Literature

તારું હોવું મને ગમે છે!

પ્રેમ વિષે ખલીલ જિબ્રાને કહ્યું છે :

‘પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોય નથી.

પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી અને કોઈનો તાબેદાર બનતો નથી;

કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે.’

બની શકે કે આ વાતો કેટલાકને ‘ખયાલી પુલાવ’ લાગે પણ અહીં ખલીલ જિબ્રાને પ્રેમની વાત કરી છે તે ઈશ્વર પ્રત્યેના પ્રેમ અથવા તો ભક્તિની કરી છે.

એના પછીની પંક્તિ વાંચો :

‘જ્યારે તમે પ્રેમને અનુભવો ત્યારે ‘પ્રભુ મારા હૃદયમાં છે’ એમ કહેવા કરતાં ‘હું પ્રભુના હૃદયમાં છું’ એમ બોલો.’

અને એમ ન માનો કે તમે પ્રેમનો માર્ગ દોરી શકશો; કારણ, જો તમારી પાત્રતા હોય તો પ્રેમ જ તમારો માર્ગ દોરે છે.

સીરિયામાં આવેલા લેબેનનમાં ૬ જાન્યુઆરી ૧૮૮૩ને દિવસે જન્મેલા જ્ઞાાની, કવિ અને ચિત્રકાર એવા ખલીલ જિબ્રાનનાં પુસ્તક’ધ પ્રોફેટ’માં આ કવિતા આપેલી છે. જેનો ગુજરાતીમાં અનુવાદ સાધુચરિત વ્યક્તિત્વના માલિક કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાએ કર્યો છે. જિબ્રાનનાં દરેક પુસ્તક એમના દ્વારા દોરાયેલાં ચિત્રોથી અંકિત છે. ‘ધ પ્રોફેટ’માં પણ ચિત્રો આપેલાં છે; ‘વિદાય વેળાએ’માં એમાંથી ત્રણ ચિત્રો ઉતાર્યાં છે. વસાવવા અને વારંવાર વાંચવા જેવું આ પુસ્તક છે, જેને મહાદેવ દેસાઈએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ પછી, એની કોટીનું બીજું પુસ્તક કહ્યું છે. આ લખીને ફક્ત ૪૮ વર્ષની ઉંમરે તારીખ ૧૦ એપ્રિલ, ૧૯૩૧ના રોજ દુનિયાથી વિદાય લઈ લેનાર ખલીલ જિબ્રાન કહે છે :

‘તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણવા છતાં એની સામે ઊભો થતાં ધ્રૂજે છે.

…શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાનાં કર્મમાંથી મુક્ત કરી નિરૂપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ઊડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?’

***

તો, જિબ્રાનથી શરૂ કરીને અત્યાર સુધી કેટકેટલાય લેખકો-કવિઓ દ્વારા પ્રેમ વિષે લખાયું છે, લખાતું રહે છે અને લખાતું રહેશે.(કેટલાક લેખકોને લખવા માટેનો વિષય ન મળતાં પણ પ્રેમ વિષે ઘસડી મારતા હોય છે.) કવિતાઓ, વાર્તાઓ, નોવેલ્સ, જોક્સ, ઈટીસી ઈટીસી, કેટકેટલુંય! કેમ કે, પ્રેમ જ એક એક્સ્પાયરી ડેટ વિનાનો શાશ્વત વિષય છે. પ્રેમમાં લોકો ‘ચાલતાં’ નથી ‘પડે’ છે. અને ઊંધેકાંધ પડે છે. સૌ જાણે છે કે પ્રેમ કોઈ કરતું નથી થઈ જાય છે… એ ચાહે તરુણાવસ્થા, કિશોરાવસ્થા અને ‘આવું આવું’થતી જવાનીની ઉંમરમાં થતા ક્રસને કે પછી આકર્ષણ, આસક્તિ, સ્નેહ, મિત્રતા, વાસના, વગેરેને પ્રેમનું નામ આપી દેવાતું હોય તો ખબર નથી. અને આમ પણ વર્ષોથી બૌદ્ધિકો અને અબૌદ્ધિકો ‘પ્રેમ’ અને ‘સેક્સ’ વચ્ચેનાં સમીકરણને ઉકેલવાની નાકામ કોશિશ કરી રહ્યા છે. કેટલા બધા પ્રેમીઓના પ્રેમની શરૂઆત શરીરના ગમવાથી જ થતી હોય છે. ‘પ્લેટોનિક’ પ્રેમ હોતો હશે? હોતો હશે. ચલો, જવા દો!

પ્રેમ, આકર્ષણ, મોહ, સ્નેહ, વગેરે પછી જ્યારે સાથે રહેવાની વાત આવે, આખી જિંદગી સાથે રહેવાની વાત આવે ત્યારે હવામાં ઊડતું ‘પ્રેમ’નું બલૂન છોકરીના પપ્પાના પગ પાસે પડીને તૂટી જતું હોય છે! નક્કર બરછટ વાસ્તવિકતા સામે હિલોળા લેવા માંડે છે. મીઠી મીઠી વાતો, કરેલા વાયદાઓ, જોયેલાં સપનાઓ બધું જ પ્રશ્નાર્થચિહ્ન થઈને સામે નાચવા લાગે છે અને પછી ‘બધી જ પ્રેમકહાનીઓ પૂરી ક્યાં થાય છે’ કહીને મનને મનાવવાની શરૂઆત થાય છે. શીરીહ-ફરહાદ, લૈલા-મજનું, હીર-રાંજા વગેરે એ બધી અમર પ્રેમકહાની અને પછી ફિલ્મોને કારણે અમર થયેલી ‘સલીમ-અનારકલી’, ‘જોધા-અકબર’ કે પછી ‘બાજીરાવ મસ્તાની’. આ બધી જ કહાનીઓ અધૂરી છે. બે અધૂરાં અપૂર્ણ પાત્રોથી જ એક પૂર્ણ જોડી બને છે. આ બધી જ કહાનીમાં કશુંક બાકી રહે છે. તૂટન અને રુદન-એ ઈશ્કના હમદમ લાગે છે…

article-2725380-20889a6200000578-51_634x698
SLB તેમની માતા લીલા ભણસાલી સાથે.

‘બાજીરાવ-મસ્તાની’ને અમર બનાવવા એની સાથે સંજય લીલા ભણસાલીએ કેટલી ‘બાંધછોડ’ કરી એની પળોજણમાં નથી પડવું પણ થોડાં વર્ષો પૂર્વે એમને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલું કે, તમારી ફિલ્મો અત્યંત રોમેન્ટિક હોય છે. ફિલ્મોનાં પાત્રો પ્રેમમાં તરબોળ હોય છે, ટ્રેજિક અંત હોય છે. એક જનૂન અને આગ હોય છે, તો તમે તમારી લાઇફમાં કેટલા રોમેન્ટિક છો? સંજયસાહેબે કહેલું : ‘મારી જિંદગીમાં રહેલા પ્રેમના અભાવને હું પડદા પર બતાવી રહ્યો છું! મને લાઇફમાં જે પણ નથી મળ્યું એ બધું હું મારા કામ થકી ગ્રાન્ડ રીતે અનુભવવા ઇચ્છુ છું.’ પ્રેમનો અતિ અભાવ અને ચોતરફથી ઇગ્નોરન્સ તમને ઔર ક્રિયેટિવ બનાવી દેતાં હોય છે. અને આમ પણ માણસ પ્રેમ પામ્યા વગર કદાચ જીવી શકે પણ પ્રેમ કર્યા વગર કદાપિ નહીં. બીજો પ્રશ્ન ‘તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે?’ ના જવાબમાં સંજયસાહેબે કહેલું : ‘ના… અને હા. પાસ્ટમાં કરેલો.’ ‘તો હવે?’ ‘બસ, હવે એ(વ્યક્તિ) નથી! એના ગયા પછી હું મારી જિંદગીને વધારે ને વધારે પ્રેમ કરુંં છું. કોઈ એક વ્યક્તિને પ્રેમ કરવા કરતાં એ વધારે સારુંં છે! હવે મારા માટે કોઈ એક હ્યુમન બિઇંગને ચાહવું જરાય ઇમ્પોર્ટન્ટ નથી. અને મેં મારી લાઇફનાં ૩૮ વર્ષ એમ જ, ‘ખાલી’ કાઢયાં છે અને બાકીનાં ૩૮ વર્ષ કાઢવા માટે તૈયાર છું!’ સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં આટલો વલવલાટ, આટલી અધૂરપ, પ્રેમ પામ્યા પહેલાં કે પામ્યા પછી મૃત્યુ થવું, બધાં પાત્રોની આંખોમાં તરતો આંસુઓનો દરિયો-આ બધું કેમ હોય છે એ હવે કદાચ સમજાય છે. જિબ્રાનસાહેબે પ્રેમ અને બાદમાં મૃત્યુની જ વાત કરી છે.

અધૂરપ, ખાલીપણું, અભાવ, શૂન્યતા, વલવલાટ-આ બધી ઇશ્કની બાય પ્રોડક્ટ છે. કેટલાંય શ્રેષ્ઠ સર્જન પ્રિયપાત્રના છૂટયા પછી કે અલગ થયા પછી સર્જાયા છે. ચાર દિવસ પછી આવતા પ્રેમનાં પર્વ ‘વેલેન્ટાઇન’ના દિવસે(આમ તો ગમે તે દિવસે) તમારી પ્રિય વ્યક્તિને એટલું જ કહેજો કે, ‘તું છો એ મારા માટે સારું છે. તારું “હોવું” મને ગમે છે!’ પ્રેમમાં આટલું કહેવું કાફી છે.

***

(‘આનન ફાનન’ કૉલમ, અર્ધસાપ્તાહિક પૂર્તિ; સંદેશ)

તારિખ 10-02-2016

1460118729-719
તેઓ ભવ્યતાના આશિક છે, તેમને ભવ્યતા ગમે છે. અંદર ઘણી કાળાશ છે, પરંતુ કલ્પના રંગબેરંગી છે તેમની!  વાસ્તવિકતા કરતાં કલ્પનામાં દુઃખી થવું કદાચ વધારે ગમે છે તેમને! ‘દેવદાસ’નો પિતાના મૃત્યુ બાદનો ‘ભલે આદમી થે’,’ચલે ગયે.. બહોત બૂરા હુઆ’ વાળો સીન તેમના અંગત જીવનમાંથી લીધેલો છે.

4 comments on “તારું હોવું મને ગમે છે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: