Uncategorized

સબંધો-લાગણીઓની દુનિયા…

ઘણા સમયથી-છેલ્લા કલાક ઉપરથી કંઈક લખવાની ટ્રાય કરું છું. કાંઈ સૂઝતું નથી. કંટાળા આવે છે પોતાના ઉપર. ફેસબૂક ખોલ્યું, બંધ કર્યું. બ્લોગ ઑપન કર્યો, ક્લોઝ કર્યો.  યુ ટ્યૂબમાં સોન્ગ સ્ટાર્ટ કર્યું, પોઝ કર્યું. કંઈક યાદ કર્યું…કંઈક ભૂલ્યો, પણ નહીં. જૂની ફાઈલ્સ ખોલી. લખેલી અને અમુક ‘ન સ્વીકારાયેલી’ વાર્તાઓ વાંચી. મારી જ વાર્તા; સારી લાગી! મજા આવી. એમાંથી એક ‘રામ…’ કરીને છે, એ બ્લોગ પર શેર કરવાનું વિચાર્યું, પછી રામ મોરીને મેસેજમાં મોકલીને માંડી વાળ્યું. આમેય મને ઓછી ગમે છે. પછી અમુક મારા અનપબ્લિશ્ડ આર્ટિકલ્સનું ફોલ્ડર ખોલ્યું અને વાંચવા માંડ્યો. અમુક સાવ પર્સનલ નીકળ્યું ; સાલું મનેય શરમ આવતી’તી વાંચીને! મૂકી દીધું. બહુ પહેલા સ્ટાર્ટ કરેલી અને ત્યારે જ બંધ કરી દીધેલી ડાયરી ઓપન કરી.(ડાયરી પણ લેપટોપમાં જ લખવાની. ‘ડાયરી’ નામથી ફાઈલ બનાવીને એટલે રિયલ જેવી ફિલીંગ આવે!) એ વાંચી ગયો. અમુક પર્સનલ પિસિસ જોઈ ગયો, એ બ્લોગ પર શેર કરવા છે પણ અમુક જે ફોટો ખપે છે એ મળી જાય પછી શેર કરીશ. અને અંતે આ શેર કરવાની ઈચ્છા થઈ. 10 માર્ચ, 2015ના લખેલું છે. જૂનું છે. હેડિંગ ‘સંબંધો-લાગણીઓની દુનિયા’ એવું મેં ત્યારે આપ્યું હતું. હવે અત્યારે આખું ફરીથી વાંચીને એમ થાય છે કે આનાથી સારું બીજું કાંઈક આપી શકાત. પણ  એ જ યથાવત રાખ્યું છે. મારી ત્યારની ફિલીંગ્સનું માન રાખ્યું! આમેય કાફી ભારે ફિલીંગ્સ હતી એ..ખબર નહીં,  કેમ-કઈ રીતે-કઈ ક્ષણોમાં અને સુકામ આ લખ્યું હશે, લખાવ્યું હશે મારા બદમાશ મને…

વધું કશું નથી કહેવું. પેશકશ છે મારી ત્યારની વાતો…  🙂  

લગભગ ૪ વર્ષ પહેલા હું રૂમ જોવા વડોદરા ગયેલો. ‘ક્યાં રહીશ, કેમ રહીશ’- એ બધું જોવાનું હતું, જોઇને પાછા આવવાનું હતું. બેથી ત્રણ દિવસનો પ્રવાસ હતો એટલે બહુ ચિંતા નહોતી. બિંદાસ ગયો હતો. પછી રૂમ ગમશે, ઝાઝું રહેવાનું થશે ત્યારે સાવ નાનું મોઢું થઇ જશે એ ખબર હતી પણ અત્યારે તો ફરવાની દ્રષ્ટિએ ગયેલો. સવારે પહોંચ્યો, એક દિવસ પત્યો ને રાતના ઘરે વાત કરી. કશુંક અજુગતું લાગ્યું, કૈંક અધૂરું લાગ્યું. વાતોમાં એક શૂન્યાવકાશ લાગ્યો. કહીએ ને કે આમ- ‘મજા ન આવી’, એના જેવું! પણ ત્યારે અત્યારની જેમ-આટલો વિચાર કરવાનો સમય ન હતો અને એવી બુદ્ધી પણ ન હતી! તો ‘હશે કંઈ’ એવું સમજી-વિચારીને સુઈ ગયો.

બીજો દિવસ, સવારે વાત કરી. સાવ એવું જ- ‘ખરાબ’ લાગ્યું, મજા ન આવી. પપ્પાથી વાતો કરી, મમ્મીથી કરી. મને એકઝેટ યાદ નથી પણ એ દિવસે સાંજના ભાગમાં મમ્મીને મેં પૂછ્યું હતું કે ‘શું થયું છે?’

‘કંઈ નહીં..’

‘ના.. તું કે… કે’તી કેમ નથી? શું થયું છે?’

‘ખમ પપ્પાને આપું!’

‘હેં? કા…?’

‘હેલ્લો… બેટું..’

‘હા.. આ બધું શું છે?’

‘દાદા રજા લઇ ગયા છે બેટા. તું નીકળ્યો એ જ દિવસે. તું નીકળત, પાછો આવત તો પણ બપોર પડી જાત. અમને એમ કે તું નિરાંતે ફર.. પછી..’

વગેરે વગેરે વગેરે.. આવું બધું થયું હતું. મેં કહ્યુંને મને અક્ષરસઃ એકઝેટ કશું જ, કાંઈ જ યાદ નથી પણ આ યાદ છે, આટલું યાદ છે અને આમ યાદ છે. કેટલું બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ, પણ અમુક પ્રસંગો, ઘટનાઓ અને વાતો આરસની તકતી ઉપરના ઘસરકાની જેમ કોતરાઈ જતી હોય છે. એ નથી નીકળતી, નથી ભુલાતી.. આપણે નથી ભૂલી શકતા…

પપ્પાની પહેલી લીટી સાંભળીને શાંત, એકદમ ચુપ… શાંત થઇ ગયો હતો. પછી એમણે ઘણું કહ્યું, મને સમજાવવાની રીતે કે ‘એન્જોય કરજે, ટેન્શન ન લે’જે, તને તો ખબર હતી.. બહુ વિચારતો નહીં..’

હમમ… ટેન્શન નહીં લઉં, મને બધી ખબર હતી.. બધી જ, એન્જોય પણ કરીશ પણ… આ વિચારોને કેમ રોકવા..આ..આ..આ..આ…???

આમે નથી રોકાતા તો તો આવું થાય ત્યારે કેમ કરીને રોકવા? પપ્પાએ કહ્યું હતું કે જો ટાઈમ મળે તો ફિલ્મ જોજે. યસ.. અને એ બરાબર હતા. જે ‘હતા’ એ તો ‘જતા’ રહ્યા હતા. હવે ‘છે’ નહીં અને હવે કાંઈ જ અર્થ નથી. બેસણા કે ઉઠમણા કે પ્રાર્થનાસભામાં પહોંચવાનો ન’તો અને મને એવી કોઈ ઈચ્છા પણ નહોતી. સમાજ માટે બારમું-તેરમું હતું! અને આમે ત્યારે હું નાનો હતો.

આ બધું સાંભળી, વાત કરી, હસીને હું સુતો. સાલું અત્યારે પણ કૈંક લાઈફમાં નાની એવી ઉથલપાથલ કે ગડબડ થાય છે તો નીંદર નથી આવતી, કંટાળા આવે છે, ક્યારેક મગજ જાય છે. હા.. પછી બધું બરાબર થઇ જાય એની મેળે..! થોડી વાર માટે હોય..  અને ત્યારે તો..

હું સુતો… હું સુતો… આંખો ખુલી અને હું સુતો… બીજા ત્રણ જણ હતા, મિત્રો હતા.

બીજો દિવસ, મોલ ફરવા ગયેલા. તમારું મન-હ્રદય અને શરીર એકદમ વિરુદ્ધ દિશામાં કામ કરતા હોય ને, ત્યારે જો જો કેવુંક થાય છે? જો કે, આવું તો લગભગ  કાર્યોમાં આપણે કરીએ છીએ પણ જયારે ‘આવું’ થાય ત્યારે લડવાની મજા આવે! એમ લાગે કે ‘પરાણે’ હસી રહ્યા છીએ…

વડોદરા જોયું, રાતના બસમાં બેઠો. સવારે એક દોસ્ત લક્ઝરીમાંથી ઉતારવા આવ્યો. ઘરે પહોંચ્યો અને ગળદી ગળદી..! જાણે ભીડ હતી!

અંદર ગયો, દાદા જે જગ્યાએ બેસતા-સુતા-વાતો કરતા એ જગ્યાએ..

ત્યાં એક કબાટ છે, કબાટની બહાર આરીસો, એટલે ઘરમાં હોઈએ ત્યારે ત્યાં જઈએ. દાદા હોય. ઘણી બધી વાતો છે… જયારે અંજાર આવે ત્યારે આ રૂમમાં જ હોય લગભગ.. એ રૂમમાં ગયો, અરીસામાં ચહેરો જોયો, આમ મોં કર્યું…

રૂમ ખાલી લાગ્યો…

માણસોથી ભરાયેલું ઘર ખાલી લાગે ત્યારે સમજવું કે તમે દુઃખી છો. અને ઓછા માણસોથી ઘર હર્યુભર્યુ લાગે ત્યારે બધું મૌજમાં દોડતું હોય છે. આ જ જિંદગી છે આમ તો… આપણાથી કશું જ થવાનું નથી. આપણે પછી બધી વિધિઓ કરવાની, શ્રાદ્ધ કરવાના, પિંડ દાન કરવાનું, વાતો કરવાની, યાદ કરવાનું, જમવાનું-હસવાનું, રડવાનું,  વગેરે વગેરે..

આપણી જિંદગી ‘વગેરે વગેરે’થી ભરાયેલી અને એનામાં સમાયેલી જિંદગી છે…

બા બહાર, આંગણામાંથી આવ્યા. મને જોયો, રડી પડ્યા. હું ગયો-નજીક ઉભો રહ્યો. એક શબ્દ પણ ન નીકળ્યો. ફરી ઘણું બધું મગજમાં ચઘડોળાય છે… ફઈ આવ્યા. મેં વિચાર્યું-‘એમના પપ્પા ગયા…’.

બીજો દિવસ, ત્રીજો દિવસ… ચોથો દિવસ… બારમું-તેરમું..  હસીમજાક, જૂની વાતો-યાદો…

એક દિવસ અંજારના બગીચે બેઠો હતો. વિચાર્યું, મને પપ્પાનો ફોન આવ્યો ત્યારે હું વડોદરા હતો-એ પછી, પછીના બે-ત્રણ દિવસ પણ હું રડ્યો નહોતો. આવીને પણ નહીં. ક્યારેય નહીં. જબરું કેહવાય!

ઘણા દિવસે ઘરે એકલો ટીવી જોતો હતો. સંભળાયું-થયું કે અંદર દાદા છે. દાદા બેઠા છે. બહાર એમને બરાબર દેખાતું નથી પણ નજરો જીણી કરીને જોય છે. હાથમાં બીડી છે. ઉભડક બેઠા છે. મને એવું થયું. હું આમ બેઠો હોઉં એટલે એ આવે, આવીને બસે, વાતો કરે, હસે… ઘણું બધું…

મને ખબર હતી કે આ આભાસ છે, પણ છતાંય આભસ ગમતો હતો. આપણને ઘણા બધા આભાસો પણ ગમતા હોય છે. આપણે કલ્પનાઓની કઠપૂતળી છીએ. આપણે ધારેલી અને કરેલી ઈચ્છાઓ અને આકાંક્ષાઓનાં માણસો છીએ. અને એમાં મજા છે, એમાં જ મજા છે. ટીવી બંધ કર્યું, બહાર નીકળ્યો. ઘરને તાળું મારવું પડ્યું, અંદર કોઈ ન હતું..

ક્યારેક સપનામાં પણ આવી જાય છે. આવીને સામે જોય-હશે-વાતો કરે, જતા રહે. કશું યાદ ન રહે, ક્યારેક આખો દિવસ યાદ આવ્યા કરે. સતત-અવિરત ચાલે એનું નામ: યાદો! એકબીજામાં વીંટળાયેલી યાદો છે. એક ખુલે છે તો પટારામાં બાજુમાં કસોકસ ભરાયેલી બીજી બધી ‘યાદોની થપ્પી’ ઉડાઉડ કરે છે. ઝાલવી પડે છે, પકડવી પડે છે… ખુદને સંભાળવું પડે છે…

સમય ઈલાજ છે. સમય દવા છે. સમય ઘા રૂઝવી દે છે. સમય બધું ભુલાવી નાખે છે. સમય આપણને ટેવ પાડતા શીખવી દે છે…! અને એક દિવસ, સમય આપણને પસાર કરી નાખે છે…

દાદાની એક જૂની છબી છે, એ ઘરમાં રાખી છે. ઓલ્ડ છે, એમની જુવાનીની. જોવી ગમે એવી અર્ધગોળાકાર ચશ્માની ફ્રેમ પહેરીને, સુટ પહેરીને… ફ્રેમ બનીને ભીંત ઉપર ગોઠવાઈ ગયા છે. ઘરે આવતા મિત્રો પૂછી લે છે, ‘આ…’

‘એ મારા દાદાનો ફોટો છે. એમની જુવાનીનો!’

આમ બોલવું ગમે છે. મને ભરપુર જુવાની વિતાવતો જોવો -એમને ગમતું હશે.

અને એક દિવસ એમ જ-અનાયાસે-કોઈ નબળી ક્ષણ કે કારણ વિના, વગર વિચારે કે ઘણું બધું વિચારીને રડી પડ્યો.. રડી પડાયું…

છેક ત્યારે રડ્યો. મોં ફાટ રડ્યો. સાલું રડવું પણ એકલું એકલું જ આવ્યું. દાદા મરક મરક હસતા હશે. એમના ખોળામાં ઘણું હસ્યો-રડ્યો-મજા કરી. બસ રડી લીધું… રોઈ નાખ્યું.. રોઈ લીધું… લાગણીશીલતાની ચરમસીમાએ રડવું નથી આવતું, ગુંગળામણ થાય છે…

***

હવે ક્યારેક ક્યારેક મને માથાની જમણી બાજુએ, પાછળના ભાગમાં ચામડીનો ભાગ ઉપસી આવે છે. નાનકડા ગુમડા જેવું, સહેજ મોટી ફોડલી જેવું કે નાનકડી રસોડી  જેવું-લાગે. પહેલી વાર અડતા એમ થાય કે ગાંઠ છે. પણ એ ત્રણેક દિવસ રહે અને પછી બેસી જાય છે. એક વાર બધે બેઠા હતા, ત્યારે ફઇએ યાદ કર્યું, કહ્યું: ‘આવું ખબર છે પપ્પાને થતું? … આવું તારા દાદાને થતું.. એ બતાવતા અડીને, આમ જ! પછી બેસી જતું, મટી જતું..’

યસ.. આઈ એમ ડીએનએ ઓફ હિમ! કશું જ એમ જ નથી થતું! થાય છે કે આ સબંધોના કેવા આટાપાટામાં ગૂંથાયેલા છીએ આપણે? સબંધોની દુનિયા, લાગણીઓનો દરિયો… પ્રેમનું-સ્નેહનું..વ્હાલનું સામ્રાજ્ય… આ દરિયામાં, સામ્રાજ્યમાં, આ દુનિયામાં ડૂબતા- આ લખતા મગજને કસવું પડે છે, હ્રદય ઉપર ભાર લાગે છે…

0 comments on “સબંધો-લાગણીઓની દુનિયા…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: