનલ? ત્યારે રમેશ પારેખ ‘ર. પા. –બ્રાંડ’ સ્ટાઈલ માં કહેતા: ‘હે દોસ્ત, સીધો તીર જેવો કોઈ પ્રશ્ન ન કર,/ આ મારો ચહેરો માત્ર ચહેરો છે કઈ ઢાલ નથી.’ ને પછી ‘સિક્કાઓ પડતા સોનલના નામના !’ કહી, ખુદ ખુબ રાજી થઈને કહે છે: ‘અમારા જીભના મૂળમાં સોનલનું ઘર હતું. આંખમાં હતી સોનલની ગલીઓ ને શ્વાશોમાં સોનલની રમ્ય, કામ્ય પગલી.’ (રમેશ પારેખના પુસ્તક ‘હોંકારો આપો તો કહું’ માં ‘સસલા જેવી, ચાબુક જેવી, સફરજન જેવી સોનલ કોણ છે?’ મથાળા હેઠળ આ લખ્યું છે. મથાળું એ કેવું લખ્યું છે!!)

સોનલ ઉપરાંત ‘આલા ખાચર’ ના કાલ્પનિક પાત્ર વડે કાઠીયાવાડના બાપુઓની મનોદશાનું વ્યંગનાત્મક અને કરુણ આલેખન કવિતાઓમાં કર્યું છે. વ્યંગનાત્મક કવિતામાં આલાબાપુ હળાહળ દંભ અને મિથ્યાભિમાનથી ખદખદ ભરાયેલા!  ર. પા.ની એક કવિતામાં આલાબાપુ ઉવાચ!: ‘સરપંચ નથી થાવું, બધી બાચ્છાઈ જાય ચૂલામાં- ને આબરુની માને પૈણે કુતરા- અરે, વરલી મટકું ય નો ખપે, જા…-હાળું એકનું એક, એકનું એક, એકનું એક- કેટલી વાર? કેટલી વાર? કેટલી વાર?’ 

rameshparekh  ગુજરાતી ભાષાની કવિતાને સાવ નવા, અવનવા, હમેશ તરોતાજા લાગે એવા અર્થસભર કલ્પનો, પ્રતીકો, શબ્દો મળ્યા. ર. પા. એ લખ્યું છે: ‘આ હાથ તો હજુએ ગજવેલ જેવા/ છે છતાય સાવ ગધના ખખડેલ જેવા.!’ આ છે રમેશ પારેખ! ‘ગધ ના’ શબ્દનો કેવો ઉપયોગ? ! આજે, અત્યારે બહુ ઊંડું ઉતરવું નથી જો કે, આખું માણવું છે!! (પણ ઉતરવા જેવું ખરું!) આગળ આંખ વિષે કહે છે: ‘ને આંખ? આંખ પણ તદ્દન છે છિનાળ/ એના બધા લખણ છે ભટકેલ જેવા.’ ‘એણે દીધેલ સપના લઈને ફર્યો હું/ ને એ તમામ નીકળ્યા બટકેલ જેવા’ આ છે શબ્દ પ્રયોગ! ખખડેલ હાથ, ભટકેલ આંખ અને બટકેલ સપના!! હવે વધ્યું શું? તો કહે છે: ‘બાકી વધેલ ધડ ને સક્ળંક શ્વાસો/ ગંદા, લબાડ, વસમા, દમિયેલ જેવા.’ અને છેલ્લે આબાદ રમેશ ઝીલાય છે: ‘ચાલો, રમેશ અહીંથી ભણીએ ઉચાળા/ ક્યાં સુધી આમ ભજવાઈશું ખેલ જેવા?’

 

“પત્તર ન ખાંડો હે મારાં આંખ, કાન ને નાક

ચાલો અહીંથી છુટા પડીએ લઇ સહુ-સહુનો વાંક.”

રમેશ પારેખના કાવ્ય સંગ્રહોમાં ‘છ અક્ષરનું નામ’, ‘ક્યાં’, ‘ખડિંગ’, ‘ત્વ’, ‘સનનન’, ‘ખમ્મા, આલાબાપુને’, ‘મીરાં સામે પાર’, ‘વિતાન સુદ બીજ’, ‘અહીથી અંત તરફ’નો સમાવેશ થાય છે. ‘છ અક્ષરનું નામ’માં તેમની બધી કવિતાઓ ગ્રંથસ્થ થઇ છે. ‘મીરાં સામે પાર’ માં રમેશ પારેખના મીરાકાવ્યો છે જેમાં, સહજ આધ્યત્મિકતા નજરે પડે છે. ‘ગીર નદીને તીર’ અને ‘આ પડખું ફર્યો લે!’ નું સંપાદન કર્યું છે. બાળસાહિત્યમાં ‘ચી’ અને ‘હાઉક’ જેવા બાળગીતો તથા ‘દે તાલ્લી’ અને ‘હફરક લફરક’ની બાળવાર્તાઓ લખી છે. નાના હતા, શાળામાં ભણતા ત્યારે ‘એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો/ બંને બથ્થમબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો.’ જોરજોરથી ગાતા, એ કેમ ભૂલાય? જીવન દરમ્યાન ગુજરાતી સાહિત્યના અકાદમી અને પરિષદ પારિતોષિકો, સુવર્ણચંદ્રકો, ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ અને અન્ય ઢગલાબંધ પુરસ્કારો મળ્યા. હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોક્વાયેકા કે દંતકથા રમેશે પારેખે સાચી પાડી! ર.પા. ‘મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’,/ કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર?’ લખે છે અને એ જ કવિ સીટ્ટીનો હીંચકો બનાવી છોકરીને ઝૂલવાનું કહે છે! ગુજરાતી ભાષાના સર્વે કવિઓમાં અનોખો તરી આવતો કવિ…

ramesh-parekhમોરારીબાપુએ કહ્યું હતું: -‘આ કવિ કૈક ભાળી ગયેલો છે.’- ર. પા. એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યુ અને એન્ટીક સૌન્દર્ય! એમની લોહીમાં કવિતાની સાહ્યબી અને શાહીમાં જાણે લોહી વહેતું હોય! એ વગર બોલે ઘણું જ કહેતા હતા!: ‘બોબડી સવેન્દના ઉકલી નહી છેવટ સુધી/ એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?’ સવેન્દના બોલી, શબ્દો બોલ્યા, લાગણીઓ બોલી…અને સોનલ સાંભળતી રહી!! એ સોનલ, આલાબાપુ સૌ એક દિવસ સમયની ગર્તામાં સરી ગયા. ફૂંક ફૂગ્ગોમાં ભરતા ના આવડી, પણ શ્વાસમાં શ્વાસ ભરતા આવડે! એમ કહેતા એક દિવસ એ શ્વાસ અટકી ગયા. હ્રદયરોગ…. શરૂઆત માં કહ્યું એમ ‘છ અક્ષરનું નામ’ એટલે રમેશ પારેખ. એ નામ અચાનક જ ૧૭ મેં, ૨૦૦૬ના અ-ક્ષર થઇ ગયું. જાણે અત્યારે ર. પા. અ-ક્ષર દેહ થઇને કહી રહ્યા હોય: ‘માર્ગમાં આવે છે મૃત્યુની પરબ/ જ્યાં થઈ હરએક રસ્તા નીકળે.- ‘ર’ નિરંતર મેશ-માં સબડે અને/ સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.’ આ કવિતાના શહેનશાહ સામે કોઈ પણ કવિતાનો સુરજ કાળો જ લાગવાનો… ગયા અઠવાડિયે શનિવારે ગયેલ એમની ૮મી પુણ્યતિથી નિમિતે એમને કવિતાંજલિ..

લાસ્ટ લાઈન= “આ વાણી, આ ભાષામાંથી મારાં માપનો જોડો સિવાયો છે.”~રમેશ પારેખ

કૉલમ – ‘માઈન્ડ વેવ્સ’ (‘કચ્છ તહેલકા’, ૨૧-૦૫-૨૦૧૪)

0 comments on “હફરક લફરક કરતો આવી… આલાબાપુને ખમ્મા કહી, સોનલને ગીત સંભળાવી… ‘છ અક્ષરના નામ’ વાળો એ, કૈક ભાળી ગયેલો કવિ : રમેશ પારેખ… જે મીરાં બની સામે પાર પહોચી ગયો…!!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: